નિફ્ટીએ 18 હજારની અને સેન્સેક્સે 60,500ની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ
ચીન સહિત વિશ્ભવરના અનેક દેશોમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. જેના કારણે વિશ્ર્વના અનેક શેરબજારોમાં મહામંદીનું મોજું ફરી વળ્યું છે. ભારતીય શેરબજારમાં આજે સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મંદીની મોકાણ સર્જાઇ હતી. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ઉંધે માથે પટકાયા હતાં. ડોલર સામે રૂપિયો પણ તૂટ્યો હતો. જેના કારણે રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નિફ્ટીએ આજે 18 હજાર અને સેન્સેક્સે 60,500નું લેવલ તોડ્યું હતું.
કોરોનાના કેસમાં ફરી તોતીંગ વધારો થવાના કારણે વૈશ્ર્વિક બજારોમાં મંદી જોવા મળી રહી છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. આજે સતત પાંચમા દિવસે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યા હતાં. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ વર્તાતા બજારમાં મંદી વધુ તિવ્ર બની હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 60,500ની સપાટી તોડી 60,205.56 સુધી સરકી ગયો હતો.
ત્યારબાદ થોડી રિક્વરી થવા પામી હતી અને 60,546.88 સુધી ઉપર આવ્યો હતો. આજે નિફ્ટીએ પણ 18 હજારની સપાટી તોડતાં રોકાણકારોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી. નિફ્ટી આજે 17,930.85ના લેવલ સુધી નીચે સરકી ગઇ હતી. ત્યારબાદ થોડી ઉપર આવી 18,050.45નો ઇન્ટ્રાડે હાઇ બનાવ્યો હતો. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ-100માં પણ તોતીંગ કડાકા બોલી ગયા હતાં.
આજે મંદીનો માહોલ હોવા છતાં ડેવિસ લેબ, મેટ્રોપોલીસ, સિપ્લા સહિતના કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ડિયા બૂલ્સ, ટાટા કોમ્યુનિકેશન, ડેલ્ટા કોર્પોરેશન, રિલાયન્સ, અદાણી પોર્ટ, ટાટા મોટર્સ, પીએનબી, વોડાફોન-આઇડિયા, આઇડીએફસી ફર્સ્ટ બેંક, ટાટા સ્ટીલ જેવી કંપનીઓના શેરોના ભાવમાં તોતીંગ ઘટાડો નોંધાયો હતો. બૂલીયન બજારમાં આજે સામાન્ય તેજી જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો રહેવા પામ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો હતો.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 651 પોઇન્ટના ઘટાડા સાથે 60,175 અને નિફ્ટી 200 પોઇન્ટના ઘટાડા સાથે 17,927 પર ટ્રેડ કરી રહી છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 8 પૈસાની નરમાશ સાથે 82.84 પર કામકાજ કરી રહ્યો છે.