ઉમેદવારોના નામ જાહેર થયાની ગણતરીની કલાકોમાં જ ભાજપના કદાવર નેતા નરેન્દ્રભાઇ સોલંકીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ફોર્મ ઉપાડ્યું
ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાતા સાથે જ રાજકોટમાં ભાજપનું ઘર સળગી ઉઠ્યું છે. પૂર્વ ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીએ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવા માટે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે ટિકિટ મેળવવા સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના કદાવર નેતા નરેન્દ્રભાઇ સોલંકીએ નિરિક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટની કોઇપણ એક બેઠક પર ઓબીસી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેવું ફાઇનલ મનાતું હતું. આવામાં કાર્યકરો અને સમર્થકોની એવી લાગણી હતી કે છેલ્લા ત્રણ દાયકાથી પ્રજા માટે હમેંશા પ્રહરી બનીને ઉભા રહેતા પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઇ સોલંકીને ભાજપ દ્વારા દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવે. વિશ્ર્વકર્મા સમાજ સૌરાષ્ટ્રની 15 થી વધુ બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે છતાં આ સમાજ દ્વારા માત્ર રાજકોટ દક્ષિણ બેઠક માટે ટિકિટ માંગવામાં આવી હતી. આ માંગણી પણ ભાજપ દ્વારા સંતોષવામાં ન આવતા સમાજ ભારોભાર નારાજ થઇ ગયો છે. સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આપાગીગાના ઓટલાના મહંત પૂ.નરેન્દ્ર બાપુએ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આજે તેઓએ આ માટે ઉમેદવારી ફોર્મ પણ ઉપાડી લીધું છે. સંભવત: તેઓ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે.