ઝાંઝરકાથી સોમનાથ સુધીની ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને લીલીઝંડી આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ: ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાજપ વિધાનસભાની તમામ 182 બેઠકોને ખૂંદી વળશે, સરકારે કરેલા કામોનો ઘેર-ઘેર હિસાબ અપાશે
ગુજરાતની ડબલ અન્જિનની સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ જન જન સુધી પહોચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ ગઇકાલથી થયો છે. ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી, ઝાંઝરકાથી સોમનાથથી પ્રારંભ થશે. આ યાત્રાને દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રા 2 જિલ્લામાં અને 3 વિધાનસભામાં આશરે કુલ 125 કિ.મીનો પ્રવાસ કરશે. જેમાં કુલ 9 સ્વાગત અને 3 જાહેરસભા યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહે સંબોધન કરતા જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુધી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે. કોંગ્રેસે જનતાને વિજળી, પાણી, ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા હતા. કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કરફ્યુ રહે તે પ્રકારની વ્યવસ્થાએ કોંગ્રેસે કરી હતી. કારણ કે કોંગ્રેસ માનતુ હતું કે જનતામાં અંદરો-અંદર ખટરાગ ચાલુ રહે ત્યા સુધી કોંગ્રેસને તકલીફ નહી રહે. પરંતુ જનતાએ ભાજપને 20 વર્ષથી આશિર્વાદ આપી રહી છે અને ભાજપની સરકારમાં કર્ફ્યુ નું નામ અને નિશાન નથી. ભાજપ સરકારે કેટ કેટલાય ચમરબંઘીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.
ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી, વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. ડાયમંડ ઉદ્યોગ ગુજરાતમાં ઘમ ઘમે છે. આપણું અમદાવાદ સ્પોર્ટ સિટી બન્યુ છે. જામનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનાવવાનું કામ થશે. દેશની સૌથી પહેલી ગીફટ સિટી ગુજરાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તિર્થ સ્થાનોને ભવ્યતા અને દિવ્યતા આપવાનું કામ કર્યુ છે. 25 વર્ષનું સોમનાથ અને આજનું સોમનાથ 25 વર્ષ પહેલા અંબાજી માતાના દર્શન અને આજના દર્શન, વર્ષોથી પાવાગઢ પર મા કાળીના દર્શન ન્હોતા થતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભક્તોને દર્શનનો લાભ અપાવ્યો.
2022 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દન ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને તે ભરોસાને વિકાસના કાર્યો કરી ઋણ ચુકવ્યુ છે. ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં રોકાણ કરનારની લાઇનો લાગી છે. ગીફટ સિટીથી ગુજરાતનો વ્યપાર ગ્લોબલ બનશે.
અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ વાળા પહેલા હમેંશા ટોણાં મારતા હતા કે રામ મંદિર વહી બનાયેગે… તીથી નહી બતાયેગે.. કોંગ્રેસ વાળાને કહેજો કે તીથી આવી ગઇ, ભૂમિ પૂજન થઇ ગયુ અને નરેન્દ્રભાઇના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગન ચૂંબી રામમંદિરના નિર્માણની શરૂઆત થઇ ગઇ છે. કાશી વિશ્ર્વનાથ, કેદારનાથ, બદ્રીધામ, ઉજૈન, પાવાગઢ, સોમનાથના યાત્રાધામ સામે કોંગ્રેસે ક્યારેય જોયુ નોહતું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ યાત્રાધામનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370ની કલમના કારણે કાશ્મીર ભારત સાથે જોડાતુ ન હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 5 ઓગષ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝટકે કલમ 370 ને દુર કરી નાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધુ. દેશનો ચૌમુખી વિકાસ થવાની શરૂઆત કોઇ જગ્યાએ થી થઇ હોય તો તે વર્ષ 2001માં નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી બન્યા પછી આપણા ગુજરાતથી થઇ છે. ગુજરાતે ફરી નિર્ણય કરવાનો છે કે 1990 થી ગુજરાતની જનતા એકધારી ભાજપને ઐતિહાસિક વિજય અપાવતી આવી છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પહેલા પાણી માટે ઝઝુમતો હતો. આજે ભાજપ સરકારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 10 હજાર ગામમાં એક લાખ 40 હજાર કિ.