અબતક, રાજકોટ
આગામી ત્રીજી ઓક્ટોબરે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. મતદાન પૂર્વે જ ભાજપે 11 બેઠકો જીતી લીધી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણીના અંજામ દિવસે અલગ-અલગ પાલિકાઓની 9 બેઠકો પર અને તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.
થરા પાલિકાની 4, ઓખા પાલિકાની 2, તરસાડી પાલિકાની 1, મહેમદાબાદ પાલિકાની 1 અને ચાણસ્મા પાલિકાની 1 બેઠક જ્યારે નીઝર અને વિસાવદર તાલુકાની એ-એક બેઠકો બિનહરીફ જાહેર
બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં.3ની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવાર ચેતનાબેન અનિલકુમાર સોની, લખુબેન અમરતભાઇ દેસાઇ, પૃથ્વીસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને ભૂપતાજી નાથાજી ગોહિલ વિજેતા બન્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાનું વોર્ડ નં.8ની અનૂસૂચિત જાતિની સ્ત્રી અનામત બેઠક પર નિશાબેન રવિન્દ્રભાઇ પરમાર, સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર અંજલીબેન ઉઢાભા માણેક, સુરત જિલ્લાની તરસાડી નગર પાલિકાની પેટા ચુંટણીમાં વોર્ડ નં.3ની સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર રઝીયાબીબી સલીમખાન પઠાણ બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખેડા જિલ્લાની મહેમદાબાદ નગરપાલિકાના વોર્ડ નં.6ની એક બેઠક માટેની પેટા ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી બેઠક પર રીટાબેન દિનેશભાઇ વાઘેલા અને પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકાની વોર્ડ નં.5ની એક બેઠકની પેટાચૂંટણીમાં વિક્રમભાઇ ચીમનલાલ પટેલ બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે.
આ ઉપરાંત તાલુકા પંચાયતની બે બેઠકો પર પણ ભાજપના બે ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર કરાયા છે. જેમાં તાપી જિલ્લાના નીઝર તાલુકા પંચાયતની 11, શાલે-1 બેઠક પર દમયંતીબેન વિરેન્દ્રભાઇ પાઠક અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતની ઢેબર બેઠક પર ભાજપના જયરાજભાઇ દેવકુભાઇ વિકમા બિનહરિફ વિજેતા જાહેર કરાયા છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી, મધ્યસત્ર ચુંટણી અને પેટાચુંટણી માટે આગામી 3 ઓક્ટોબરના રોજ મતદાન યોજાવાનું છે. ગઇકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ નગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઇએ ઉમેદવારી નોંધાવી ન હોય આ બેઠકો બિનહરિફ જાહેર કરવામાં આવી હતી. મતદાન પૂર્વે જ વિજેતા બનેલા તમામ ઉમેદવારોને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે અભિનંદન પાઠવ્યા હતાં.