- સેન્સેક્સમાં 1000થી વધુ અને નિફ્ટીમાં 245 પોઇન્ટથી વધુના ઘટાડાથી રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં આજે ભારતીય શેરબજારમાં મંદીનું મહા મોજું ફરી વળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાતા રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ-100 પણ પટકાયા હતા. ચૂંટણી પરિણામોના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે. તેમ-તેમ શેરબજારમાં સતત મૂવમેન્ટ વધી રહી છે.
આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોન ખૂલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે દિવસ દરમિયાન મંદી વિકરાળ બની હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 75,095.18ના ઉપલા લેવલેથી ઘટીને 73,467.73 સુધી સરકી ગયો હતો. 1628 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની ઉપલી સપાટી આજે 22794.70 રહેવા પામી હતી અને નીચલી સપાટી 22348.05 રહી હતી. નિફ્ટીમાં 487 પોઇન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીમાં 500થી વધુ પોઇન્ટ અને નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 350થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. પ્રથમ બે તબક્કાના મતદાનમાં મતદાનની ટકાવારી ઓછી રહેવા પામી હતી. જેની અસર વધતા-ઓછા પ્રમાણમાં શેરબજારમાં જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામના દિવસો જેમ-જેમ નજીક આવશે. તેમ-તેમ શેરબજારમાં મુવમેન્ટ વધશે. ગત બુધવારે પણ શેરબજાર ગ્રીનઝોનમાંથી અચાનક રેડ ઝોન ગરકાવ થઇ ગયું હતું. વિદેશી રોકાણકારો હાલ ખૂબ જ સાવચેતી રાખી ખરીદી કરી રહ્યા છે.
આજે મહામંદીમાં પણ શ્રી સિમેન્ટ, ભેલ, એનએમબીસી, કોલ ઇન્ડિયા, બજાજ ફાયનાન્સ, આરઇસી, સેલ સહિતની કંપનીઓના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે કોફોર્જ લીમીટેડ, આદિત્ય બિરલા ફાયનાન્સ, એસઆરએફ, એમઆરએફ, પીએનબી સહિતની કંપનીઓના શેરોના ભાવમાં 10 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જ્યારે શેરબજારમાં મંદી હોય ત્યારે બૂલીયન બજારમાં તેજી રહેતી હોય છે અને શેરબજારમાં તેજી હોય ત્યારે બૂલીયન બજાર થોડું મંદ જોવા મળતું હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિપરિત સિનારીયો ચાલી રહ્યો છે. શેરબજાર અને બૂલીયન બજાર એકસાથે મંદી અને એક સાથે તેજીમાં કામ કરતા દેખાય છે. આજે શેરબજારની સાથે બૂલીયન બજારમાં પણ મંદી રહેવા પામી હતી. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય મજબૂતાઇ જોવા મળી હતી.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1003 પોઇન્ટના ઘટાડા સાથે 73607 અને નિફ્ટી 245 પોઇન્ટ ઘટાડા સાથે 20402 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ચૂંટણી પરિણામ સુધી શેરબજારમાં સાવચેતી સાથે ટ્રેડીંગ કરવું રોકાણકારોમાં હિતાવહ તેવું જાણકારો જણાવી રહ્યા છે.