ભાજપ પાસે 800 કરોડ પડ્યા છે સીબીઆઈ- ઇડી તેની તપાસ કરે: રાજગુરૂ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલની દિલ્હીની ઈમાનદાર પાર્ટીને પાડવાનું ષડયંત્ર ભાજપે કર્યું હતું
અરવિંદ કેજરીવાલનું પ્રભુત્વ જેમ જેમ ગુજરાતમાં વધી રહ્યું છે તેનાથી ભાજપ ડરી ગઈ છે. ગુજરાતના દરેક કર્મચારી, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ અરવિંદ કેજરીવાલજીને ખુબ જ પ્રેમ આપી રહ્યા છે. એટલે તેનાથી ડરીને ભાજપે અરવિંદ કેજરીવાલજીને ગુજરાતમાં રોકવા માટે દિલ્હીની સરકાર પાડવાની કોશિશ કરી છે.
જો 40 જેટલા ધારાસભ્યોને ઓફર આપી હોય મતલબ હાલ ક્યાંક ભાજપ પાસે 800 કરોડ રૂપિયા પડ્યા હશે, તો સૌથી પહેલા સીબીઆઈ અને ઇડી તેની તપાસ કરે.ભાજપ લોકશાહીની હત્યા કરીને ફરીથી દેશને ગુલામ રાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યું છે.
ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. દેશમાં સૌને ભાજપ પર ગુસ્સો છે હવે, ગુજરાતની જનતા હવે ભાજપથી નફરત કરતી થઈ ગઈ છે, ગમે ત્યારે ગમે તેને ખરીદી લેવામાં આવે છે અને ગમે તેને ધારાસભ્ય બનાવવામાં આવે છે. કોઈ ભાજપના ધારાસભ્યની તપાસ નથી થતી. ભાજપ અને કોંગ્રેસની મીલીભગત ચાલુ જ રહે છે. ભાજપે આ શું ચાલુ કર્યું છે? આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છીએ?
મનીષ સિસોદિયાજી વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી લગાડી છે. કદાચ એવું પણ બની શકે કે આવનારા દિવસોમાં મનીષ સિસોદિયાજીની ધરપકડ પણ કરી શકે છે.