સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સ્વીકારવાને બદલે કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ પર બેબુનિયાદ આક્ષેપો કરે છે : વાઘાણી
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે કરેલ અરજી સામે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને ગુજરાત ભાજપા આવકારે છે. ત્યારે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને સ્વીકારવાને બદલે કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ પર બેબુનિયાદ આક્ષેપો કરે છે. કોંગ્રેસ માત્રને માત્ર મીડિયામાં રહેવા માટે આવા બેબુનિયાદ નિવેદનો કરીને ગુજરાત અને દેશની જનતાનને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ તેની તરફેણમાં ચૂકાદો આવે તો માન્ય પરંતુ જો વિરૂધ્ધમાં ચૂકાદો આવે તો સ્વીકારવાને બદલે જુઠ્ઠાણા ફેલાવી દેશની બંધારણીય સંસ્થાઓને બદનામ કરતી આવી છે. જે કોંગ્રેસની આદત બની ગઈ છે. ભાજપાને દેશના બંધારણ, બંધારણીય સંસ્થાઓ તથા દેશની જનતા પર સંપૂર્ણ ભરોસો છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પોતાની હાર સ્વીકારવાને બદલે દેશની બંધારણીય સંસ્થાઓ, ઈવીએમ, વીવીપેટ, સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટની કામગીરી પર સવાલ ઉઠાવીને સતત દેશની જનતાને ગુમરાહ કરતી આવી છે. કોંગ્રેસની આ નિમ્ન કક્ષાની રાજનીતિને કારણે દેશની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે.