કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને રાજય સરકારના મંત્રી પરસોતમ સોલંકી પણ ચુંટણીસભાઓ ગજાવશે: પ્રચારના અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા ભાજપનો ઝંઝાવતી પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તબકકાના મતદાનના પ્રચાર પૂર્ણ થવાની આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે પ્રચારના અંતિમ કલાકોમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સતાધારી પક્ષ ભાજપે સ્ટાર પ્રચારકોની ટીમ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે ઉતારી દીધી છે. ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ઉમા ભારતી, પરસોતમ રૂપાલા અને રાજય સરકારના મંત્રી પરસોતમ સોલંકી સહિતના નેતાઓ આજે સૌરાષ્ટ્રમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે.

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે ૧ કલાકે ગારીયાધાર ખાતે એચ.પી. પેટ્રોલપંપ નજીક એક જાહેરસભાને સંબોધશે ત્યારબાદ બપોરે ૩ કલાકે મીલ કમ્પાઉન્ડ, તાલાલા ખાતે સાંજે ૫:૦૦ કલાકે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર મહુવા રોડ, સાવરકુંડલા ખાતે અને સાંજે ૭:૦૦ કલાકે સીનીયર સિટીઝન પાર્ક સરદાર પટેલ સર્કલ, અમરેલી ખાતે જાહેરસભા ગજવશે. કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાની સાંજે ૫:૦૦ કલાકે પોરબંદરના છાયા વિસ્તારમાં અને સાંજે ૭:૦૦ કલાકે કુતિયાણાના માધુપુરમાં સભા સંબોધશે. પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ઉમાભારતી સાંજે ૭:૦૦ કલાકે ગોંડલ તાલુકાના મોવીયા ખાતે અને રાત્રે ૮:૦૦ કલાકે ગોંડલના માંડવી ચોકમાં ચૂંટણીસભાને સંબોધશે.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ ‚પાલા આજે સવારે ૯:૦૦ કલાકે સહકારી મંડળી ગ્રાઉન્ડ જામજોધપુર, ૧૦:૪૫ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ધ્રોલ અને બપોરે ૧૨:૪૫ કલાકે કરીમાબાગ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માળિયા પાસે જાહેરસભાને સંબોધી હતી. તેઓ બપોરે ૨:૧૫ કલાકે જેન્તીભાઈ સોની ગ્રાઉન્ડ, માતૃમંદિર સ્કૂલ પાસે, માણાવદર, ૪:૦૦ કલાકે વિનયમંદિર સ્કુલ ભેંસાણ, ૬:૦૦ કલાકે શિવાજી ચોક બગસરા, રાત્રે ૮:૦૦ કલાકે જીમખાના ગ્રાઉન્ડ, જેતપુર ખાતે જાહેરસભાને સંબોધશે. રાજય સરકારના મંત્રી અને સૌરાષ્ટ્રના કદાવર કોળી નેતા પરસોતમભાઈ સોલંકી પણ આજે બપોરે કોળી સમાજની વાડી, કોડીનાર ખાતે એક જાહેરસભાને સંબોધશે. પ્રથમ તબકકાના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે.

ઓખી નામનું વાવાઝોડું ત્રાટકતા ગઈકાલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ચાર સભાઓ રદ થઈ હતી. જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પણ ચાર સભા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ત્રણ સભાઓ રદ કરવાની ફરજ પડી હતી. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બપોરે ૨:૩૦ કલાકે દ્વારકા ખાતે અને ૪:૩૦ કલાકે ખંભાળિયા ખાતે જાહેરસભાને સંબોધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.