- એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત
- ઉત્તર પ્રદેશથી એસોજીએ કાશીફ ઉર્ફે પસીના શેખની ધરપકડ
સુરત ન્યુઝ : સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલ ગેટ પાસેથી લાલમીયા મસ્જિદ નજીકથી દૃઢની એક કિલો MD ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તે દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરનાર મહંમદ કાસીફ ઉર્ફે પસીના શેખ અને ડ્રગ્સ લેવા આવનાર શહેરબાઝ ખાન ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત
સુરત પોલીસે 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ત્યારબાદ આ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા અલગ અલગ ટીમો તૈયાર કરી હતી. જેમાંથી SOGની ટીમ દ્વારા ફરાર થયેલા કાસિફ ઉર્ફે પસીના શેખને ઉત્તરપ્રદેશના બારાબાંકી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને 1800 કિલોમીટર સુધી સુરત પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો.
આરોપીની ધરપકડ
સુરત SOG દ્વારા કાસીફની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ દરમ્યાન સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય આરોપી મુંબઈના એક પેડલર સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર ઇસમો તેમજ સુરત ખાતે વેચાણ કરનાર આમ કુલ 5ની ધરપકડ કરી છે. SOG દ્વારા મુંબઈ ખાતે રહેતા અને ડ્રગ્સ સપ્લાય કરતા આસિફ ઉર્ફે બાવા ખાન, મુંબઈના સ્થાનિક પેડલર ઈમરાન ઇમ્તિયાઝ ખાન સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર ફયાઝઅલી, મોહમ્મદ શાહિદ જમાલ ખાન અને સુરતમાં આ ડ્રગ્સનું છૂટક વેચાણ કરનાર મનસૂર ઉસ્માન મલેકની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીની વાત કરવામાં આવે તો કાશીફ ઈકબાલ પસીના મુંબઈ ખાતે રહેતા ડ્રગ્સ સપ્લાયર આસિફ ઉર્ફે બાવાને ડ્રગ્સનો જથ્થો મંગાવવા માટે ઓર્ડર આપતો હતો. તે ડ્રગ્સ લેવા માટે સુરત ખાતે રહેતા આરોપી ફયાઝઅલીને તેમજ સાહિદ ઈકબાલ ખાન ઉપરાંત વોન્ટેડ સાહબાજને મુંબઈ મોકલતો હતો. જ્યાં ડ્રગ્સ સપ્લાયના પેડલર ઈમરાન ખાન પાસેથી તેઓ ડ્રગ્સ લઈ સુરત આવતા હતા અને તેઓ કાશીફ પસીનાને આ ડ્રગ્સ આપી દેતા હતા. તેથી એક ટ્રીપના આ ઈસમોને 15થી 20 હજાર રૂપિયા મળતા હતા. ત્યારબાદ સુરત ખાતે રહેતા મનસુર મલેક તેમજ અન્ય આરોપીઓને છૂટકમાં વેચાણ કરતા હતા.
ભાવેશ ઉપાધ્યાય