રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લોકોને નાની પણ મહત્વપૂર્ણ સેવાઓ માટે જુદી જુદી કચેરીઓના ધકકાઓ ખાવા ન પડે અને એક જ સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તેવા શુભ હેતુથી શરૂ કરાયેલ પ્રજાકલ્યાણલક્ષી સેવાસેતુ કાર્યક્રમનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે.
આજરોજ રાજકોટ શહેરના વોર્ડનં-૨માં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચોથા તબકકાનો ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદહસ્તે શુભારંભ થકી શહેરીજનોને જન્માષ્ટમી પર્વની અનોખી ભેટ આપવામાં આવી હતી.
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ રાજય સરકરની આ સંવેદનશીલ અને પારદર્શી વહિવટી વડે તંત્રને વેગવાન બનાવવાના કાર્યક્રમને બિદરાવતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ વડે છેવાડાના માનવીને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરઆંગણેજ પ્રાપ્ત થઇ શકે છે. રાજયના મૂખ્યમંત્રી રૂપાણીએ સૌપ્રથમ શરૂ કરેલ આ કાર્યક્રમ આજે સમગ્ર રાજયમાં લોકભોગ્ય બની રહયો છે.
મહાનગરપાલિકા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, વૃધ્ધ પેન્શન યોજના, આરોગ્યલક્ષી યોજનાઓ જેવીકે મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, વિધવા સહાય, શ્રમિકો માટેની ભાગ્યલક્ષ્મી બોન્ડ, કુંવરબાઇનું મામેરૂં જેવી જુદા જુદા વિભાગોને લગતી ૫૫ જેટલી સેવાઓ એકજ સ્થળે ઉપલબ્ધ બની છે. લોકો આ સેવાને લાભ લઇ સમાજીક અને આર્થિક ઉત્કર્ષ થાય અને અન્યોને પણ વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડે તેવો અનુરોધ કર્યા હતો.
આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખો નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરિયા, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસકપક્ષ દંડક અજયભાઈ પરમાર, વોર્ડ નં-૦૨ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર સહિત મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદધીકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.