કોંગ્રેસનો વિરોધી નથી: જીંદગીમાં કયારેય ભાજપનો ખેસ નહીં ધારણ કરું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે વિધાનસભાની ચુંટણીમાં કારમા પરાજય બાદ રાજકારણમાંથી લગભગ નિષ્ક્રીય થઈ ગયેલા અને કોંગ્રેસનો સાથ પણ છોડી હાલ સંપૂર્ણપણે રાજકારણથી અલિપ્ત એવા પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુએ આજે પત્રકાર પરીષદમાં એવી ડંફાશ મારી હતી કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મને ભાજપમાં આવવા માટે ભાજપના જ નેતાઓ દ્વારા ઓફર કરવામાં આવી રહી છે. મેં ભલે કોંગ્રેસનો સાથ છોડી દીધો હોય પરંતુ હું જીંદગીમાં કયારેય ભાજપનો કેશરીયો ખેસ ધારણ નહીં કરું.
‘ટીમ ઈન્દ્રનીલ આપના માટે’ દ્વારા આગામી ગાંધી જયંતિ એટલે કે ૨જી ઓકટોબરથી લોક જાગરણ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેની માહિતી આપવા માટે આજે યોજાયેલી એક પત્રકાર પરીષદમાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ એવી ડંફાશ હાંકી હતી કે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મને ભાજપમાં ભળી જવા માટે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ઓફર કરવામાં આવી રહી છે.
પત્રકારોએ જયારે એવો સવાલ કર્યો કે, તમને ભાજપમાં ભળવા માટે પૈસાની ઓફર કરવામાં ન આવે તે સમજી શકાય તો અન્ય કેવી ઓફર કરવામાં આવે છે જેનો જવાબ આપવાનું ઈન્દ્રનીલ રાજયગુરુએ ટાળ્યું હતું અને એવું જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો વિરોધી નથી પરંતુ જીંદગીમાં કયારેય ભાજપમાં જોડાઈશ નહીં.
શહેર ભાજપે કોઈ ઓફર કરી નથી, ઈન્દ્રનીલ ઓફર કરનારનું નામ જાહેર કરે: કમલેશ મિરાણીકોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ મને ભાજપમાં આવવા માટે ઓફર આવી હોવાનું આજે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે હું એવું જણાવું છું કે, ઈન્દ્રનીલ રાજયગુરુને ભાજપમાં આવવા માટે શહેર ભાજપે કોઈપણ પ્રકારની ઓફર કરી નથી. તેઓની વાતમાં કોઈ તથ્ય નથી. લોકશાહીમાં બધા લોકોને બોલવાની છુટ હોય છે. ભાજપના કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે.
અમારે કોઈને ઓફર કરી પક્ષમાં બોલાવવા પડે તેવી કોઈ જ જરૂરીયાત નથી છતાં જો ઈન્દ્રનીલ રાજયગુરુને કોઈએ ભાજપમાં પ્રવેશ માટે ઓફર કરી હોય તો તેઓએ આવી ઓફર કરનાર વ્યકિતનું નામ જાહેર કરવું જોઈએ.