વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનમાં તોળાતો ફેરફાર: ચાર શહેર-જિલ્લાના પ્રમુખો બદલાશે
વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે સંગઠનમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરી છે. ભાજપમાં જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફારનો દોર યથાવત છે. એક સાથે ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલાય તેવી સંભાવના છે. મહેસાણા, બોટાદ, ભાવનગર જિલ્લા અને શહેરના પ્રમુખો પાસેથી ભાજપે રાજીનામાં લીધા છે.
જો કે અલગ અલગ વ્યક્તિગત કારણો દર્શાવીને ચારેય પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યા અને ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશ લંગારીયાએ પણ રાજીનામું આપ્યું છે. મહેસાણામાં જસુ પટેલ, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાડીયાએ પણ રાજીનામું આપ્યું છે.
રાજીવ પંડ્યાના પત્ની ધારાસભ્ય બન્યા હોવાના કારણે તેમણે રાજીનામુ આપ્યું છે. મહેસાણા જસુ પટેલનો પરિવાર અમદાવાદમાં હોવાના કારણે રાજીનામું આપ્યુ છે. મહેસાણા, બોટાદ અને ભાવનગરના નવા પ્રમુખોની 24 કલાકમાં જાહેરાત થાય તેવી સંભાવના છે. વિધાનસભાની ચૂંટણી બાદ ત્રણ જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાઇ ચૂક્યા છે.
ભાવનગર શહેરમાં ક્ષત્રિય અથવા વણિક સમાજના આગેવાનને પ્રમુખ પદ સોંપાય તેવી શક્યતા
છેલ્લા લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે અંત આવતા અંતે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખો પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. નજીકના દિવસોમાં જ નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. નવા પ્રમુખો માટે ભાવનગર શહેરમાં વણિક અને ક્ષત્રિય સમાજમાંથી પ્રમુખ પદ આપવા માટે વિચારણા ચાલી રહી છે. શહેર ભાજપના નવા પ્રમુખ માટે વણિક સમાજમાંથી તેમજ ક્ષત્રિય સમાજ પર પસંદગી ઉતારવાની વિચારણા ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજકીય ચર્ચા મુજબ નવા પ્રમુખ માટે અભયભાઈ ચૌહાણ, ડી.બી.ચુડાસમા, જે.પી. ગોહિલ, ભરતસિંહ ગોહિલ, યોગેશભાઈ બદાણી,અમોહભાઇ શાહ, મહેશ રાવળ સહિતના નામ ચર્ચામાં છે. જોકે ભાજપના રાજકારણમાં જ્યાં સુધી પ્રદેશમાંથી પ્રમુખ પદે નિયુક્તિ ન આપે ત્યાં સુધી તમામ પાસા માત્ર અટકળો જ બની રહે છે. ભાવનગર શહેર અને જિલ્લા માટે શહેરના બંને ધારાસભ્યો, સાંસદ, કેબિનેટ મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી પૈકી કોનું પ્રદેશમાં ઉપજે તે જોવું રહ્યું.