કોંગ્રેસના બે સીટીંગ ધારાસભ્ય, એક પૂર્વ કેબીનેટ મંત્રી અને એક પૂર્વ  ધારાસભ્યની કારમી હાર

સોરઠની પાંચ વિધાનસભાની બેઠકો માટે ખેલાયેલા ત્રિપાખીયા જંગ વચ્ચે ભાજપે 3, આમ આદમી પાર્ટીએ 1 અને કોંગ્રેસે 1 સીટ પર વિજય મેળવ્યો છે. તે સાથે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના બે સીટિંગ ધારાસભ્ય, એક પૂર્વ કેબિનેટ મંત્રી અને એક પૂર્વ ધારાસભ્યની આ ચૂંટણીમાં કારમી હાર થવા પામી છે. તો બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના મતદારોએ આ વખતે 8,814 નાટોમાં મત આપી, એક પણ ઉમેદવાર પસંદ ના હોય, આડકતરી રીતે ઉમેદવારો પ્રત્યેની નારાજગી દર્શાવી હતી.

જુનાગઢ જિલ્લામાં જુનાગઢ, માણાવદર, કેશોદ, માંગરોળ અને વિસવદર એમ કુલ પાંચ વિધાનસભાની સીટ આવેલી છે. ત્યારે ગત તા. 1 ડિસેમ્બરના યોજાયેલ મતદાનની ગઈકાલે જુનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મત ગણતરી હાથ ધરાઇ હતી, જે દરમિયાન ભાજપે 2017 ની ચૂંટણી કરતા આ વખતે બે સીટનો ફાયદો મેળવ્યો છે, કોંગ્રેસે 2 બેઠકો ગુમાવી છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં આપે એન્ટ્રી મારી છે. તેની સાથે આ વખતની ચૂંટણીમાં શાણા મતદારોએ છેલ્લે સુધી મન કળવા દીધું ન હતું અને જૂનાગઢના સીટિંગ ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જોશીને 40 હજાર કરતાં વધુ મતોથી હાર અપાવી હતી. જ્યારે માણાવદરની સીટ ઉપરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને સીટિંગ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને 3,453 મત ઓછા આપી હાર અપાવી હતી. આ સાથે ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ભળેલા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાને લોકોએ હારનો સ્વાદ ચખાડ્યો હતો. તો માંગરોળના સીટીંગ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આપના ઉમેદવાર ભૂપત ભાયાણી એ 7,500 જેટલા મતોથી જંગી જીત મેળવી જુનાગઢ જિલ્લામાં પ્રથમ વખત આપ ની એન્ટ્રી કરાવી હતી.

ગઈકાલે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની હાથ ધરાયેલી મત ગણતરી દરમિયાન માણાવદરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા અરવિંદભાઈ લાડાણીને 64,690 મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના જવાહર ચાવડાને 61,237 મત મળ્યા હતા. અહીં આપના ઉમેદવાર કરસનભાઈ ભાદરકાએ 23,297 મેળવતા ભાજપના મતમાં ભાગલા પડ્યા હતા જેના કારણે જવાહરભાઈ ચાવડાની હાર થવા પામી હતી.જુનાગઢ 86 વિધાનસભાની બેઠકની વાત કરીએ તો, ભાજપના સંજય કોરડીયા એ આ બેઠક પર 84,616 જંગી મતો મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને 44,360 મળ્યા હતા, તે સાથે આપના ચેતન ગજેરા આ બેઠક ઉપરથી 26,306 મતો મેળવી જતા કોંગ્રેસને અહી ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. તે સાથે કોંગ્રેસના કમિટેડ વોર્ડમાંથી પણ ભીખાભાઈ જોશીને ગત ચૂંટણીમાં જે લીડ મળી હતી. તેમાં પણ મોટો ઘટાડો થયો હતો અને ગામડાઓમાં પણ ભાજપે ગાબડા પાડતા, જૂનાગઢના સીટિંગ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને લગભગ 40,000 થી વધુ મોટોથી હારનો સ્વીકાર કરવો પડ્યો હતો.

