સિવિલ હોસ્પિટલમાં ૭ અને ખાનગીમાં ૫ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો
રાજકોટમાં કોરોના દિવસેને દિવસે કાળમુખો બનતો જાય છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલ અને ખાનગીમાં વધુ ૧૨ દર્દીઓનાં કોરોનાએ ભોગ લીધા છે. આવી મહામારીમાં પણ અધિકારીઓ દ્વારા નામની જાહેરાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે આજરોજ વધુ ૩૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંકડો ૨૬૦૦ને પાર પહોંચ્યો છે અને કોરોનાએ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પગપેસારો કર્યો છે.
રાજકોટમાં સૌરાષ્ટ્રભરનાં કોરોનાના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન માનવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દરરોજ સરેરાશ ૧૦ થી વધુ દર્દીઓના મોત નિપજતા હોવાથી લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૭ કોરોનાના દર્દી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ દર્દીઓને કોરોના વાયરસ ભરખી ગયો છે. અત્યાર સુધી અધિકારો દ્વારા કોરોનાનાં કારણે મૃત્યુ પામેલા દર્દીઓનાં નામ રજુ કરવામાં આવતા હતા પરંતુ આવનારા સમયમાં હવે કોરોનાએ ભોગ લીધેલા દર્દીઓનાં નામ અને સંખ્યાની જાહેરાત કરવામાં આવશે નહીં.
રાજકોટમાં કોરોના સંક્રમણ પણ વધતુ દેખાય રહ્યું છે. ગઈકાલે કરાયેલા ૧૬૭૮ સેમ્પલીંગ ટેસ્ટમાંથી ૬૩ લોકો કોરોના સંક્રમિત થયા હતા ત્યારે આજ બપોર સુધીમાં વધુ ૩૫ પોઝીટીવ દર્દીઓ નોંધાતા શહેરમાં કુલ કેસની સંખ્યા ૨૬૬૨ ઉપર પહોંચી છે. ગઈકાલે વધુ ૩૨ કોરોનાના દર્દીઓ સાજા થતા ઘરવાપસી કરી હતી. અત્યાર સુધી ૧૪૦૬ જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
સિવિલ કોવિડ કેરમાં ૧૪ દિવસની સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ: વોર્ડ બદલાવવામાં આવતા દર્દીનું મોત
સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રૈયા રોડ પર નહેનગરમાં રહેતા દામજીભાઈ જેરામભાઈ ગુજર નામના ૭૬ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો જેમની ૧૪ દિવસની સારવાર બાદ ગઈકાલે ફરીથી રીપોર્ટ કરાવતા કોરોના નેગેટીવ નોંધાયો હતો. નેગેટીવ રીપોર્ટ આવતા નિયમ અનુસાર દર્દીને ઈમરજન્સી વોર્ડની ઉપરના ભાગે આવેલા અને નેગેટીવ જાહેર થતા દર્દીઓનાં વોર્ડમાં શીફટ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન આ દર્દીનું મોત નિપજતા સ્વજનોએ તબીબોની બેદરકારીનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો દોડી ગયો હતો અને પોલીસે મૃતકના સ્વજનોની અરજી લઈ વચ્યુર્ર્અલ પોસ્ટમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથધરી છે.
સિવિલ હોસ્પિટલના એડિ. સુપ્રીટેન્ડેન્ટની પુત્રી કોરોનાની ઝપટે
રાજયનો સૌપ્રથમ કેસ રાજકોટ ખાતે નોંધાયા બાદ અત્યાર સુધી કોરોનાની મહામારીમાં સિવિલ હોસ્પિટલનાં એડિ. સુપ્રીટેન્ડેન્ટ ડો.કમલ ગોસ્વામી અને જનાના વોર્ડમાં ફરજ બજાવતા તેમના પત્ની ડો.કવિતા ગોસ્વામીની ૧૪ વર્ષની પુત્રીને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. એડિ. સુપ્રીટેન્ડેન્ટ ડો.કમલ ગોસ્વામી કોવિડ કેરમાં સતત ફરજ બજાવી રહ્યા છે ત્યારે ડયુટી પુરી કરી ઘરે ગયા બાદ પણ પુરતી કાળજી રાખવા છતાં તેમની પુત્રી કોરોના સંક્રમિત થઈ હતી. આ બાબતે ડો.કમલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હાલ તેમની પુત્રીને કોઈ ખાસ સીન્ટમ્સ જોવા મળી રહ્યા નથી. કદાચ શકય બને કે અમારી હ્યુમીનીટી સક્ષમ હોય અને અમે કદાચ કોરોના વાહક બન્યા હોય તેવું જણાવ્યું હતું. તેમની પુત્રી ઝડપથી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થાય તેવી તબીબો નર્સીંગ સ્ટાફ અને બીજા કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતી.