16 બેઠકો પૈકી 13 બેઠકો પર ભાજપની જીત: 3 બેઠકો બિનહરીફ
અબતક, રાજકોટ
ભાવનગર સહકારી બેંકનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો 20 વર્ષ બાદ ભવ્ય વિજય થયો છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભાવનગર ડિસ્ટ્રીક બેંકમાં ભાજપનો ઐતિહાસિક ભગવો લહેરાયો છે. ભાવનગર સહકારી બેંકમાં છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. બેંકની ચૂંટણીમાં 16 બેઠકો પૈકી 13 બેઠકો પર ભાજપની જીત થઇ છે તો 3 બેઠકો બિનહરીફ થઇ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના સંયોજક બીપીનભાઇ પટેલ(ગોતા)એ જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.
પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત ગુજરાત રાજયની તમામ જીલ્લા સહકારી બેંક પર ભગવો લેહરાવ્યો છે. ભાવનગરમાં સહકારી બેંકની ચૂંટણીમાં 20 વર્ષથી ચેરમેન પદ ભોગવી રહેલ નાનુભાઇ વાઘાણી તેમજ તેમના દિકરા મનનભાઇ નાનુભાઇ વાઘાણીની હાર થઇ છે. ચૂંટણીમાં કોંગ્રેસની ખેડૂત વિરોધી વિચારધારા અને પરિવારવાદને કારણે કોંગ્રેસની હાર થઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહે ખેડૂતોના હિતમાં હંમેશા વિચાર કર્યો છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેશના તમામ ખેડૂતોને સમૃદ્ધ કરવાની દિશામાં અનેક યોજનાઓ બહાર પાડી છે.