જનતાના આશિર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપ સાથે છે, તેની પ્રતિતિ આ પરિણામોથી થાય છે: ભરત પંડ્યા
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપાનો વિજયરથ પેટાચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક, ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ ના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે તેના પરિણામ સ્વરૂપે ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યુ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા પરાજય બાદ વિખેરાતી જાય છે. આમ, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતિતિ આ પરિણામોથી થાય છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રત્યેક નાની-મોટી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના પરથી પ્રતિત થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને વિવિધ નગરપાલિકામાં જનતાજનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે તે બદલ સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમનો હદયપૂર્વક આભાર માને છે. સાથે સાથે ભાજપાના દેવદુર્લભ અને ઋષિતુલ્ય કર્મઠ કાર્યકરોનો પણ ગુજરાત ભાજપા આભાર માને છે.