• સદસ્યતા અભિયાનને એક મહિનો લંબાવવામાં આવે તેવી પણ સંભાવના ધારાસભ્યો અને સાંસદોને  બુથ દીઠ વધુ 300 સભ્યો નોંધવા ટારગેટ આપ્યો

વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ દ્વારા દેશભમાં હાલ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરતામાં બે કરોડ સભ્યો બનાવવાના લક્ષ્યાંક સામે હજી સુધી 50 ટકા ટારગેટે પણ પહોચી શકાયું નથી દરમિયાન ગઈકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર. પાટીલ દ્વારા સાંસદ, ધારાસભ્યો, તમામ જિલ્લા અને મહાનગરનાં પ્રમુખો તથા સદસ્યતા અભિયાનના ઈન્ચાર્જ સાથે એક મેરેથોન  બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ધારાસભ્યો અને સાંસદોને બુથદીઠ 3 સક્રિય સભ્યો એટલે કે 300 પ્રાથમિક  સભ્યો બનાવવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આગામી રવિવારે  રાજયભરમાં ભાજપ દ્વારા નવા સભ્યો બનાવવા માટે એક દિવસ માટે મેગા ડ્રાઈવ યોજાશે જેમાં  શકય તેટલા વધુ સભ્યો  બનાવવા પર જોર મૂકવામાં આવશે આ ઉપરાંત  15મી ઓકટોબર પછી સક્રિય સભ્ય બનાવવા માટેનું અભિયાન  શરૂ કરવામાં આવશે બીજી તરફ એવી અટકળ પણ ચાલી રહી છે કે  સદસ્યતા  અભિયાન એક  માસ વધારવામાં આવશે. બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લાની ટીમની કામગીરીની  સરાહના કરવામાં આવી હતી સાથોસાથ  રાજકોટ ગ્રામ્ય  વિધાનસભા  બેઠકના  ધારાસભ્ય અને  રાજય સરકારના   કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા કામગીરીની વિશેષ  સરાહના  કરવામાં આવી હતી. તમામ જિલ્લા અને મહાનગરોને રાજકોટ મોડેલ અપનાવવા સી.આર. પાટીલે ટકોર કરી હતી.

ગુજરાતમાં ભાજપને સદસ્યતા અભિયાનમાં નબળો પ્રતિસાદ સાંપડતા  કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સદસ્યતા અભિયાન સાથે સંકળાયેલા કાર્યકરો તથા ધારાસભ્યો, સાંસદો સહિતના જનપ્રતિનિધિઓને 15 ઓક્ટોબર સુધીમાં મહત્તમ લોકો સુધી પહોંચી સભ્ય નોંધણી કરાવવા ટકોર કરી હતી.  બેઠકમાં 13 ઓક્ટોબરના રોજ સદસ્યતા અભિયાન માટે વધુ એક વખત વિશેષ ઝુંબેશ હાથ ધરવાના કાર્યક્રમની જાહેરાત કરાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થયા હતા.

પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સદસ્યતા અભિયાનમાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. આ વખતે મિલ્ડ કોલ કરનારને એક લિન્ક ફોર્મ મોકલીને વિગતો, ફોટો આપવાનો રહે છે એના લીધે જલ્દીથી કોઇ સભ્ય બનવા તૈયાર થતું નથી. જોકે, સપ્ટેમ્બર માસમાં અભિયાનની શરૂઆત થઇ ત્યારે સૌએ ઉત્સાહથી ફોટો સેશન કરી સભ્યો બનાવ્યા પછી બધો ભાર કાર્યકરોના શીરે મૂકી દીધો હતો. આને લીધે બે કરોડ સભ્ય બનાવવાના પાટીલના લક્ષ્યાંક સામે માંડ એક કરોડ કરતાં ઓછા સભ્યો હજુ નોંધાયા છે. જોકે, છ વર્ષ અગાઉ અભિયાન છ મહિના માટે ચાલુ રહ્યું હતું. આ વખતે સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી જ ચાલુ રહેવાનું છે.

બેઠકમાં પ્રમુખ પાટીલે ટકોર કરતી વખતે કહ્યું કે, સદસ્યતા અભિયાનનો આંકડો એક કરોડ થયો છે એ સારો જ છે, આપણે આંકડો મોટો કરવા માટે ગમે તેવા રસ્તા અપનાવીએ એ પણ ન થવું જોઇએ. ‘આંકડો મોટો કરવા કરતાં દરેક કાર્યકર પોતાની સક્રિયતા વધારે, જનપ્રતિનિધિ, આગેવાનોએ લોકો વચ્ચે જવું જોઇએ અને વધુને વધુ લોકોને મળી પક્ષમાં જોડવા જોઇએ.’

બેઠકમાં પાટીલે સદસ્યતા અભિાયાનમાં સારું પર્ફોમન્સ કરનાર પાંચ અને નબળું પર્ફોમન્સ કરનાર પાંચ વિધાનસભાના નામો જાહેર કરી સારું પર્ફોમન્સ કરનારા પાસેથી સૌએ વિગતો લઇને કેવી રીતે પોતે પર્ફોમન્સ સુધારી શકે એના અંગે જાણકારી આપી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.