કોંગ્રેસે વધુ ૩૧ ઉમેદવારોની યાદી જાહેર કરી: ગુજરાતની ૬ બેઠકોના ઉમેદવારોની ઘોષણા, સૌરાષ્ટ્રમાં ત્રણ ધારાસભ્યોને લોકસભાની ટિકિટ
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. જયારે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો જ્ઞાતિવાદ સહિતના તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.
દેશભરની મોટાભાગની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની આખરી પસંદગી બાકી હોય ગઈકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેકશન કમિટીની બેઠક યોજાઈ હતી જે બાદ ગુજરાતની છ સહિત ૩૧ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ભાજપના પૂર્વ વિદેશ મંત્રી સ્વ. જસવંતસિંહના પુત્ર માનવેન્દ્રસિંહને રાજસ્થાનની બારમેડ બેઠક પરથી ટીકીટ આપવામા આવી છે.
કોંગ્રેસે જાહેર કરેલી આ યાદીમાં રાજસ્થાનના ૧૯, ઉત્તર પ્રદેશ અને ગુજરાતનાં ૬ ઉમેદવારોને ટીકીટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસમાં પ્રવર્તી રહેલા વંશવાદની પ્રતિતિ મળતી હોય તેમ ‘સારાના બદલે મારા’ ઉમેદવારને ટીકીટ આપવાનું વલણ આ યાદીમાં જોવા મળ્યું હતુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જોધપૂર બેઠક પરથી ટીકીટ આપવામાં આવી હતી.
આ યાદીમાં જે મહત્વના ઉમેદવારોની જાહેરાત થઈ છે. તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સીંગને અલવર બેઠક પર વરિષ્ટ નેતા રામનારાયણ મીનાને કોટા બેઠક પર, સવિતા મીનાને દૌસાની અનામત બેઠક પર, જયોતી ખંડેલવાલને જયપૂર બેઠક પર, નમો નારાયણ મીનાને રોક-સવાઈ માધોપૂર બેઠક પર, જયારે જયોતિ મિર્ધાને નાગૌર બેઠક પર ટીકીટ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં જે મહત્વની ઉમેદવારોની યાદી જાહેર થઈ છે તેમાં રીટાયર્ડ મેજર જે.પી.સીંગને સંલાલ બેઠક પર નીયાઝ અહેમદને દેવરીયા બેઠક પર, પંકજ નિરંજનને ફૂલપુર બેઠક પર ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતમાં છ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં સૌરાષ્ટ્રનાં ત્રણ ધારાસભ્યોને પણ ટીકીટ આપી છે.
રાજકોટ બેઠક પર પડધરી ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાને પોરબંદર બેઠક પર ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાને જયારે, જૂનાગઢ બેઠક પર ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટીકીટ આપી છે. કોંગ્રેસે આ ઉમેદવારોને ટીકીટ જાહેર કરીને વર્તમાન ધારાસભ્યોને ટીકીટ નહી આપવાના પાર્ટીએ કરેલા નિર્ણયનો છેદ ઉડાડી દીધો હોય તેમ સ્પષ્ટ થવા પામ્યું હતુ.
જયારે પાટણ બેઠક પર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટીકીટ આપીને યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મહત્વકાંક્ષા પર પાણી ફેરવી દીધું છે. પંચમહાલ બેઠક પર વી.કે. ખાંટને જયારે વલસાડની અનુસુચિત જાતી માટે અનામત બેઠક પર જીતુ ચૌધરીને ટીકીય આપવામાં આવી છે. આ ૩૧ ઉમેદવારોની જાહેરાત બાદ લોકસભા માટે કોંગ્રેસના ૨૯૩ ઉમેદવારો ફાયનલ થઈ ગયા છે.
જોકે, ગુજરાતમાં હજુ અનેક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારો પર પ્રભુત્વ ધરાવતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો પાર્ટી બીપીટી સાથે ગઠ્ઠબંધનની ચર્ચા ચાલી રહી હોય ત્યાંની અનેક બેઠકો પર જાહેરાત હજુ બાકી રખાય છે. કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠ્ઠબંધન માટે ચાલતી ચર્ચામાં મડ્ડાગાંઠ પડતા આ સંભાવના હાલના તબકકે પડી ભાંગી છે.