જામનગર કોર્પોરેશનનું પરિણામ આશ્ચર્યજનક સામે આવ્યું છે. અહીં કોંગ્રેસના ગઢમાં ભાજપની પેનલનો વિજય થયો છે, તો ભાજપનો ગઢ ગણાતી બેઠક પર બસપાએ કબજો કરી લેતા રાજકીય સમીકરણો બદલાઇ ગયા છે. વોર્ડ પ્રમાણે વાત કરવામાં આવે તો જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં ગાબડું પાડ્યું છે અહીં ત્રણ બેઠકો ભાજપ જીત્યું છે. તો વોર્ડનંબર 1માં કોંગ્રેસની જીત થઇ છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની હાર સાથે જ જામનગરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થતા કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. તો ભાજપ છોડી AAPમાં જોડાયેલા જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. તો આ વખતે માયાવતીની બસપાએ બધા સમીકરણો તોડી ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 6માં જીત મેળવી છે. જામનગરમાં કુલ ત્રણ ભેઠકો પર BSPનો વિજય થયો છે.
છ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં જામનગરની કુલ 64 બેઠકની મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભાજપે જામનગર મહાનગરપાલિકા પર પોતાના કબજો જાળવી રાખ્યો છે. જીત સાથે બીજેપીની બેઠકમાં પણ વધારો થયો છે. જાહેર થયેલા પરિણામ પ્રમાણે જામનગર મહાનગરપાલિકાની 50 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે 11 બેઠક કૉંગ્રેસ પાર્ટીના ફાળે ગઈ છે. ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે.
કોંગ્રેસને 13 બેઠકનું નુકશાન
2021 અને 2015ની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો જામનગર કોર્પોરેશનમાં ભાજપની બેઠકમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીની 12 બેઠક વધી છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટીને 13 બેઠકનું નુકસાન થયું છે.
અન્ય મહાનગર પાલિકાની જેમ જામનગરમાં પણ ભાજપે સારો દેખાવ કર્યો છે. જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો માટેની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મતગણતરીના લેટેસ્ટ આંકડા જાણવા માટે જોડાયેલા રહો www.abtakmedia.com સાથે.