ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપાનો વિજયરથ પેટાચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ગુજરાતમાં આગળ વધતો જ જાય છે. ૬૨% મત સાથે ૨૬ લોકસભામાં ભવ્ય લીડથી ભાજપની જીત થઈ. પછી તાજેતરમાં જ રાજ્યસભાની બે બેઠક પર વિજય થયો અને હવે ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે.

જે રીતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’’ ના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે.આજે આવેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી  તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યુ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા સતત પરાજય બાદ વિખેરાતી જાય છે. આમ, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતિતિ કોઈપણ ચૂંટણીનાં પરિણામોથી થાય છે.

પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાની ચાલતી ભાજપ સરકાર લોક કલ્યાણનાં કાર્યો અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની આગેવાનીમાં સંગઠન શક્તિને કારણે દરેક નાની-મોટી ચૂંટણીઓનાં પરીણામોમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પરથી પ્રતિતિ થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને જે તે નગરપાલિકામાં જનતાજનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે તે બદલ સમગ્ર ગુજરાત ભાજપા તેમનો હદયપૂર્વક આભાર માને છે. સાથે સાથે ભાજપાના દેવદર્લભ અને ઋષિતુલ્ય કર્મઠ કાર્યકરોનો પણ ગુજરાત ભાજપા આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.