ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા આ કાર્પેટ બોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રીય કક્ષાના ૧૫ નેતાઓ અને રાજ્યકક્ષાના ૧ર નેતાઓ દ્વારા ૭૫ વિધાન સભા બેઠકો પર ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી નડ્ડા ચાર દિવસ સભા ગજવવાના છે ત્યારે આજ રોજ સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી સહિત ચાર સ્ટાર પ્રચારક સભા સંબોધશે.
ભાજપ દ્વારા આજે સાબરકાંઠા જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ પ્રચારકો સભા સંબોધશે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા બપોરે ઈડરમા સભા સંબોધશે ત્યારે સાંજે ચાર કલાકે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા હિંમતનગર ખાતે સભા સંબોધશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંજે ચાર કલાકે ખેડ્બ્રહ્મમાંમાં સભા સંબોધશે ત્યારે સાંજે પાંચ કલાકે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પ્રાંતિજ ખાતે સભા સંબોધશે.
હિંમતનગરના પેઢમાલા ગામે ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર
સાબરકાંઠા જીલ્લામાં આજ રોજ ભાજપના સ્ટાર પ્રચારકો સભા સંબોધવાના છે ત્યારે હિંમતનગરના પેઢમાલા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે. ગ્રામ જનો દ્વારા ચૂંટણીનો બહિષ્કારના બેનરો લગાડવામાં આવ્યા છે. ગામના ગૌચર સર્વે નંબર 634.635 ના સાતબારમાં જે હકો બતાવેલા છે તે મુજબ હક લેવા બેનર લગાવવામાં આવ્યા છે. ગ્રામજનોની માગણી પૂરી નહીં થાય તો સમસ્ત ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. ૭-૧૨માં આપેલા હક્કોની સાથે અનામત ઝાડ સાગ, સિસમ, ચંદન, સરકાર માલિકીના ગણવા તથા ગ્રામ લોકોને ઢોર ચરાવવાના તથા માથાભેર સૂકું લાકડું લાવવા તથા ખેતી ઉપયોગી લાકડું લાવવાના હક દર્શાવેલા છે.