ભાજપના ઉમેદવાર નીતિનભાઈ રામાણી ૬૩૭૦ મતોથી બન્યા વિજેતા: મહાપાલિકામાં ભાજપનું સભ્ય સંખ્યાબળ ૪૦ થયું
રાજકોટના મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩ની એક બેઠકની પેટાચૂંટણી માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર નીતિનભાઈ રામાણીએ જબ્બર લીડ હાંસલ કરી લીધી હતી. મત ગણતરીના અંતે તેઓ ૬૩૭૦ મતોથી વિજેતા બન્યા હતા. આ સાથે મહાપાલિકામાં ભાજપનું સભ્ય સંખ્યાબળ ૩૯ નગરસેવકોથી વધીને ૪૦એ પહોંચી ગયું છે.
નીતિન રામાણીએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપ્યા બાદ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપી દેતા વોર્ડ નં.૧૩ની એક બેઠક ખાલી પડી હતી. જેના માટે ગત રવિવારે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ૩૧.૨૩ ટકા જેટલુ મતદાન થયું હતું. વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નરશી પટોળીયાએ અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચી ભાજપમાં પ્રવેશ કરી લેતા વોર્ડ નં.૧૩માં ભાજપના ઉમેદવાર નીતિન રામાણીની જીત ફાઈનલ થઈ ગઈ હતી. આજે સવારથી દ.મામલદાર ખાતે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડથી જ નીતિન રામાણીને તોતીંગ લીડ મળી હતી. મત ગણતરીના અંતે નીતિનભાઈ રામાણીનો ૬૩૭૦ મતોથી વિજય થયો હતો. ઓછુ મતદાન હોવા છતાં તેઓએ તોતીંગ લીડ હાંસલ કરતા તેઓ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. જીત થવા છતાં વોર્ડના ભાજપ અગ્રણી હરિભાઈ વાલાભાઈ ડાંગરની તબીયત નાદુરસ્ત હોવાના કારણે ભાજપ વિજયોત્સવ મનાવ્યો ન હતો.