મી ની પીવાના પાણીની પાઇપ લાઇનનું ઇન્ફાસ્ટ્રકચરનું કામ થયું છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં મંદિરોનો વિકાસ થયો છે. કચ્છ આજે ટુરિઝમ સ્થળ તરીકે વિકસીત થયું છે. આજે ગુજરાત વિકાસની નવી ઉચાંઇને સિદ્ધ કરી રહ્યુ છે એટલે આ યાત્રાનું નામ ગૌરવ યાત્રા રાખવામાં આવ્યું છે. જેનું પાર્ટીના દરેક કાર્યકર્તાને ગૌરવ છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અને બીકાનેરના સાંસદ અર્જૂનરામ મેઘવાલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અથાગ પરિશ્રમથી માં નર્મદાનું પાણી ગુજરાતને તો મળ્યુ રાજસ્થાનને પણ મળ્યુ છે તે બદલ તેમનો આભાર. ગુજરાતમાં આપણે ગુડ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટના કામો થયા છે તે જોઇ શકીએ છીએ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્રભાઇ મુજપરાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં જો વિકાસના કાર્યોની વાત કરીએ તો એક મંત્રાલયની એક સપ્તાહ સુધી માહીતી આપી શકીએ એટલા કામો થયા છે. કોરોના મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં દેશ કોરોના બચી ગયો. દેશને એક નહી બે કોરોનાની રસી આપી નિ:શુલ્ક આપી. પહેલા અમુક પાર્ટીના વડા મહિલા હોવા છતા મહિલાઓનુ કલ્યાણ કરી શક્યા નથી.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયુ છે અને ભાજપના કાર્યકરો તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ આજે નબળી પડી ગઇ છે. એના કારણે ભાજપના કાર્યકરો અતિવિશ્વાસમાં ન રહે. પહેલા કોંગ્રેસને અન્ય રાજકીય પાર્ટી સમર્થન કરતી આજે અન્ય રાજકીય પાર્ટીઓ પણ કોંગ્રેસને સમર્થન આપતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી. ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસે બેનર લગાવ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષી સત્તામાં નથી. કોંગ્રેસનું કામ નથી બોલતું પણ કોંગ્રેસના કારનામાં બોલે છે. આપણી પેજ કમિટીની ફોજ અને બુથના કાર્યકરો અંતિમ સમય સુધી કામ કરે. ચૂંટણી સમયે ખોટી જાહેરાતો કરી ગુજરાતનું વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કેટલીક પાર્ટી કરશે તેમનાથી સાવચેત રહેજો. ગુજરાતની ગૌરવ યાત્રાને ગઇકાલથી જે પ્રેમ અને સમર્થન મળી રહ્યુ છે તે દર્શાવે છે કે ભાજપના શુભેચ્છકો, કાર્યકરો પુરી તાકાત સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફરી એક વાર ઐતિહાસીક વિજય ગુજરાતને અપાવશે.
આ કાર્યક્રમમાં મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અવિરત પણે ચાલી રહેલ ગુજરાતની વિકાસ યાત્રાનું સ્મરણ છે. ડબલ એન્જિનની સરકાર સૌના વિકાસ માટેની નેમ રાખે છે. ગરીબ, વંચીત, શોષીત, પીડિત દરેક વર્ગને યોજનાના લાભ આપવાનો ભાજપ સરકારનો સેવામંત્ર છે. ભાજપનો કાર્યકર સરકારમાં હોય કે પક્ષમાં તેમના માટે જન સેવા એ પહેલો ધર્મ છે. દેશના પ્રથમ સહકારીતા મંત્રી તરીકે સહકારથી સમૃદ્ધી તરફ નો માર્ગ અમિતભાઇ શાહએ દર્શાવ્યો છે. અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં મક્કમ નિર્ણયોને કારણે નળ કાંઠાનો સોર્સ વિલેજ એટલે કે સિંચાઇના પાણીથી વંચિત 32 ગામોને હવે નર્મદાનું જળ મળશે. ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યોને કારણે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે તેવો વિશ્વાસ દાખવ્યો.