બક્ષીપંચ મોરચાના મુખ્ય ઈન્ચાર્જ તરીકે નરેન્દ્ર બાપુની વરણી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આપી વિશેષ માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીએ સફળતાપૂર્વક ૫ વર્ષ પુરા કરી વિકાસના કાર્યો પૂર્ણ કર્યા છે. ત્યારે આગામી ૨૩ એપ્રીલના રોજ ગુજરાતમાં જે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી અંતર્ગત નાના સમાજોના સંપર્કની જેમ જ નાના સમાજોની વિધાનસભાની સીટ પ્રમાણે વ્યાપક બેઠકો કરી પ્રચાર-પ્રસારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા બક્ષીપંચ સમાજના અગ્રણી અને ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્ર બાપુ)ને સૌરાષ્ટ્ર-કચ્છના બક્ષીપંચ મોરચાના મુખ્ય ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે.
નરેન્દ્ર બાપુએ ‘અબતક’ની વિશેષ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં અમે છવીસે છવીસ સીટ જીતવાના છીએ. આશરે ૩૨ થી ૩૪ ધારાસભ્યની સીટો એવી છે કે જયાં ઓબીસી સમાજનું વર્ચસ્વ ધ્રાંગધ્રા, વઢવાણ, રાજકોટ ગ્રામ્ય, પોરબંદર, કુતિયાણા, તાલાળા, કોડીનાર, જસદણ, વાંકાનેર, ચોટીલા જેવા વિસ્તારોમાં બક્ષીપંચ સમાજનું પ્રભુત્વ છે. ભાજપ પાસે બક્ષીપંચ સમાજ પાસેથી મત માંગવાનો પુરો અધિકાર છે કારણ કે, કોંગ્રેસ દ્વારા આજ દિન સુધીમાં કયારેય બક્ષીપંચ, ઓબીસી સમાજ અથવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કયારેય પણ યાદ કરવામાં આવ્યા છે. તેનો માત્ર મત બેંકો માટે જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઓબીસી સમાજની ૧૪૬ જ્ઞાતિઓ આ સમાજનું ઉત્થાન ન થાય તેની પાછળ સંપૂર્ણપર્ણે કોંગ્રેસનો હાથ છે. કારણ કે, ૧૯૪૭માં જયારે દેશ આઝાદ થયો ૧૯૫૨માં સભા બોલાવાઈ હતી ત્યારે એ સમયે લોકસભાની પ્રથમ મીટીંગમાં દેશભરના ૨૭૨ સભ્યોની કોંગ્રેસ દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી તેના દ્વારા બંધારણની રચના કરવામાં આવી. ત્યારે નિર્ણય લેવાયો હતો કે, દેશના લોકો સંપૂર્ણપણે સમકક્ષ જીવી શકે માટે ઓબીસી સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે વિશેષ અધિકાર આપવામાં આવે તેવું નકકી કરાયું છતાં ૧૯૫૨થી લઈ ૧૯૯૦ સુધી સંપૂર્ણપર્ણે બહુમતી સાથે કોંગ્રેસની સરકાર હતી. છતાં પણ ઓબીસી સમાજ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યા નથી.
ઓબીસી સમાજ સંપૂર્ણપર્ણે જાગૃત થઈ ચૂકયો છે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારબાદ વિશ્ર્વભરમાં ભારતના નામના ડંકા વાગવા લાગ્યા અને ઓબીસી આયોગની પણ રચના કરવામાં આવી. અમે છેલ્લા ૨૪ દિવસથી સૌરાષ્ટ્ર આખુ ધમરાળી રહ્યાં છીએ તેવું કહી શકાય. ઓછામાં ઓછી ૧૫ થી ૨૦ મીટીંગો નાના સમાજો સાથે કરી ચૂકયા છીએ. રાજકોટની અંદર આજે ૪ થી ૫ હજાર લોકોનું સંમેલન છે.
સૌરાષ્ટ્ર આખાના બક્ષીપંચના લોકો જાગૃત થાય અને પોતાના મતનો ઉપયોગ યોગ્ય રીતે કરે અને મત ભારતીય જનતા પાર્ટીને આપે તેવા પ્રયત્નો કરી રહ્યાં છીએ. ખાલી પક્ષીપંચ સમાજ નહીં પરંતુ સવર્ણ સમાજની અંદર પણ સામાજીક અને આર્થિક પછાત લોકો માટે પ્રથમ વખત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સવર્ણ આયોગની રચના કરવામાં આવી અને પ્રથમ વર્ષમાં જ ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું તેથી તેઓ પણ સમાજની સાથે ઉભા રહી શકે. ચૂંટણી ઢંઢેરામાં વિપક્ષો જે રીતે ૭૨૦૦૦ હજાર રૂપિયાની વાત કરી રહ્યાં છે તો આવી તો અનેક યોજના જેમ કે, દિકરીઓને કુંવરબાઈના મામેરા, માં અમૃતમ કાર્ડ જેવી અનેક યોજના સરકાર દ્વારા નિ:શુલ્કપણે આપવામાં આવી હતી.
૭૦ વર્ષ સુધી કોંગ્રેસે કંઈ કર્યું નથી અને ૫ વર્ષનો હિસાબ માંગવા કોંગ્રેસ નીકળી છે તેને એટલું કહેવા માંગીશ કે એક વખત ભારતીય જનતા પાર્ટીને ફકત ૨૦ વર્ષ તો થવા દો પછી તમારા ૨૦ વર્ષના લેખાજોખા કરજો ત્યારે ખ્યાલ આવશે કે ભાજપે દેશની પ્રજાને શું આપ્યું.