અમેરિકાના લોકતંત્રના ૨૨૦ વર્ષના ઈતિહાસને કલંકિત કરતી ઘટનામાં ૪ હોમાયા: વોશિંગ્ટનમાં ૧૫ દિવસની કટોકટી
વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર અને આદર્શ પ્રમુખગત શાસન વ્યવસ્થા માટે દુનિયાભરમાં વખણાતું અમેરિકા અત્યારે ચૂંટણીની ગેરરીતિ અને પરિણામોમાં અવિશ્વાસના મુદ્દે ભારે રાજકીય અને સામાજિક આંતર વિગ્રહની ખીણમાં ઉતરી ચૂક્યું છે. પરાજિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીના પરિણામો અને મતદાનની વિશ્વસનીયતાના સંદેહ સામે પોતાનો પરાજય સ્વીકારવા તૈયાર જ નથી. બુધવારે આ તાણખેંચ ચરમ સીમાએ પહોંચી હતી અને ટ્રમ્પના સમર્થકો રસ્તા પર ઉતરી પડતા અમેરિકાનું પાટનગર અંધાધૂંધીમાં ગરકાવ થયું હતું અને તાત્કાલીક ધોરણે કર્ફ્યુનો અમલ કરવો ફરજ બની ગઈ હતી.
વોશિંગ્ટનમાં કેપીટલ બિલ્ડીંગમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ અંગેના પ્રસ્તાવ પારિત કરવાની પ્રક્રિયા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઈટ હાઉસ અને કેપીટલ બિલ્ડીંગ તરફ કુચ કરીને એક તબક્કે કેપિટલ બિલ્ડીંગની દિવાલો કુદીને સેશન ઉપર ધાબો બોલાવી દીધો હતો. કેપિટલ હાઉસ પર થયેલી ધોંસના પગલે વોશિંગ્ટન ડીસીમાં તાત્કાલીક ધોરણે કફર્યુ લાદી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા જો બિડને આ ઘટના અંગે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ ઘેરાબંધી નાબૂદ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે તેમણે અગાઉ લીધેલા રાષ્ટ્રપતિ પદના શપથ પુરા કરવા યાદ દેવડાવું છે.
રાષ્ટ્રપતિ પદે ચૂંટાયેલા જો બિડને સમગ્ર ઘટનાક્રમને અને કેપિટલ બિલ્ડીંગમાં થયેલા હંગામાની ઘટનાને રાજદ્રોહની ઘટના ગણાવી છે. તેમણે ટ્વીટ કરતા જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પને બંધારણની રક્ષા કરવાની પોતાની શપથ પૂરી કરવી જોઈએ. કેપિટલ બિલ્ડીંગ પર જે હંગામો થયો તે અમેરિકન લોકતંત્ર અને કાયદાને માન આપનાર પ્રજાનું આ કામ નથી. યુએસ કેપિટલ બિલ્ડીંગમાં જે રીતે હુમલો થયો હતો તેને લઈને જો કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સમર્થકોને શાંતિની અપીલ કરી હતી. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડ અને સુરક્ષા કર્મચારીઓને આ ઘટનાને કાબુમાં લેવા નિર્દેશ કર્યો હતો.
અમેરિકાના લોકતંત્રમાં પ્રથમ વખત વોશિંગ્ટનમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. અમેરિકાની ચૂંટણીમાં ગેરરીતિ અને મત ગણતરીમાં અવિશ્ર્વસનીયતાની ફરિયાદ કરી ડોનાલ્ડ ટ્રમ્પે આ પરિણામો માનવાનો ઈન્કાર કર્યો હતો ત્યારથી પરિસ્થિતિ રોજ નવા વણાંક લેતી હતી. ગઈકાલે જ્યારે અમેરિકી કોંગ્રેસમાં ઈલેકટ્રોરલ કોલેજને લઈ ચર્ચા ચાલતી હતી. અને બેઠકમાં બિડનની જીતને મંજૂરીની મહોર મારવાની હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપીટલમાં બિલ્ડીંગમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વ્યવસ્થા જાણવવા માટે થયેલી ફાયરીંગની ઘટનામાં એક મહિલાનું મોત નિપજતા પરિસ્થિતિ કાબુ બહાર ચાલી ગઈ હતી.
કોંગ્રેસના પ્રવકતા એલીયન લુરીયાએ આ સમગ્ર ઘટના ક્રમ અંગે પોતાનો પ્રતિભાવ આપતા ટવીટ કર્યું હતું કે, મને કલ્પના પણ નહોતી કે, આપણો દેશ આ પરિસ્થિતિમાંથી પસાર થશે. ટ્રમ્પના નામ લીધા વગર તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખના સમર્થકો કેપિટલ હાઉસમાં પોતાનું ધાર્યું કરવા માટે કાયદો હાથમાં લઈ ચૂક્યા હતા અને મને ઓફિસમાં બેઠા-બેઠા ગોળીબારના સંખ્યા બંધ અવાજો સંભળાયા હતા. તેમણે સુરક્ષા દળોને સમગ્ર પરિસ્થિતિ કાબુમાં લેવા અપીલ કરી હતી. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પુત્ર એરિક ટ્રમ્પે રિપબ્લીકન સમર્થકોને શાંતિ જાળવવા જણાવ્યું હતું. ટ્રમ્પના સમર્થકો જેમ કે ધારાશાસ્ત્રી લીનવુડના નામે હિંસા વધુ ભડકાવવાનો આરોપ આવ્યો છે.