માંગરોળમાં પણ કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય બાબુભાઈ વાજા ને 36,395 મત મળ્યા હતા અને ભગવાનજીભાઈ કરગટીયાને 60896 મત મળતા, કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય બાબુભાઈ વાજાને લગભગ 24000 જેટલા મતોથી આ બેઠક ગુમાવી પડી હતી. આ બેઠક ઉપર આપના પિયુષ પરમાર 34,314 અને એઆઈ એમ આઈ એમ ના ઉમેદવાર એ પણ કોંગ્રેસના જે કાયમી મતો કહેવાય છે ત્યાંથી ભારે મતો મેળવી જતા, આ બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપ એ આંચકી હતી.

કેશોદમાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમે 55,802 મતો મેળવી આ બેઠક જાળવી રાખી હતી. આ બેઠકો પર તેમના નજીકના પ્રતિદ્વંધી એવા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવાને 51,594 મતો મળ્યા હતા. જો કે અહીં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસના કમિટેડ મતો પોતાને ફાળે કરી લેતા કોંગ્રેસ આ બેઠક પર જીતથી વંચિત રહ્યું હતું. જો કે, આ બેઠક ઉપર ભાજપમાં બળવો કરી અપક્ષમાં ઉમેદવારી કરનાર અરવિંદભાઈ લાડાણી અહીં સારી રીતે ચાલ્યા ન હતા અને નજીવા મતો મેળવી હારનો સ્વાદ ચાખ્યો હતો. વિસાવદરની બેઠક ઉપર આપે એન્ટ્રી કરી હતી, આપના ઉમેદવાર ભુપત ભાયાણીએ આ સીટ ઉપર 66,210 મત મેળવી ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાને લગભગ 7,500 જેટલા જંગી મતથી હાર આપી હતી. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા હર્ષદ રીબડીયાને આ બેઠક ઉપર 59,147 મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કરસનભાઈ વાડોદરિયા ને 16963 મ તો જ મળ્યા હતા.

8,814 મતદારોએ નોટા માં મત નાખી ઉમેદવારો સામેની નારાજગી દર્શાવી

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની ગઈકાલે હાથ ધરાયેલા મતગણતરી દરમિયાન જૂનાગઢની પાંચ વિધાનસભાની બેઠકોમાં કુલ 8,814 લોકોએ કોઈપણ ઉમેદવાર પર પોતાની પસંદગી ન દર્શાવી પોતાનો મત નોટામાં નાખ્યો હતો. જેમાં સૌથી વધુ 2002 નોટામાં મત જૂનાગઢની બેઠક ઉપર પડ્યા હતા. જ્યારે વિસાવદર બેઠકમાં 1,719, કેશોદ બેઠકમાં 1,760, માંગરોળ બેઠકમાં 1,765 અને માણાવદર બેઠકમાં 1,568 લોકોએ એક પણ ઉમેદવાર ઉપર પોતાની પસંદગી ઉતારી ન હતી અને નાટોમાં મત નાખીયા હતા.

 જિલ્લામાં 1,199 મત રિજેક્ટ થયા

જૂનાગઢની પાંચ વિધાનસભાની બેઠકો પર કુલ મળી 1199 મતો રીજેક્ટ થયા હતા. જેમાં સૌથી વધુ જૂનાગઢની બેઠક ઉપર 518 મત રિજેક્ટ થવા પામ્યા હતા. યોગ્ય રીતે મતદાન થયું ન હોય ત્યારે જે તે પક્ષને આવા મત મળતા નથી ત્યારે જુનાગઢની બેઠક પર આવા 518 મત, માણાવદરની બેઠક પર 212, વિસાવદરની બેઠક પર 171 મત, કેશોદ બેઠક પર 133 મત અને માંગરોળ બેઠક પર 165 મત રિજેક્ટ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.