‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ મોતીભાઈ વસાવાની અધ્યક્ષતામાં અનુ. જનજાતિ મોરચાની બૃહદ કારોબારી બેઠક યોજાઈ

ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ મોતીભાઇ વસાવાની અધ્યક્ષતામાં અનુસૂચિત જનજાતિ મોરચાની બૃહદ કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપા સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, મહામંત્રી ભરતસિંહ પરમાર તથા કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ.

પ્રદેશ આદિજાતિ મોરચાની બેઠકમાં હાજર અપેક્ષિત કાર્યકરોને સંબોધતા કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યુ હતુ કે, આદિવાસી સમાજ હંમેશા ભાજપા સાથે જ રહ્યો છે અને રહેશે.તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આદિવાસી વિસ્તારમાં વિકાસના ખૂબ કામો થયા છે.

વનબંધુ યોજના હેઠળ ૧૫ વર્ષમાં ભાજપા સરકારે આદિવાસી વિસ્તારમાં ૮૦,૦૦૦ કરોડના વિકાસના કાર્યો કર્યા હતા. જ્યારે કોંગ્રેસે આદિવાસી સમાજ માટે ૪૦ વર્ષમાં ફક્ત ૬૫૦૦ કરોડ રૂપિયાના કાર્યો કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે  પેસા એક્ટ ના અમલ દ્વારા આદિવાસીઓને તેમની જમીનના હક્કો  તથા વનપેદાશોના હક્કો આપી આદિવાસીઓના હિતનું ઉમદા કાર્ય કર્યુ છે.

આદિવાસી ખેડુતોની જમીન બચાવવા માટે ભાજપાએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી મનાઇ હુકમ મેળવ્યો છે જે આદિવાસી સમાજ પ્રત્યે ભાજપાની પ્રતિબધ્ધતા બતાવે છે તેમ વસાવાએ અંતમાં જણાવ્યુ હતુ.ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ આગામી કાર્યક્રમો અંગે ઉપસ્થિત કાર્યકર્તાઓને વિગતવાર માહિતી તથા માર્ગદર્શન આપ્યુ હતુ જ્યારે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.