- ચાર પૈકી એક ઉમેદવાર બહારનાં રાજયનો પણ હોય શકે: સૌરાષ્ટ્રના આઠ નેતાઓનાં નામોની ચર્ચા: આવતા સપ્તાહે ઉમેદવારના નામો કરાશે
Gujarat News
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, પુરૂષોતમભાઈ રૂપાલા, કોંગ્રેસના સાંસદ નારણભાઈ રાઠવા અને અમિબેન યાજ્ઞિકની રાજયસભાના સાંસદ તરીકેની મૂદત આગામી એપ્રીલ માસમાં પૂર્ણ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી પંચ દ્વારા રાજયસભાની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે તેવી ઘોષણા કરવામાં આવી છે.
વિધાનસભામાં સભ્ય સંખ્યાબળને જોતા તમામ ચારેય બેઠકો ભાજપને ફાળે જશે તે નિશ્ર્ચિત છે. આગામી બેથી અઢી મહિનામાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવાની હોય સત્તાધારી પક્ષ આ ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજયનાં ચારેય ઝોનમાંથી એક એક ઉમેદવારની પસંદગી કરી શકે છે. જોકે એકાદ ઉમેદવાર “પેરાશૂટ” અર્થાંત બહારનાં રાજયનો પણ આવી શકે છે.
ગુજરાતને રાજકીય સમીરણો મુજબ ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યું છે.જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. જે ચાર સાંસદો આગામી એપિલ માસમાં નિવૃત થઈ રહ્યા છે જે પૈકી બે સાંસદ ભાજપના છે જે હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી પદ ભોગવી રહ્યા છે. જયારે બે સાંસદ નારણભાઈ રાઠવા અને ડો. અમિબેન યાજ્ઞિક કોંગ્રેસના છે વિધાનસભામાં ભાજપનું સભ્ય સંખ્યા બળ 156 ધારાસભ્યોનું છે. આવામાં ચારેય બેઠકો ભાજપ જ જીતશે તે ફાઈનલ થઈ ગયું છે. કોંગ્રેસે પણ રાજયસભાની ચાર બેઠકો માટે ઉમેદવાર નહીં ઉતારવાની ઘોષણા કરી દીધી છે. એટલે ભાજપના ચારેય ઉમેદવારો મતદાન વિનાજ બિન હરિફ ચૂંટાઈ આવશે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા અને પરસોતમભાઈ રૂપાલાને ભાજપ લોકસભાની આગામી ચૂંટણીમાં મેદાનમાં ઉતારવા ઈચ્છી રહ્યું છે. જેનોબીજો અર્થ કાઢવામાં આવે તો રાજયસભાની ચારેય બેઠકો માટે ભાજપ નવા ચહેરા ઉતારશે ચાર બેઠકો માટે ચારેય ઝોનમાંથી એક એક ઉમેદવારની પસંદગી કરવામા આવે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રના બે સાંસદો નિવૃત થઈ રહ્યા છે. પરંતુ રાજયસભામાં હાલ રામભાઈ મોકરિયા અને કેસરીદેવસિંહ ઝાલા સૌરાષ્ટ્રનુય પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક જ ઉમેદવારની પસંદગીની સંભાવના હાલ દેખાય રહી છે. રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે હાલ સૌરાષ્ટ્રમાંથી આઠેક નેતાના નામો ચર્ચામાં છે. જેમાં લેઉવા પટેલ સમાજમાંથી પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી. ફડદુ, પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી ઉપરાંત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના નામોની ચર્ચા થઈ રહી છે. કડવા પટેલ સમાજમાંથી પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા, બ્રિજેશભાઈ મેરજા અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો. દિપીકાબેન સરડવાના નામો ચર્ચાય રહ્યા છે. કોળી સમાજ પર પસંદગીનું કળશ ઢોળવામાં આવે તો રાજય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિવાયના નામો બોલાય રહ્યા છે.
જો દલીત કે ઓબીસી સમાજને ટિકિટ આપવાનું નકકી કરવામાં આવે તો અન્ય પાંચથી છ નેતાના નામની ચર્ચાઓ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. આ ઉપરાંત ઉતર ગુજરતામાંથી એક, દક્ષિણ ગુજરાતમાંથી એક અને મધ્ય ગુજરાતમાંથી એક ઉમેદવારની પસંદગી કરવામાં આવે તેવું માનવામા આવી રહ્યું છે. ગુજરાત સિવાય અન્ય રાજયમાંથી એકાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાંથી એકપણ નેતાને રાજય સભામાં લઈ જવામાં આવશે નહી ભાજપ દ્વારા આવતા સપ્તાહે 12 કે 13 ફેબ્રુઆરીના રોજ રાજયસભાની ચારેય બેઠકો માટે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે.
હાલ રાજયસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા, પરસોતમભાઈ રૂપાલા ઉપરાંત રામભાઈ મોકરિયા, નરહરિ અમિન, રસિલાબેન બારા, કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ ઉપરાંત કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ, ડો.અમીબેન યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.આગામી એપ્રીલ માસમાં ભાજપ અને કોંગ્રેસના બબ્બે સાંસદો રાજયસભામાંથી નિવૃત થશે. જેના સ્થાને નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે. રાજયસભાની ચૂંટણી માટે આગામી ગુરૂવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવાર ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે.ભાજપ આવતા સપ્તાહે ઉમેદવારોના નામો જાહેર કરશે.