ગુજરાતમાં સૌથી વધુ વોટ શેર, સૌથી વધુ લીડ અને સૌથી વધુ બેઠકો જીતશે ભાજપ
ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલે આજે સવારે સુરતની મજુરા બેઠકના બુથ નંબર 114માં મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ પૂર્ણ બહુમતિ સાથે ફરી સત્તારૂઢ થશે આ વખતે ગુજરાતમાં ભાજપ નવા ત્રણ રેકોર્ડ બનાવી સત્તા હાંસલ કરશે તેવો વિશ્ર્વાસ તેઓએ વ્યકત કર્યાો હતો. ગુજરાત વિધાનસભાની આ વખતની ચુંટણીમાં ભાજપ સૌથી વધુ વોટ શેર, સૌથી વધુ બેઠક જીતવાનો અને સૌથી વધુ લીડ સાથે ભાજપના ઉમેદવારોના જીતનો રેકોર્ડ બનાવશે.
ગુજરાતની જનતાનો ભરોસો ભાજપે જાળવી રાખ્યો છે. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બન્યા બાદ ગુજરાત માટે ખુબ જ સાનુકુળ માહોલ બની ગયો છે. આ વખતે ગુજરાતમાં ભાજપ માટે પણ આનુકુળ વાતાવરણ છે કોંગ્રેસમાં નિરાશા જોવા મળી રહી છે. ભાજપ ત્રણ રેકોર્ડ સાથે સત્તારૂઢ થશે.
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કરી ‘વિજય’નો વિશ્વાસ વ્યકત કર્યો
- ભારે મતદાન થવાની આશા પણ રૂપાણીએ વ્યકત કરી
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને તેમના જીવનસંગીની અંજલીબેન રૂપાણીએ આજે સવારમાં મતદાન કર્યા બાદ એવું જણાવ્યું હતું કે, વિકાસના મુદ્દે લોકોએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકયો છે એટલે ચોકકસ ભારે મતદાન થશે. સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કયાંય વિદ્રોહ થયો નથી, કેશોદમાં અપક્ષ ઉમેદવાર લડે છે. ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી જનતા પાર્ટીના કરેલી મહેનત ભારતીય જનતા પાર્ટીને ઝળહળતો વિજય અપાવશે. અંજલીબેન રૂપાણીએ પણ કાર્યકરોની મહેનતને બિરદાવી મતદારો ભારતીય જનતા પાર્ટીને જ વિજય અપાવશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘અબતક’ ને એમ પણ જણાવ્યું કે રાજયમાં 7મી વખત સરકાર બનશે, રાજકોટની ચારેય બેઠક ઉપર ભાજપના ઉમેદવારો મોટી સરસાઇથી જીતશે.
- ભાજપ 130થી વધુ બેઠકો પર વિજય મેળવશે: પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા
પશ્ચિમ વિધાનસભા બેઠક એક સમયે નરેન્દ્ર મોદી માટે ખાલી કરી દેનાર, કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળાએ આજે સવારે મતદાન કર્યા બાદ ‘અબતક’ને એવું જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો સતત સાતમી વખત વિજય થશે અને ભારે મતદાન થશે. આ બધો શ્રેય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માઇક્રો પ્લાનીંગને મળશે. વજુભાઇ વાળાએ એમ પણ જણાવ્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી 130 કરતા વધુ બેઠકો મેળવશે. ભાજપની ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવાર તરીકે લડતા ઉમેદવારો વિષે એવું જણાવ્યું કે અપક્ષ ઉમેદવાર તરીકે અત્યાર સુધી કોઇ સફળ થયા નથી.