રાજકોટ જિલ્લા પંચાયતની બન્ને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત: જૂનાગઢ મહાપાલિકાના વોર્ડ નં.8ની બેઠક પર પણ પંજાની પક્કડ: ઓથા, ભાણવડ અને થરા નગરપાલિકામાં કમળ ખીલ્યું
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ગત રવિવારે યોજાયેલી મતદાન બાદ આજે સવારે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં પાટનગર કબજે કરવામાં ભાજપ સફળ રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની નો-રિપીટ થીયરીને મતદારોએ વધાવી લીધી છે. સામાપક્ષે અસ્તિત્વ માટે ઝઝુમી રહેલી કોંગ્રેસ પોતાની પરંપરાગત વોટ બેંક સાચવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. આપ ગાજયુ એટલું વરસ્યુ નથી. ગાંધીનગર મહાપાલિકામાં ફરીવાર ભાજપ તોતિંગ બહુમતિ સાથે સત્તારૂઢ થવા જઈ રહી છે.
બીજી તરફ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. જો કે ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકામાં કમળ ખીલી ઉઠે તેવા સ્પષ્ટ આશારો પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજકોટની જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે.
પાલિકા અને પંચાયત માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ લખાય રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પૈકી 26 બેઠકોના પરિણામના ટ્રેન્ડ મળી રહ્યાં છે જેમાં 24 બેઠકો ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે અથવા જીતી ચૂક્યા છે. 18 બેઠકોની મત ગણતરી બાકી હોવા છતાં ભાજપે બહુમતિ હાસલ કરી લીધી છે. કોંગ્રેસને ફાળે માત્ર 2 જ બેઠકો આવી છે. પરંપરાગત વોટબેંક જાળવવામાં પણ કોંગ્રેસ સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. જ્યારે આપ ચૂંટણી પૂર્વે અને મતદાન સમયે ગાજ્યુ ચોક્કસ હતુ પરંતુ જે રીતે જોર બતાવ્યું હતું તે રીતના પરિણામ હાસલ કરી શક્યું નથી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની નો-રિપીટ થીયરીને પાટનગરવાસીઓએ સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી 21 બેઠકોના પરિણામમાંથી 19 બેઠકો ભાજપે જીતી લીધી છે. વોર્ડ નં.1, 4,5, 7,9માં ભાજપ પેનલ ટુ પેનલ વિજેતા બન્યું છે. જ્યારે વોર્ડ નં.3 અને 10માં ભાજપની પેનલો તૂટી હોવાનું મનાઈ રહ્યું છે. ઓખા નગરપાલિકાની 26 બેઠકો પૈકી ભાજપ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
જ્યારે ભાણવડ પાલિકાની 3 બેઠકો અને થરાની 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો નજીકના હરીફથી આગળ ચાલી રહ્યાં હોય ભાજપની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે. જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ તરફી ઝુકાવ જોવા મળી રહ્યો છે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ચિંતા વધારે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ઉપલેટા પાલિકાના વોર્ડ નં.5ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેન 213 મતોથી વિજેતા
ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નં.5ની ખાલી પડેલી એક બેઠક માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનનો શાનદાર વિજય થતાં કાર્યકરો અને સમર્થકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મતો મળ્યા હતા. સામાપક્ષે તેઓના નજીકના હરીફ હવે ભાજપના ઉમેદવાર વિલાશબેનને 885 મતો મળ્યા હતા. જ્યારે આપના ઈલાબેનને 327 મતો પ્રાપ્ત થયા હતા.
કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેન વેકરીયાનો 213 મતોથી શાનદાર વિજય થયો હતો. આપના ઉમેદવારને મળેલા મતો ભાજપની હાર માટે નિર્ણાયક બન્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી અધિકારી મીયાણાની હાજરીમાં મત ગણતરી સંપન્ન થઈ હતી. સ્થળ પર ઉપલેટાના પીઆઈ ધાંધલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી પૂર્ણ થઈ હતી.