મમતા બેનરજીના ઈશારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપાના રોડ-શો અને ભાજપાના અનેક કાર્યકરો ઉપર હિચકારા હુમલાઓ કરીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું છે: આઈ.કે.જાડેજા

ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાળના કોલકત્તામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના રોડ-શો ઉપર મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા થયેલા હિચકારા હુમલાના વિરોધમાં અમદાવાદ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો.

આ ધરણા કાર્યક્રમમાં મીડિયા સાથેના સંવાદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહાનગર પ્રભારી આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, લોકસભા – ૨૦૧૯ ચુંટણીપર્વ ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રજાનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ ભાજપાને મળી રહ્યો છે તે જોઈને તમામ વિરોધપક્ષો હાર ભાળી ગયા છે. આવા જ સમયે પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના રોડ-શો ઉપર મમતા બેનરજીના ઈશારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ હિચકારો હુમલો કરીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું છે. આ હિચકારા હુમલાના વિરોધમાં પશ્ચિમ બંગાળ બચાવો – લોકશાહી બચાવો અને દેશ  બચાવો ના નારા સાથે વિશાળ સંખ્યામાં ભાજપાના કાર્યકરોએ ઉપસ્થિત રહી લોકશાહીની આ કલંકરૂપ ઘટનાના વિરોધમાં ધરણા કર્યા હતા.

વધુમાં આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય ઈતિહાસના ધરોહર એવા કેળવણીકાર અને સમાજ સુધારક ઈશ્વરચંદ વિદ્યાસાગર કે જેમણે મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. આવા મહાપુરુષના પૂતળાને તોડીને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પર વજ્રાઘાત કર્યો છે. જેને પશ્ચિમ બંગાળની જનતા કદાપી માફ કરશે નહિ.

પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોના આવા હીન કૃત્યથી દેશના ઈતિહાસમાં કાળો અધ્યાય લખાયો છે. જેને દેશની જનતા કદી માફ કરશે નહિ. આવનારી ૨૩ મે, ૨૦૧૯ લોકસભાની પરિણામોમાં પ્રજા તેમને તેનું સ્થાન બતાવી દેશે.

આ ધરણા કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર ભાજપા અધ્યક્ષ જગદીશ પંચાલ, મેયર બીજલબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલભાઈ ભટ્ટ સહિત શહેર સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો, બોર્ડ/નિગમના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.