તાજેતરમાં ભીખુભાઇ પાસેથી ગુજરાત પ્રદેશ મહામંત્રીનો હોદ્દો લઈને બિહારના નેતા રત્નાકરને સોપાયો હતો, હવે બિહારનો હોદ્દો ભીખુભાઇને સોપાયો
ગુજરાત ભાજપના આગેવાન ભીખુભાઈ દલસાણીયાને બિહાર સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. હાઈ કમાન્ડે તેઓને બિહારમાં પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે પાર્ટી દ્વારા સતાવર જાહેરાત કરી દેવામાં આવી છે.
તાજેતરમાં જ ગુજરાત ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાને હટાવીને બિહારના સંઘના નેતાને રત્નાકરને મહામંત્રી પદનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા. આગામી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવાનું જાહેર થયું હતું.
નોંધનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં આ વર્ષે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. એવામાં કોરોનાકાળમાં સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. એવામાં ભાજપ દ્વારા પણ ચૂંટણી માટે અત્યારથી આગોતરું પ્લાનિંગ કરાઈ રહ્યું છે.
જેના ભાગરૂપે પાર્ટીએ ગુજરાત અને બિહારના બે નેતાઓની અદલા બદલી કરી છે. ઉલ્લેખનીય છે કે ભીખુભાઈ દલસાણિયાએ બહુ લાંબો સમય પાર્ટીની સેવા કરી છે અને તેમની છાપ જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ તરીકેની છે.
ભાજપની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે. હંમેશાં વિવાદથી દૂર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખીને કામ કરનારા દલસાણીયાએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નરેંદ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સંગઠન મહામંત્રી નિમાયેલા ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી.
પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. દલસાણિયા ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકરથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સથે સીધા સંબંધ છે.