ટિકિટ કપાતા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરોમાં ભયંકર રોષ: છાયા પાલિકાના પૂર્વ પ્રમુખ બળવો કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા: વેરાવળ નગરપાલિકા માટે અધુરી યાદી જાહેર કરાઈ: મોરબીમાં બ્રહ્મ સમાજ નારાજ, દાહોદ પાલિકાના બે પૂર્વ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાઈ ગયા, ઉંમર ગામમાં પણ નારાજગી ચરમસીમાએ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ભાજપે નક્કી કરેલા નીતિ નિયમોની અધ્ધકચરી અમલવારીથી કાર્યકરોમાં ઘમાસાણ: સગાવાદ ચાલ્યો હોવાનો આક્ષેપ, વર્ષોથી પક્ષને સમર્પિતોની ટિકિટ કપાઈ જ્યારે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટની છુટાહાથે લ્હાણી: પેરાશુટ ઉમેદવારો સામે પણ કચવાટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે કાર્યકરોની સંખ્યા વધુ પ્રમાણમાં રહેતી હોય ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોમાં વિરોધ વંટોળ ફાટી નીકળતો હોય છે. ગઈકાલે ભાજપ દ્વારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાતાની સાથે જ ઘમાસાણ મચી જવા પામી છે. પ્રબળ દાવેદાર હોવા છતાં ટિકિટ ન મળતા અને અનેકની ટિકિટો પર કાતર ફરી વળતા રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. કેટલાંક આગેવાનો ધડાધડ ભાજપના કેસરીયા ખેસ ફગાવી રહ્યાં છે અને પોતાનું રાજકારણ જીવતું રાખવા માટે અન્ય રાજકીય પક્ષો કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા નીતિ નિયમોની ચુસ્ત અમલવારી કરવામાં આવી નથી અને સગાવાદ ચલાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કાર્યકરો હવે નવાજૂની કરવાના મુડમાં આવી ગયા છે.
પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરતાની સાથે જ ભડકો થયો છે. પૂર્વ પ્રમુખની ટિકિટ કપાતા તેઓએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રામભાઈ ભુતિયાએ નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વેરાવળ નગરપાલિકામાં પણ ભાજપમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. નામો અંગે મથામણ છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વેરાવળ નગરપાલિકાના ૧૧ વોર્ડ પૈકી ૯ વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકીના બે વોર્ડના ઉમેદવારોના નામ નક્કી કરવા મામલે પક્ષમાં ભયંકર કકળાટ ચાલી રહ્યો છે. બીજી તરફ મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બ્રહ્મ સમાજમાંથી આવતા એક પણ પુરૂષ ઉમેદવારને ટિકિટ આપી નથી જેનાથી નારાજ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી સહિતના ૪૬ આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. દાહોદ નગરપાલિકામાં અગાઉ ભાજપના પ્રતિક પરથી વોર્ડ નં.૩ અને ૫માંથી ચૂંટાયેલા કોર્પોરેટરોને રીપીટ કરવામાં ન આવતા તેઓ નારાજ થયા છે અને તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વલસાડની ઉંમરગામ તાલુકા પંચાયતની ૩૦ અને જિલ્લા પંચાયતની ૮ બેઠકો માટે ભાજપ દ્વારા પાયાના કાર્યકરોને ટિકિટની ફાળવણી ન કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપે મુખ્ય ૩ નિયમો જાહેર કર્યા હતા. જેમાં ૬૦ વર્ષથી વધુની ઉંમરના કાર્યકરોને ટિકિટ ન આપવી, સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારોને હવે મેદાનમાં ન ઉતારવા અને પ્રદેશ આગેવાનોના સગા-વ્હાલાને ટિકિટ ન ફાળવવી. આવા નિયમની મહાપાલિકાની ટિકિટ ફાળવણી વેળાએ ચુસ્ત અમલવારી કરવામાં આવી હતી પરંતુ જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ભાજપે રીતસર સગાવાદ ચલાવ્યો છે. જેની સામે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકમાંથી એક ઉમેદવાર આ વખતે ચોથી વખત ચૂંટણી લડશે. ભાજપના પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે તો કોંગ્રેસનો ખેસ ફગાવી કમળની પાંખો પકડનારને ટિકિટ આપી દેવામાં આવી હોય કાર્યકરો નારાજ થયા છે અને નવા જૂની કરવાના મુડમાં આવી ગયા છે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા ભાજપ કાર્યાકરોએ ભારે અસંતોષ સાથે હંગામો મચાવ્યો હતો.