તેલની આયાત માટે ભારત-ઈરાન વચ્ચે નવી પેમેન્ટ સિસ્ટમથી રૂપિયાની મજબૂતાઈ વધશે
ભારત ક્રુડની આયાત માટે ઈરાન ઉપર નિર્ભર રહ્યું છે. ઈરાને પહેલેથી જ ભારત સાથે સારા વેપાર સંબંધો રાખ્યા છે. અમેરિકાના ક્રુડ આયાત ઉપરના પ્રતિબંધ છતાં ઈરાને ભારત સાથે રહેવાની તૈયારી બતાવી હતી. ઈરાન સાથેના કરારોમાં સમય મર્યાદા કરતા વધુ સમય બાદ જો ભારત ક્રુડની ખરીદી અંગેની ચૂકવણી કરે તો પણ ઈરાને કયારેય સપ્લાય બંધ કરવાનું કહ્યું નથી.
ઈરાન સાથેના સંબંધો ભારતના અર્થતંત્રને પણ ફળ્યા છે અને ફાયદો થયો છે. માટે કહી શકાય કે, ઈરાન સાથેના કાળા ક્રુડનો વેપાર ભારત માટે કાળા સોના સમાન છે. ઈરાન પાસેથી કાચા તેલની આયાતની ચૂકવણી કરવા પેમેન્ટ વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવશે. બ્લુમબર્ગની રિપોર્ટ મુજબ ભારત કાચા તેલની આયાત માટે ઈરાનની પાંચ બેંકોને ચૂકવણી કરવા અમેરિકી પ્રતિબંધો સામે લડવા તૈયાર છે. બન્ને દેશો વચ્ચે પેમેન્ટ મેકેનીઝમથી ક્રુડના કરારો થયા હતા. ભારતની સરકારી બેંક યુકો લીમીટેડ ઈરાનની એસ્ક્રો બેંક એકાઉન્ટને ચૂકવણી કરશે. એસ્ક્રો એકાઉન્ટ બન્ને પક્ષોમાં ચૂકવણીની પ્રક્રિયા માટે થર્ડ પાર્ટીનો ટેમ્પરરી ખાતુ છે જેમાં ફિઝીકલ નાણા જમા કરવા પડતા નથી પરંતુ વેપાર મુજબ જ વહીવટ પ્રમાણે રકમ વધઘટ કરવામાં આવીને બેલેન્સ સીટ તૈયાર કરવામાં આવે છે.
ભારત પાસેથી મળી રહેલી આ રકમ ઈરાન ભારતમાંથી જ જ‚રી સામાનની ખરીદી માટે ઉપયોગમાં લેશે. મહત્વની વાત એ છે કે, ભારત તમામ ખર્ચાની ચૂકવણી ડોલરની બદલે ‚પિયામાં કરશે. જયારે કોઈપણ દેશના કરારો થાય છે ત્યારે તેની ચૂકવણી ડોલરમાં કરવાથી અમેરિકી નાણાની મજબૂતાઈ વધે છે. પરંતુ ઈરાને ભારતીય રૂપિયાને પરવાનગી આપતા રૂપિયો મજબૂત બનશે માટે જ અમેરિકાએ વાંધો ઉઠાવ્યો છે. આમ છતાં ઈરાન ભારત સાથે વેપાર સંબંધો જાળવી રાખવા માંગે છે તેથી વધુ સારા ક્રેડિટ ટર્મસની સ્થાપના થઈ શકે. આ પૂર્વે તેલના ઉત્પાદનો માટે ભારતે ડોલરમાં ચૂકવણી કરી છે જેને કારણે કાચા તેલની ખરીદી દેશને મોંઘી પડતી હતી. માટે ઈરાન અને ભારત વચ્ચેની પેમેન્ટ સીસ્ટમમાં રૂપિયાની સ્વીકૃતિ આવવાથી ભારતના આર્થિક, સામાજીક અને રાજનૈતિક વિકાસમાં પણ મદદરૂપ બનશે.
યુકો બેંકના મેનેજીંગ ડાયરેકટર અતુલકુમાર ગોયલે જણાવ્યું હતું કે, બેંક પાસે ઈરાની બેંકોના ૧૫ એકાઉન્ટ છે. જેનાથી ચૂકવણી થઈ શકે છે. ભારત અને ઈરાન આ પૂર્વે પણ રૂપિયા આધારિત પેમેન્ટ મેકેનીજમ ઉપર કામ કરી ચૂકયા છે. ૨૦૧૨માં જયારે અમેરિકાએ ઈરાન ઉપર પ્રતિબંધ લાદયો હતો ત્યારે પણ બન્ને દેશો આ જ પ્રકારની પેમેન્ટ સીસ્ટમ ઉપર નિર્ધારીત રહ્યાં હતા. જેમાં ૪૫ ટકા કિંમતની ચૂકવણી ભારતે ઈરાનની બેંકોના એકાઉન્ટમાં કરી હતી. ત્યારે વધારાની ચૂકવણી ઓવર્સીસ બેંક દ્વારા કરવામાં આવી હતી. ગયા મહિને જ અમેરિકાએ ઈરાનથી તેલની આયાત માટે ભારતને છુટ આપી હતી. આ છુટથી ભારતને ઈરાનથી ૧૮૦ દિવસ સુધી રોજના ૩ લાખ બેરલની આયાત ઉપર પરવાનગી આપી છે. આ વર્ષે ઈરાને ભારતને રોજના ૫,૪૦,૦૦૦ બેરલ તેલની જરૂરીયાત પૂર્ણ કરી હતી. ૨૦૧૭માં ઈરાને ભારતને રોજના ૪,૫૦,૦૦૦ બેરલ તેલની આવશ્યકતા પૂર્ણ કરી હતી.
માટે સરકારે ઈરાન સાથેના વેપાર સંબંધો અને ભૂતકાળના સારા અનુભવોને ધ્યાનમાં રાખીને સરકારના નિયંત્રણ હેઠળ ચાલતી યુકો બેંકને ઈરાનની બેંકોના પાંચ એસ્ક્રો એકાઉન્ટ દ્વારા ઈચ્છા ભુગતાનની તૈયારી બતાવી છે. ઘણા સમયથી ભારત ક્રુડની જરૂરીયાત માટે ઈરાન ઉપર આધારીત રહ્યું છે અને કરારો છતાં જો ભારત સમયસર ચૂકવણી ન કરી શકયું હોય તો પણ ઈરાને હસ્તા મોઢે બાદમાં પેમેન્ટની સ્વીકૃતિ કરી છે. માટે ભારતે રાજનૈતિક અને આર્થિક સંબંધો વિકસાવવા પેમેન્ટ સીસ્ટમ હાથ ધરી છે તેથી રૂપિયાની મજબૂતાઈમાં વધારો થશે.