વોર્ડ નં.૭ અને ૧૦માં ભાજપના ઉમેદવારો તોતીંગ લીડ સાથે બન્યા વિજેતા: વોર્ડ નં.૧,૪ અને ૧૩માં પણ ભાજપને જંગી લીડ: ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ૩૫ બેઠકોની મત ગણતરી ચાલુ, ૨૮ બેઠકો પર ભાજપ, ૬ બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર અન્ય આગળ

રાજકોટમાં ભાજપ બહુમતિથી માત્ર ૫ બેઠકો જ દૂર: સત્તાનો ચોગ્ગો ફટકારી ભાજપ વિકાસની રાજનીતિ લોકોએ સ્વીકારી હોવાનું કરશે ચરિતાર્થ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં આન, બાન, શાન સાથે ભાજપનો વિજય વાવટો લહેરાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે. સત્તાનો ચોગ્ગો ફટકારી ભાજપ એવું ચરિતાર્થ કરી દીધું છે કે, રાજકોટવાસીઓએ વિકાસની રાજનીતિનો સ્વીકાર કર્યો છે. વોર્ડ નં.૭ અને વોર્ડ નં.૧૦માં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હોવાની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. તો વોર્ડ નં.૧,૪ અને ૧૩માં ભાજપ તોતીંગ લીડ સાથે આગળ ચાલી રહ્યું છે. શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી હાલ ૩૫ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ ૨૮ બેઠકો પર લીડ કરી રહ્યું છે અને કોંગ્રેસ છ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અન્ય પક્ષ એક બેઠક પર પોતાના હરિફોથી આગળ છે.

31

ગત રવિવારે રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં ૫૦.૭૫ ટકા જેટલું મતદાન થયું હતું. આજે સવારે રાજકોટમાં વિરબાઈમાં મહિલા કોલેજ, વિરાણી હાઈસ્કૂલ, ચૌધરી હાઈસ્કૂલ, એ.વી.પારેખ ઈન્સ્ટિટયુટ, પી.ડી.માલવીયા કોલેજ અને રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભીક ગણતરીમાં જ ભાજપ  ફરી રાજકોટમાં સ્પષ્ટ બહુમતિ સાથે સત્તા પર આવી રહ્યાંના સંકેતો મળી ચૂક્યા હતા. આ લખાય છે ત્યારે શહેરની ૭૨ બેઠકો પૈકી ૩૫ બેઠકોની મત ગણતરી ચાલી રહી છે જેમાં ભાજપના ઉમેદવારો ૨૮ બેઠકો પર જીતી ચુક્યા છે કે આગળ ચાલી રહ્યાં છે. વોર્ડ નં.૭માં ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પ્રવિણભાઈ ચાવડા, વર્ષાબેન કિરીટભાઈ પાંધી, દેવાંગભાઈ પ્રધ્યુમન માંકડ અને નેહલભાઈ ચીમનભાઈ શુકલ વિજેતા બન્યાની સત્તાવાર ઘોષણા ચૂંટણી અધિકારી દ્વારા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૦માં પણ ભાજપના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને ડો.રાજશ્રીબેન ડોડીયા વિજેતા બન્યાની જાહેરાત કરી દેવામાં આવી છે. વોર્ડ નં.૧માં ભાજપના ઉમેદવાર હિરેનભાઈ ખીમાણીયા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને દુર્ગાબા જાડેજા જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યાં હોય તેઓની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. માત્ર ઔપચારીક જાહેરાત બાકી છે.

30

વોર્ડ નં.૧૩માં પણ ભાજપના ઉમેદવાર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, સુરેન્દ્રસિંહ વાળા અને નિતીનભાઈ રામાણી આગળ ચાલી રહ્યાં છે. વોર્ડ નં.૪માં ભાજપના ઉમેદવાર કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, પરેશભાઈ પીપળીયા અને કાળુભાઈ કુગસીયા આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ વોર્ડ નં.૩માં લીડ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ શહેરની ૨૮ બેઠકો પર ભાજપ જીતી ચુક્યું છે અથવા તેમના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે જ્યારે કોંગ્રેસ ૬ બેઠકો પર લીડ કરી રહ્યું છે તો અન્ય પાર્ટી કે અપક્ષ ઉમેદવાર ૧ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન એવા રાજકોટમાં ભાજપને તોતીંગ લીડ મળે તેવું લાગી રહ્યું છે.

વોર્ડ નં. ૪,૫ અને ૬ના બેલેટ પેપરના સીલ ખુલ્લા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ચૌધરી હાઇસ્કૂલ ખાતે ચાલી રહેલી વોર્ડ નં.૪,૫ અને ૬ની મતગણતરી વેળાએ બેલેટ પેપરના સિલ ખુલ્લા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. જેને પગલે થોડી વાર માટે મતગણતરી કેન્દ્રમાં હોબાળો મચી ગયો હતો. બાદમાં ત્યાં હાજર રહેલા અધિકારીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાન આવ્યા તે પહેલાં જ સિલ ખોલવામાં આવ્યું હતું. બાદમાં આ મામલો શાંત પડ્યો હતો.

ચૂંટણી નિરીક્ષક મનીષા ચંદ્રાએ મતગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું

IMG 20210223 WA0024

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેનું નિરીક્ષણ કરવા અર્થે ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષક મનીષા ચંદ્રા આવી પહોંચ્યા હતા. તેઓએ રણછોડદાસજી હોલ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તમામ પ્રક્રિયા નિહાળી સ્ટાફને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.