ગત લોકસભાની ચૂંટણીમાં જે બેઠકો ઉપર હાર મળી ત્યાં એડીચોટીનું જોર લગાવાશે, તેમાંથી ઓછામાં ઓછી અડધી બેઠકો કબ્જે કરવાનો લક્ષ્યાંક
ભાજપ ગત લોકસભામાં જે 144 બેઠકો ઉપર હારી હતી. તેની ઉપર એડીચોટીનું જોર લગાવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ માટે વ્યૂહરચના તૈયાર કરી છે.
ભાજપના મુખ્યાલયમાં યોજાયેલી મહત્વની બેઠકમાં ગૃહમંત્રી શાહે આમાંથી ઓછામાં ઓછી અડધી બેઠકો જીતવાનો આગ્રહ રાખ્યો હતો. કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કોઈ પણ સીટ જીતવી મુશ્કેલ નથી. આ અભિયાનમાં સામેલ મંત્રીઓને સલાહ આપતા શાહે કહ્યું કે સરકાર સંગઠનના કારણે જ છે. સરકાર કરતા સંગઠન મોટું છે.
ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં હારેલી 144 બેઠકોને અલગ-અલગ જૂથોમાં વહેંચીને એક ડઝનથી વધુ કેન્દ્રીય પ્રધાનોને તેમની જવાબદારી સોંપી હતી. મોટાભાગના મંત્રીઓએ મોટાભાગની બેઠકો પર રોકાણ પૂર્ણ કર્યું છે. તેનો અહેવાલ ભાજપ નેતૃત્વને સોંપવામાં આવ્યો છે. આ બેઠકમાં સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, અનુરાગ સિંહ ઠાકુર, સ્મૃતિ ઈરાની, અશ્વિની વૈષ્ણવ અને અન્ય નેતાઓ હાજર હતા.
ભાજપ સામે એક થવું વિપક્ષ માટે મોટો પડકાર
જો કે, ભાજપ સામે એક થવું એ વિપક્ષ માટે સૌથી મોટો પડકાર છે. ખરો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદીની સરખામણીમાં વિપક્ષનો ચહેરો કોણ હશે. સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પોતાને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. 4 સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ’હલ્લા બોલ’ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સામે માત્ર અને માત્ર કોંગ્રેસ જ સ્પર્ધા કરી શકે છે. બાકીના વિપક્ષી પક્ષોને સ્પષ્ટ સંદેશ હતો કે જો ભાજપને હરાવવા હોય તો કોંગ્રેસના નેતૃત્વમાં એક થવું પડશે.
ભાજપે મે મહિનામાં જ રોડમેપ તૈયાર કર્યો હતો
2024માં જીતની હેટ્રિક માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે. જીતેલી બેઠકો જાળવી રાખવા ઉપરાંત, તે બેઠકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે જ્યાં પાર્ટી ગત ચૂંટણીમાં બીજા કે ત્રીજા સ્થાને હતી. મોટા કેન્દ્રીય મંત્રીઓને 144 સીટોની જવાબદારી સોંપવામાં આવી છે. આમાંની મોટાભાગની તે બેઠકો છે જ્યાં ગત ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો.
144 બેઠકોની 25થી વધુ સિનિયર મંત્રીઓને જવાબદારી
આ 144 બેઠકો વસ્તી વિષયક અને સ્થાનિક પરિબળોના સંદર્ભમાં અલગ-અલગ ક્લસ્ટરોમાં વહેંચાયેલી છે. દરેક ક્લસ્ટર માટે અમુક મંત્રીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય 25 થી વધુ વરિષ્ઠ મંત્રીઓને દરેક ક્લસ્ટરમાં 3-4 બેઠકો માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓ સંબંધિત લોકસભા બેઠકો હેઠળ આવતા તમામ વિધાનસભા ક્ષેત્રોની રાજકીય સ્થિતિનું મૂલ્યાંકન કરશે. ત્યાં રહીને પાર્ટીનું મેદાન મજબૂત કરશે. આ મંત્રીઓ આ વર્ષે ઓક્ટોબરથી આવતા વર્ષે જાન્યુઆરી સુધી ’પ્રવાસ’ કાર્યક્રમનો બીજો તબક્કો કરશે.