ટ્રમ્પ દ્વારા શરૂઆતથી જ આ ચૂંટણીને અવિશ્વસનીય ગણાવાના મુદ્દે છેલ્લે પ્રભાવ દેખાડ્યો હોય તેમ ગઈકાલે વોશિંગ્ટનની ગલીઓ ઠેર-ઠેર હિંસાની સાક્ષી બની હતી. બીજી તરફ બલુમબર્ગના દાવા મુજબ ફેસબુક અને ટ્વીટરે ટ્રમ્પના એકાઉન્ટ ૨૪ કલાક માટે સ્થગીત કરી દીધા હતા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે કેપિટલ હાઉસ પર થયેલા હંગામાની ઘટનાને અમેરિકાના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેપિટલ હાઉસ પર હુમલો એ અમેરિકાની પરિપક્વ લોકતંત્રને છાજે તેવો નથી. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ કેપિટલ હાઉસ પર થયેલો હુમલો શરમજનક ગણાવ્યો હતો. જો કે તેમણે જણાવ્યું હતું કે, આ થવાનું જ હતું. આશ્ર્ચર્ય નથી પરંતુ સમગ્ર ઘટનાક્રમ અમેરિકા માટે શરમજનક છે. બિલ ક્લિન્ટને પણ આ ઘટનાને ક્યારેય માફ ન કરનારી ગણાવી હતી.
ટવીટરે ડોનાલ્ડ ટ્રમ્પના ખાતાઓ એક દિવસ માટે બંધ કરવાના કારણમાં જણાવ્યું હતું કે, ભવિષ્યની પરિસ્થિતિ અને હિંસા ન ફેલાય તે માટે આ પગલું ભરાયું છે. એક વખત બિડનને રાષ્ટ્ર પ્રમુખ તરીકે પ્રમાણીત કરી દેવાશે પછી પાટનગર આપો આપ શાંત થઈ જશે તેમ પેલ્સોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ધારાસભ્યો અને વ્હાઈટ હાઉસના કર્મચારીઓએ બીજી સુચના ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ ભવન છોડવું નહીં. વોશિંગ્ટનની ગલીઓમાં થયેલા તોફાનોના ઉપદ્રવને કાબુમાં રાખવા પોલીસના પ્રયાસ દરમિયાન ગોળીબારમાં એક મહિલાનું મોત નિપજયું હતું અને કેટલાકને સામાન્યથી ગંભીર ઈજા થઈ હતી. અમેરિકાના લોકતંત્ર માટે ગઈકાલનો દિવસ કલંકીત બની રહ્યો હતો.
અમેરિકન લોકતંત્રની પ્રણાલી વિરૂધ્ધ આર્ટીફિશીયલ વાતાવરણનું સોશિયલ મીડિયા પર આળ
અમેરિકાની પ્રેસીડેન્સીયલ વોર દિવસે-દિવસે વિવાદમાં વિંટળાઈ રહી છે. અવાસ્તવિક સામાજિક વાતાવરણ ઉભુ કરવા માટે સોશિયલ મીડિયાના વાયરલ મેસેજ આરોપીના કઠહરામાં આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયા જન સમૂહને પરસ્પર સાંકળવા માટે ઉપયોગી છે. પરંતુ અમેરિકામાં આ વખતે સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ ચરમસીમાએ પહોંચી ચૂક્યું હતું અને દેશમાં અંધાધૂંધી સર્જનારૂ સંપૂર્ણપણે કૃત્રિમ માહોલ ઉભુ કરવાનું આળ સોશિયલ મીડિયા પર મુકાઈ રહ્યું છે.
ટ્રમ્પ V/s ‘વાયરલ’ મીડિયા
વિશ્વનું સૌથી પરિપક્વ લોકતંત્ર ધરાવતું અમેરિકા આ વખતે પ્રેસિડેન્સીયલ ચૂંટણીના વિવાદમાં એવું તે ફસાયું છે કે, જગતભરમાં અત્યાર સુધીની તેની છાપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ચૂંટણીમાં સોશિયલ મીડિયાની વરવી ભૂમિકા સામે ડોનાલ્ડ ટ્રમ્પે આરંભથી જ યુદ્ધ જેવી રણનીતિ અખત્યાર કરી હતી. પ્રચાર અને ડિબેટના તમામ તબક્કાઓમાં સોશિયલ મીડિયાના વાયરલ ખોટા સમાચારોએ અમેરિકાનો માહોલ બગાડી દીધો હતો. ટ્રમ્પ સોશિયલ મીડિયા સામે શરૂઆતથી જ આક્રમક હતા. આ વખતની ચૂંટણી, મતદાન ગણતરીમાં ગેરરીતિના વિવાદથી લઈને અત્યારની અંધાધૂંધીની પરિસ્થિતિ માટે ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયાને જ દોષી ગણી રહ્યાં છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના ફાયદા સામે તેનો દૂરઉપયોગ કેવા અનર્થ સર્જે તે અમેરિકાના વાયરલ મીડિયાએ જગતને બતાવી દીધું છે.
વોશિંગ્ટનમાં ટ્રમ્પ સમર્થકોની ‘આંધી’ સામે શહેરમાં કફર્યુ લદાયો
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પર રાજકીય ખેંચતાણ ચાલુ જ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિ આચરાયાનું દબાણ બનાવવા માટે છેલ્લે સુધી પ્રયત્ન ચાલુ રાખ્યા હતા. સેનેટ હાઉસમાં કોંગ્રેસના પ્રસ્તાવ સમયે ટ્રમ્પ સમર્થકોએ કેપીટલ હાઉસ પર ધોંસ બોલાવી દીધી હતી. અરાજકતા અને હિંસક દેખાવો સામે સુરક્ષા દળોની ગોળી એક મહિના મોત નિપજયા બાદ વોશિંગ્ટનમાં તાત્કાલીક કફર્યું લાદી દેવામાં આવ્યો છે.