2017 વિધાનસભા, 2019 લોકસભા, 2021 કોર્પોરેશન અને હવે 2022માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય વાવટો લહેરાવતાં મિરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના નેતૃત્વમાં રાજકોટમાં ભાજપને છેલ્લાં પાંચ વર્ષમાં ચોથી શાનદાર જીત મળી છે. સફળ સુકાની પર અભિનંદનવર્ષા થઇ રહી છે. રાજકોટની ચારેય બેઠકો પર કમળને જીત અપાવવા બદલ તેઓએ શહેરીજનોનો અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા બાદ ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કમલેશ મિરાણીને પ્રથમ સફળતા મળી હતી. જેમાં તેઓએ રાજકોટ પૂર્વની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે જે વ્યૂહરચના બનાવી હતી તેને સફળતા પ્રાપ્ત થવા પામી હતી. 2019 લોકસભાની ચૂંટણીમાં તેઓ સફળ સુકાની સાબિત થયાં હતાં. મોહનભાઇ કુંડારિયા ફરી તોતીંગ લીડ સાથે ચૂંટાઇ આવ્યા હતાં. ગત વર્ષે અર્થાત 2021માં યોજાયેલી રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં તો મિરાણીએ કમાલ જ કરી બતાવ્યો હતો. 72 બેઠકોમાંથી 68 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં હતાં. જે મહાપાલિકાના ઇતિહાસમાં બેઠકની દ્રષ્ટિએ ભાજપની સૌથી મોટી જીત મનાઇ રહી છે.
કમલેશ મિરાણી એટલે સફળતાએ સૂત્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 2022ની ચૂંટણીમાં પણ તેઓ સફળ સુકાની સાબિત થયાં છે અને રાજકોટની ચારેય બેઠકો જાળવી રાખવામાં સફળ થયાં છે. એટલું જ નહિં પરંતુ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને અગાઉ ક્યારેય ન મળી હોય તેવી ઐતિહાસિક લીડ પ્રાપ્ત થઇ છે.