મુંગેરીલાલ કે હસીન સપને

૫૦ વર્ષ સત્તા ભોગવવાના દાવા તેઓ જ કરી શકે જેમને લોકતંત્ર અને સંવિધાનમાં વિશ્ર્વાસ ન હોય, અમે દેશના હાલ નોર્થ કોરીયા જેવા નહીં થવા દઈએ: કોંગ્રેસ

તાજેતરમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ અમિત શાહે દાવો કર્યો હતો કે, ભાજપ આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતી જશે તો તેને ૫૦ વર્ષ સુધી કોઈ સત્તાની બહાર ધકેલી શકશે નહીં. અમિત શાહના આ નિવેદન બાદ કોંગ્રેસે પલટવાર કર્યો છે અને કહ્યું છે કે, ૫૦ વર્ષ સુધી સત્તામાં રહેવાનું સ્વપ્ન ભાજપ માટે દિવાસ્વપ્ન સમાન છે. ૫૦ વર્ષ સુધી ભાજપ સત્તામાં રહે તો દેશના હાલ નોર્થ કોરીયા જેવા થઈ જાય તેવો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે.

કોંગ્રેસે કહ્યું છે કે, ૫૦ વર્ષ સુધી સત્તા ભોગવવાના દાવા તેઓ જ કરી શકે જેઓ લોકતંત્રમાં વિશ્ર્વાસ રાખતા ન હોય. જેઓ સંવિધાનને કચડી નાખવા માગતા હોય. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલે ભાજપના ૫૦ વર્ષના સત્તવાના દાવાને મુંગેરી લાલ કે હસીન સપને ગણાવ્યા છે.

તેમણે કહ્યું છે કે, આવો દાવો તેઓ કરી શકે જેઓ લોકતંત્રનો અંત લાવવા ઈચ્છતા હોય. મત્તાધીકાર છીનવવા માંગતા હોય. પરંતુ અમે કહેવા માંગીએ છીએ કે, ભારતને અમે નોર્થ કોરીયા બનવા નહીં દઈએ.

તાજેતરમાં ભારતીય જનતા પક્ષની નિર્ણાયક નેતાઓની બે દિવસીય બેઠક મળી હતી જે દરમિયાન ભાજપ પ્રમુખ અમિત શાહે વિજય વિશ્ર્વાસ સાથે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી જીતી ગયા બાદ ભારતીય જનતા પક્ષને ૫૦ વર્ષ સુધી કોઈ સત્તા પરથી હટાવી શકશે નહીં. અમિત શાહના આ નિવેદન બાદ કોંગ્રેસે શાબ્દીક પ્રહારો કર્યા છે અને ભાજપના આ સ્વપ્નને દિવાસ્વપ્ન ગણાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.