ભારતીય જનતા પાર્ટીએ કુલ મળીને 90.5 ટકા સીટો જીતી છે તેના કારણે નવા કાર્યકર્તાઓને તક મળે તે માટે નો રિપીટેશનનો નિર્ણય લેવાયો: સી.આર.પાટીલ
લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં વધુ એક પ્રયોગ કર્યો છે. રાજ્યના મહાનગરો તેમજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોના સંચાલકના મુખ્ય ચાર ચાર પદાધિકારીઓની અઢી વર્ષે પૂરી થતી મુદતમાં કોઇને રિપિટ નહીં કરવાની ઘોષણા કરી છે. સામાન્ય રીતે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતી હોય છે. આ સાથે ભાજપે બાકીના બે પદાધિકારીઓ મળી લગભગ ૧૫૦૦ કાર્યકરોને આ સંસ્થાઓનો વહીવટ સંભાળવાની તક આપવાનો નિર્ણય કર્યો છે.
મંગળવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડtની બેઠકની શરૂઆત થાય એના પૂર્વે બપોરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક પત્રકાર પરિષદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ માટે ‘નો રિપિટ’ થિયરીની જાહેરાત કરી હતી. આ સંદર્ભે પાટીલે કહ્યું કે, આ ભાજપની પરંપરા છે. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા કાર્યકરોને વહીવટી પ્રક્રિયાનો અનુભવ મળે અને લોકોની અપેક્ષા પૂર્ણ થાય એવા કામો કરી શકાય એ માટે ‘નો રિપિટ’ થિયરી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, આ નવા કાર્યકરોની પસંદગી પણ પાદર્શકતાથી કરવામાં આવશે.
પ્રમુખે કહ્યું કે, હાલ મહાનગરોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા તેમજ પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પ્રમુખ અને પક્ષના નેતા મળી લગભગ ૧૫૦૦ જેટલા પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા પક્ષે હાથ ધરી છે. આ પ્રક્રિયા માટે દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નિરીક્ષકો મોકલીને સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના પદાધિકારીઓને સાંભળી એમની રજૂઆતો, નામો, પેનલો વગેરે વિગતો એકત્રિત કરી છે. આ તમામ જિલ્લા તથા મહાનગરોના નિરીક્ષકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં પારદર્શક પ્રક્રિયાના ભાગરૂપે અમે સાંભળીશું અને સંબંધિત સંસ્થાના પદાધિકારીની ચૂંટણી માટે બોર્ડની બેઠક મળે એ પહેલાં અમે નામોની જાહેરાત કરીશું. શું ભાજપ મુખ્ય ચાર પદ સિવાયની અન્ય કમિટીઓ માટે આવો કોઇ નિર્ણય લઇ શકે છે ? તેના ઉત્તરમાં પાટીલે ભારપૂર્વક કહ્યુંકે, પક્ષ આ અંગે વિચારી શકે છે.