નગરપાલિકા અને મહાપાલિકાના પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કેસરીયો લહેરાવાના સંકેત સમાન: જીતુભાઇ વાઘાણી
આજે રાજકોટ મહાનગરપાલિકાની ૦૧ અને વિવિધ ૧૧ નગરપાલિકાઓની ૧૧ એમ કુલ ૧૨ પેટા ચૂંટણીઓના પરિણામોમાં ભાજપને ૧૨ માંથી ૧૦ સીટ ઉપર ભવ્ય વિજય થયો છે. જયારે કોંગ્રેસને માત્ર બે સીટ મળી છે. કોંગ્રેસની ત્રણ સીટ પર ડિપોઝીટ પણ ડૂલ થઈ છે. ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર-૦૭, કચ્છ જિલ્લાની ગાંધીધામ નગરપાલિકા વોર્ડ નંબર-૨, ગીર-સોમનાથ જિલ્લાની સુત્રપાડા નગરપાલિકાની વોર્ડ નંબર-૦૩, એમ કુલ ત્રણ જગ્યાએ કોંગ્રેસને ડિપોઝિટ ડૂલ થઈ છે.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતની જનતાનો ભાજપાને વિજયી બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યુ હતુ કે, નગરપાલિકા અને મહાનગરપાલિકાના આજના પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કેસરીયો લહેરાવાના સંકેત સમાન છે. કોંગ્રેસના અપપ્રચારની આંધીને ગુજરાતના રાષ્ટ્રવાદી મતદારો ભાજપા તરફી મતદાન કરીને ગુજરાતના ગૌરવ નરેન્દ્રભાઇ મોદીને પુન: વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત કરશે. સાથે સાથે ભાજપાના વિજયી ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતમાં કોઈપણ પેટાચૂંટણીઓ હોય તેમાં ગુજરાતની જનતા ભાજપને જનસમર્થન અને જનમત આપે છે. ભાજપાની વિચારધારા તથા કેન્દ્ર અને ગુજરાત સરકારની વિકાસયાત્રાને ગુજરાતની જનતાએ મંજૂરીની મહોર મારી છે. છેલ્લે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે સાથે-સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાની પેટા ચૂંટણીઓના પરિણામો હોય ત્યારે હંમેશા ભાજપાને સાથ આપીને કોંગ્રેસના નકારાત્મકતાનાં હાથને નકારી દીધો છે અને જુઠ્ઠાણાને પરાસ્ત કર્યા છે.