મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા ઉપરાંત અલ્પેશ ઠાકોરનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ: પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની બાદબાકી
રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ માટે આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને કદ મુજબ વેંતરી નાખવામાં આવ્યા છે. તેઆને સ્ટાર પ્રચારકની યાદીમાં સ્થાન મળ્યું નથી.
ભાજપ દ્વારા જે ૨૦ સ્ટાર પ્રચારનો યાદી જાહેર કરવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભારતીબેન શિયાળ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઈ વસાવા, કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ પ્રવકતા આઈ.કે.જાડેજા, મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ જશવંતભાઈ ભાંભોર, રાજ્ય સભાના સાંસદ નરહરી અમીન, અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શંભુનાથ ટુંડીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.જ્યોતિબેન પંડ્યા, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની બાદબાકી કરી નાખવામાં આવી છે. આગામી સપ્તાહથી ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણી સભા ગજવતા જોવા મળશે.