કોંગ્રેસને વિરોધ કરતા પણ નથી આવડતું, કોરોના કાળમાં પક્ષ દેખાયો જ નથી: ચોમાસામાં જેમ દેડકા ફૂટી નીકળે તેમ આપ નીકળ્યું છે, તેનું કોઈ ભવિષ્ય નથી, કોઈ વિચારધારા નથી

ભાજપનો યુવા મોરચો એટલે કાર્યકર્તાઓનું ઘડતર સ્થાન તેવું પ્રદેશ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. આ સાથે તેઓએ કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસને વિરોધ કરતા પણ આવડતું નથી. કોરોના કાળમાં પક્ષ ક્યાંય દેખાયો જ નથી. તેઓએ આપ સામે નિશાન તાંકતા કહ્યું કે ચોમાસામાં જેમ દેડકા ફૂટી નીકળે તેમ આપ નીકળ્યું છે. તેનું કોઈ ભવિષ્ય નથી અને કોઈ વિચારધારા નથી.

પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ આજે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેઓની સાથે પ્રદેશ ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી, જિલ્લા પ્રમુખ સતીષભાઈ શીંગાળા, પ્રદેશના રમત ગમત સેલના સંયોજક પૃથ્વીસિંહ વાળા, શહેર મહામંત્રી કિશનભાઈ ટીલવા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડીયા સહિતના જોડાયા હતા.

પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે ભાજપ એ હમેશા લોકો સાથે રહેતી પાર્ટી છે. આ પાર્ટીનો યુવા મોરચો સમાજ ઉપયોગી કાર્યો કરે છે. વર્ષ 2022ની ચૂંટણી અમારા માટે ખૂબ મહત્વની છે. આ ચૂંટણીમાં જીત તો મળવાની જ છે. પણ તમામ 182 વિધાનસભાની બેઠકો કબ્જે કરવાની છે. તેઓએ ઉમેર્યું કે વિરોધ પક્ષ લોકોને ગમતો નથી. કારણકે કોંગ્રેસને વિરોધ કરતા પણ આવડતું નથી. કોરોનાકાળમાં વિપક્ષ ક્યાંય દેખાયો જ નથી.

તેઓએ આમ આદમી પાર્ટી વિશે કહ્યું કે આમ આદમી પાર્ટી જેમ ચોમાસામાં દેડકા નીકળી પડે તેમ નીકળી પડી છે. આ પાર્ટીનું કોઈ જ ભવિષ્ય નથી. તેની કોઈ વિચારધારા પણ નથી. આપે દિલ્હીની માત્ર સારી સારી વસ્તુ જ દેશમાં જાહેર કરી છે. જ્યારે ભાજપ પાસે પેઈજ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીનું સંગઠન છે. જે આયોજનબદ્ધ રીતે સમાજ માટે તથા પાર્ટી માટે કામ કરે છે. ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે યુવા મોરચોએ ભાજપના કાર્યકર્તાઓનું ઘડતર સ્થાન છે. યુવા મોરચામાં વય મર્યાદા 35 વર્ષની છે. આ મોરચામાં ટીકીટની કોઈ લાલચ વગર કામ કરવામાં આવે છે. ઉપરાંત જો યોગ્ય હોય તો ટીકીટ આપવામાં પણ આવે છે. સાથે ટીકીટ માંગવાનો અધિકાર પણ દરેક કાર્યકર્તાને છે. અનુરાગ ઠાકુર, જે.પી.નડા, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓ એક સમયે યુવા મોરચામાં રહી ચૂક્યા છે. અંતમાં તેઓએ જણાવ્યું કે ભાજપ સરકારનું વિઝન સૌને સાથે લઈને ચાલવાનું છે. જેથી વધુમાં વધુ યુવાનો ભાજપમાં જોડાઈ. સાથે તેઓએ અપીલ પણ કરી હતી કે કોરોનાની મહામારી સામે લડવા અત્યારે વેકસીન ખૂબ જરૂરી છે. જે લોકો વેકસીન લેવામાં બાકી હોય તેઓએ અચૂકપણે વેકસીન લઈ લેવી જોઈએ.

પિતા સ્વ. સવજીભાઈનું જીવન પ્રેરણારૂપ, તેમના રસ્તે ચાલવાનો પ્રયાસ કરૂ છું

પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું કે તેઓના પિતા સ્વ. સવજીભાઈ કોરાટ હંમેશા તેમના આદર્શ રહ્યા છે. તેઓનું રાજકીય જીવન પ્રેરણારૂપ હતું. ભલે તેઓ રાજકીય પરિવારમાંથી આવતા હોય પણ તેઓએ વિદ્યાર્થી પરિષદમાંથી રાજકીય એન્ટ્રી લીધી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્ને સતત કાર્યશીલ રહી તેઓએ રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ મેળવી હતી. બાદમાં તેઓને પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી હતી. તેઓએ કહ્યું કે તેમના પિતાનું જીવન હમેશા પ્રેરણા પુરી પાડે છે. તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા ઉડીને આંખે વળગે તેવી હતી. તેના જેવું જીવન જીવવું તો શક્ય નથી. પણ હું તેમના રસ્તે ચાલવાના પુરા પ્રયત્નો કરું છું.

કોરોનાકાળમાં યુવા મોરચાએ ત્રણ મહિનામાં 750 કેમ્પ કરી 30 હજારથી વધુ બોટલ રક્ત એકત્ર કર્યું

પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું કે કોરોનાકાળમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાંકલથી તમામ કાર્યકર્તાઓ અને હોદેદારો સેવામાં લાગી ગયા હતા. 150 જેટલા આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા હતા. આવી જ રીતે યુવા મોરચો પણ સેવા કાર્યોમાં લાગી ગયો હતો. કોરોનાના ડરથી રક્તદાનમાં ખૂબ ઘટાડો નોંધાયો હતો. જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની ઉણપ ન પડે તે માટે યુવા મોરચા દ્વારા 750થી વધુ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેના દ્વારા 30 હજારથી વધુ યુનિટ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.