ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય: કિશાન સંઘે માત્ર 180 મત મળતા હાર સ્વીકારી
ચેરમેન પદે પરસોતમભાઇ સાવલીયા અથવા વિજય કોરાટ નિશ્ર્વિત
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં આજે ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે અને કિસાન સંઘે હાર સ્વીકારી છે. વેપારી વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલના 3 ઉમેદવારો જ્યારે બિનરાજકીય પેનલના અતુલ કમાણીનો વિજય થયો છે.
રાજકોટ બેડી યાર્ડની ચૂંટણીમાં ગઇકાલે ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક માટે મતદાન થયું હતું. જેની આથે મતગણતરી થઇ હતી. ખેડૂત વિભાગમાં 94.41 ટકા જ્યારે વેપારી વિભાગમાં 94.41 ટકા મતદાન થયું હતું.
આજે સવારે 56 રાઉન્ડમાં મતગણતરી થવા પામી હતી. મતગણતરીની શરૂઆતમાં જ ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત પેનલની લીડ રહી હતી અને વેપારી વિભાગમાં બંને પેનલ વચ્ચે રસાકસી ચાલી રહી હતી.
મતગણતરીના અંતે ખેડૂત વિભાગમાં કિસાન સંઘને માત્ર 700માંથી 180 મળ્યા હતા. કિસાન સંઘનો કારમો પરાજય થતા દિલીપ સખીયાએ હાર સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે દર વખતે યાર્ડની ચુંટણી બિનહરીફ થતી હોય છે ત્યારે આ વખતે અમે લોકશાહીના ભાગરૂપે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને પ્રયાસ કર્યો પરંતુ જે પરિણામ આવ્યુ તેને અમે સ્વીકારીએ છીએ.
રાજકોટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આથી મંત્રીપદ ગયા પછી જયેશભાઇ રાદડિયાનો પાવર યથાવત રહ્યો છે અને સહકારી ક્ષેત્રે દબદબો જાળવી રાખ્યો છે. વેપારી વિભાગની 4 બેઠક પર વેપારી વિકાસ પેનલના 1 અને વેપારી હિત રક્ષક પેનલના 3 ઉમેદવારની જીત થવા પામી છે. હવે રાજકોટ યાર્ડના ચેરમેન પદનું કોરાટના હાથમાં આવે તે નિશ્ર્ચિત જણાઇ રહ્યું છે.
ગોંડલ યાર્ડની ચૂંટણીમાં પણ ભાજપ જંગી બહુમતીથી જીતશે: જયેશ રાદડીયા
રાજકોટ માકેટીંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગના ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય થતા ‘અબતક’ સાથેની વાતચીતમાં જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે કુલ 1393 મતદારોએ તેમના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં અમારી પેનલ જંગી બહુમતિથી જીતતાં હું રાજકોટ, પડધરી, લોધિકા, મંડળીના પ્રમુખ, વ્યવસ્થાપક કમિટિના સભ્યોનો આભાર માનું છું.
લોકોએ સહકારી ક્ષેત્રે અમારા પર ફરી વિશ્ર્વાસ મુકયો એને એળે નહિ જવા દઇએ, માકેટીંગ યાર્ડનો વેગવંતો વિકાસ કર્યો છે અને કરીશું પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અમારા સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરું છું. આવનારા દિવસોમા: રાજકોટ માકેટીંગ યાર્ડમાં સારુ શાસન આવે એવા અમારા પ્રયત્નો રહેશે. આ ચુંટણીની અંદર અનેક પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે. જે નવી પેનલ આવી તેના પર પણ સૌ એ વિશ્ર્વાસ મુકયો. ચુંટણીમાં હમેશા જનતા અને ખેડુતો સર્વોપરી હોય છે અમારા જે ઉમેદવારોએ વિજય મેળવ્યો એ ભાજપની જીત છે.
વધુમાં જણાવ્યું હતું કે ગોંડલ માકેટીંગ યાર્ડની ચુંટણી ટુંક સમયમાં થવા જઇ રહી છે. ત્યાં પણ ભાજપ જંગી બહુમતીથી જીતશે સહકારી ક્ષેત્રે હમેશા હું કહું છું કે ચુંટણી ન થાય છતાં પણ જો ચુંટણી થાય તો અમે ચુંટણી લડવા મેદાનમાં ઉતરીએ છીએ.આ સંસ્થા ખેડૂત લક્ષી કાર્યો કરે છે ચુંટણી લડવાની કોઇ જરુર નથી પરંતુ ચુંટણી લડવાનું પરિણામ આજે કિશાન સંઘે જોઇ લીધું છે.