પ્રદેશ પ્રમુખ પદ માટે અનેક પાટીદાર નેતાઓનાં ચાલતા નામ વચ્ચે સંગઠ્ઠનમાં માહેર પાટીલની વરણી કરીને ભાજપ હાઈકમાન્ડે વધુ એક ચોકાવનારો નિર્ણય લીધો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સદાય રાજકારણમાં નવા અખતરા કરવામાં માને છે. પાટીદાર બહુમતિ વાળા ગણાતા ગુજરાતમાં જૈન વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બનાવીને સૌને ચોકાવી દેનારા મોદી શાહે હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે બિન ગુજરાતી સી.આર. પાટીલની વરણી કરીને રાજકીય પંડીતોને પણ માથા ખંજવાળતા કરી દીધા છે. વર્તમાન પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ટર્મ પૂર્ણ થયા બાદ ભાજપ કોઈ પાટીદાર નેતાને પ્રમુખ પદ આપશે તેવું મનાતું હતુ પરંતુ મોદી શાહની બેલડીએ કોઈ પાટીદાર નેતાના બદલે સંગઠ્ઠનમાં માહિર દક્ષિણ ગુજરાતનાં કદાવર મરાઠી નેતા અને નવસારીનાં સાંસદ સી.આર. પાટીલની વરણી કરી છે. આ વરણી દ્વારા મોદી શાહે વધુ એક પૂરવાર કર્યું છે. ભાજપ જ્ઞાતિવાદમાં નહી વિકાસવાદમાં માને છે.
સતત અને સખત પરિશ્રમ થકી નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.
એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૭૫માં ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહિ. પોલીસની નોકરી કરતા લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતુ નહિ. એ મુદ્દો લઈને સી.આર.પાટીલએ ૧૯૮૪મા પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહિ અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને એમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર.પાટીલએ પોતાની સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા.
એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ રહ્યો. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આજ નહિ આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યા છે. વર્ષ ૧૯૯૧મા નવગુજરાત ટાઈમ્સ નામના દૈનિકની શરૂઆત કરી ત્યારે અખબારી જગતમાં અનેક કંપનો સર્જાયેલા. પત્રકારત્વની આગવી ભૂમિકા સાથે શરુ થયેલા આ અખબારે અનેક પત્રકારોનું ઘડતર કર્યુ હતું. એવી જ રીતે ચેનલ આઈવિટનેસનું નામ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું હતું.
જાહેરજીવનમાં છેક ૨૫ ડીસેમ્બર ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને શરૂઆત કરી. એ પછી તો સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ બન્યા અને પછી શહેરના ઉપપ્રમુખ પણ બન્યા. પક્ષના સભ્ય અને હોદ્દેદાર તરીકે જે જવાબદારી આપવામાં આવી તે તમામનું અત્યંત સફળતા પૂર્વક વહન કર્યુ અને એમાં જ એમની સાંગઠનીક શક્તિ, નેતૃત્વના સબળ ગુણ અને સક્ષમ આયોજન ક્ષમતાઓ જોવા મળી. એક પણ ચૂંટણી લડ્યા વિના સી.આર.પાટીલની ગણના ચૂંટણીના વ્યુહરચનાકાર તરીકેની થવા લાગી જે આજે પણ અકબંધ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને પ્રથમ જી.આઈ.ડી.સી અને પછી જી.એ.સી.એલ. ના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. જે એમને કુશળતાપૂર્વક નિભાવી હતી. એ પછી સતત ભાજપના સંગઠનમાં શહેર અને પ્રદેશ કક્ષા જવાબદારીઓ એમને નિભાવી છે. લોકસભા, વિધાનસભા, મ્યુનીસીપલ કોર્પોરેશન, પંચાયત તમામ ચૂંટણીમાં પક્ષને વધુ બેઠક અને લાંબી લીડથી જીતાડવા માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન સી.આર.પાટીલ એ કર્યા છે.
વર્ષ ૨૦૦૯માં ૧૫મી લોકસભા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરચિત નવસારી લોકસભા માટે સી.આર.પાટીલની પસંદગી બીજેપીના ઉમેદવાર તરીકે કરી. જાહેર જીવનમાં ૨૦ વર્ષ કાર્ય કર્યા પછી પ્રથમ વખત ચૂંટણી લડી અને એકદમ પ્રભાવી યશસ્વી રીતે વિજયને વર્યા. પ્રજાના સાંસદ તરીકેની એમની સક્રિયતા અને પ્રજાના મુદ્દે એમની લડતની નોધ સમગ્ર દેશમાં પહોચી. સાંસદ તરીકે સંસદમાં, પોતાના સંસદીય ક્ષેત્રમાં સતત કાર્ય અને સતત લોકસંપર્ક એ એમની ઓળખ બની રહી. સાંસદ બન્યા એ પેહલા કે પછી પણ એમના કાર્યાલયમાં કામ લઈને કે મદદ માટે આવેલ વ્યક્તિને ક્યારેય નિરાશ થવું પડ્યું નથી. સાંસદ તરીકે સી.આર.પાટીલએ એવા અનેક કર્યો કાર્ય જે એમની પેહલા સમગ્ર દેશમાં કોઈ સાંસદે નથી કર્યા. સાંસદની કચેરીમાં આઈએસઓ હોય એવું આઝાદ ભારતમાં કોઈને જે વિચાર ના આવ્યો એનો અમલ પણ એમણે કર્યો. કામ અને રજૂઆતની યાદી સતત વધતી રહે છે અને સાથે જ એમની લોકપ્રિયતા પણ.
આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ૨૦૧૪મા ચૂંટણી યોજાઈ તેમાં પણ સી.આર.પાટીલની પસંદગી નવસારી માટે કરવામાં આવી અને એક પણ મોટી જાહેરસભા વિના, માત્ર લોકસંપર્ક દ્વારા સી.આર.પાટીલ સૌથી વધુ લીડ મેળવનાર ઉમેદવાર તરીકે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નિવૃત સેના અધ્યક્ષ જનરલ વી.કે.સિંહ પછી ત્રીજા નંબરે રહ્યા હતા. વડાપ્રધાન એ જયારે સાંસદોને એક એક ગામ દત્તક લઇને વિકસાવવાનું આહવાન કર્યુ. સી.આર.પાટીલએ ચીખલી ગામને દત્તક લીધું અને દેશમાં સૌથી ઝડપી આદર્શ ગામ બનાવી ચીખલીની કાયાપલટ કરી નાખી. સાંસદ પોતાના મતદારના આંગણે પહોચે એ માટે એમણે મોબાઈલ કચેરી શરુ કરીને મતવિસ્તારના દરેક ગામ સુધી પહોચવાની શરૂઆત કરી અને લોકોને સરળતા કરી આપી. સાંસદ તરીકેની બીજી ટર્મ માં હવે સરકાર પાસેથી સુરત અને નવસારીને લગતા અનેક પ્રશ્નોનું નિરાકરણ એ લાવવામાં સતત કાર્યરત છે. સાંસદ તરીકેતો એ અનેક જવાબદારી નિભાવે જ છે પરંતુ પોતાના પરિવારને પણ એ એટલોજ સમય અને સ્નેહ આપે છે. સતત વ્યસ્તતા વચ્ચે એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખપદે બિરાજનારા પ્રથમ બિનગુજરાતી નેતા બન્યા છે.