ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં અમદાવાદ અને ગાંધીનગર ઝોનની ૫૭ પાલિકાઓની રીવ્યુ બેઠક મળી
ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઈટ, ગટર, પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથોસાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે તબકકાવાર સેમીનાર યોજાયો હતો.
જેમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર, એન્જીનીયર, સેનેટરી ઈન્સપેકટર સહિતના સાથે બહોળી સંખ્યામાં આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રથમ ઝોન બેઠક અમદાવાદ ખાતે આઈ.આઈ.એમ.ના હોલમાં અને બીજી ગાંધીનગર ઝોનની બેઠક ફોરેન્સીક સાયન્સ સીટી કોમ્યુનિટી હોલમાં યોજાઈ હતી. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી.પટ્ટણી, અમદાવાદ પ્રાદેશિક કચેરીના કમિશનર નેના તેમજ ગાંધીનગર પ્રાદેશિક કચેરીના કમિશનર ગુપ્તા સહિતના સાથે અધિક કલેકટર તેમજ આઈ.એ.એસ. ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ઝોન વાર સમીક્ષા બેઠકો યોજી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી નગરપાલિકાઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો હિસાબ અને વિકાસના કામો અંગે માહિતી મેળવવામાં આવશે. જેમાં ખાસ કરી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારતનું નિર્માણ થાય તે માટે ભુગર્ભ ગટરની યોજના વેગવંતી બને અને ગટરના પાણીના શુદ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટના કામ વેગવંતા થાય તે માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને ફાળવવામાં આવેલ ગ્રાન્ટોમાંથી કામોની માહિતી મેળવી હતી. આ તકે ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને વધુ માહિતી આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના માધ્યમથી નગરપાલિકાઓના વિકાસ માટે નાણાપંચ દ્વારા માતબર રકમમાં ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણિમ સિઘ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે. ગુજરાતની નગરપાલિકાઓને સમૃદ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપા સરકારની નેમ છે.