ઉના નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી ૨૧ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં પણ ૩૬ પૈકી ૨૬ બેઠકો પર ભાજપ બિનહરીફ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગઈકાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો, તાલુકા પંચાયતોની ૧૧૦ બેઠકો અને નગરપાલિકાની ૮૫ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. મતદાન પૂર્વે જ કડી નગરપાલિકા અને ઉના નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી જવા પામી છે તો બીજી તરફ ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પર ઉલ્ટી ગંગા જોવા મળી હતી ેજેમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ હતું.

રાજ્યની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકો પર, તાલુકા પંચાયતની ૨૧૦ બેઠકો અને નગરપાલિકાની ૮૫ બેઠકો સહિત  ૨૧૯ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાની જાહેરાત ગઈકાલે સાંજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરા ખાતે એક પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વતન કડી નગરપાલિકામાં છેલ્લા ૩૫ વર્ષથી ભાજપનું શાસન છે જે યથાવત રહેવા પામ્યું છે. મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મતદાન પૂર્વે જ કડીમાં ભાજપને ૨/૩ કરતા પણ વધુ બહુમતિ મળી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કડી નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૫ વોર્ડની ૨૦ બેઠકો તો આખે આખી બિનહરીફ જાહેર થઈ છે ત્યારે અન્ય છ વોર્ડની ૬ બેઠકો બિનહરીફ જાહેર થતાં અહીં ભાજપને મતદાન પહેલા જ પૂર્ણ બહુમતિ મળી ચૂકી છે. કડી તાલુકાની નંદાસર જિલ્લા પંચાયતની બેઠક તથા કુંડાણ અને કલ્યાણપુરા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

આવો જ કાંઈક સીનારીયો સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે. જેમાં ઉના નગરપાલિકાની કુલ ૩૬ બેઠકો પૈકી ૨૧ બેઠકો પર ભાજપના ઉમેદવાર સહિલ હનીફભાઈ કાંડણીયા, સોનાબેન રામજીભાઈ વાજા, નિહાદ યુસુફભાઈ રીંદબ્લોચ, અસ્મિતાબેન મહેશભાઈ બાંભણીયા, બીનલબેન શન્નીભાઈ ચૌહાણ, મીનાબેન કેતનભાઈ દેશાઈ, વીજયભાઈ કાળુભાઈ રાઠોડ, જલ્પાબેન જયંતિલાલ બાંભણીયા, ઉષાબેન હિતેષભાઈ દુધાત, નિલેષ છગનભાઈ વાજા, ચેતનાબેન ઘનશ્યામભાઈ જોષી, રસીલાબેન કાનાભાઈ બાંભણીયા, અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણીયા, દર્શનાબેન મયંકભાઈ જોષી, સવિતાબેન રમેશભાઈ સોલંકી, ચંદ્રેશકુમાર નવલભાઈ જોષી, મનોજભાઈ છગનભાઈ બાંભણીયા, હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ, ગીરીશભાઈ છગનભાઈ પરમાર, રાજુભારથી કિશોરભારથી ગૌસ્વામી, જયાબેન બાબુભાઈ ડાભી બિનહરીફ જાહેર થયા છે.

વલસાડ, સુરત, ભ‚ચ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ૨૪ અલગ અલગ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે સુબીર, વલસાડ, વાપી, જલાલપોર, ઓલપાડ, ચોર્યાસી, બારડોલી, નિઝર, હાંસોટ, વડોદરા, શહેરા, કલોલ, ઘોઘંબા, દાહોદ, સિંગવડ, ધાનપુર, લીમખેડા, વસો, માંડલ, ધોલેરા, દસક્રોઈ, માણસાર, બાયડ, ધનસુરા, કડી, વિસનગર, બેચરાજી, સંતલપુર, શંખેશ્ર્વર, ભુજ, ગાંધીધામ, જામજોધપુર, દ્વારકા, જામકંડોરણા, ગોંડલ, વંથલી, ટંકારા, જૂનાગઢ, બાબરા, વલ્લભીપુર, જેસર, ઉમરાડા, ગઢડા, રાણપુર, ધ્રાંગધ્રા, લીંબડી, મુડી, ચોટીલા, વઢવાણ અને થાનગઢ તાલુકા પંચાયતની કુલ ૧૧૦ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.  જ્યારે જાલોદ, ઓખા, કડી, ઉંઝા, અંજાર, ભુજ, ગોંડલ, કેશોદ, ઉના સહિતની નગરપાલિકાઓમાં ભાજપના કુલ ૮૫ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

મતદાન પૂર્વે જ ઉના નગરપાલિકા અને કડી નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી ચૂકી છે. આ વખતે સૌથી વધુ બિનહરીફ થનાર ઉમેદવારોની સંખ્યા ભાજપમાં વધુ માત્રામાં જોવા મળી રહી છે. તેનાથી કાર્યકરોમાં જબ્બર ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. રાજ્યની મોટાભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો અથવા અપક્ષ ચૂંટણી લડતા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હોવાની ઘટના બની છે તો ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર બેઠક પર ઉલ્ટી ગંગા જોવા મળી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને બાકી રહેતી અન્ય બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવવા જોરશોરથી ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી જવા તાકીદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.