- કેન્દ્રમાં મંત્રી મંડળના સભ્યોને ખાતાની ફાળવણી કરાયા બાદ સંગઠનમાં પરિવર્તનનો પવન ફુંકાશે
- સંઘ વિના ભાજપનો સંઘ દ્વારકા પહોંચાડવા મથી રહ્યો છે
લોકસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન મળવાના કારણે ભાજપના પ્રથમ પંકિતના નેતાઓ સમસમી ગયા છે. એનડીએના સાથી પક્ષોના સહારે નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા છે. ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત સહિત કેટલાંક રાજયોના પ્રદેશ ભાજપ અઘ્યક્ષનો મોદી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવામાં આગામી દિવસોમાં ભાજપના સંગઠન માળખામાં ધરમુળથી ફેરફાર કરવામાં આવે તે નિશ્ર્ચીત બની ગયું છે. બહુમતીથી વંચિત રહેલા ભાજપમાં ફરી સંઘનું વજન જોવા મળશે.
લોકસભાની ચુંટણી પહેલા ભાજપ દ્વારા અબ કી બાર 400 કે પારનું સૂત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ ભાજપની વાત તો એક બાજુ રહી એનડીએનું ગઠબંધન પણ 300 બેઠક સુધી પહોંચી શકયું નથી. છેલ્લી બે ટર્મથી ભાજપે એકલાને બહુમતિ મળતી હતી. આ વખતે મોદી સરકાર સાથી પક્ષોના ટેકાથી ચાલશે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ એવું નિવેદન આપ્યું હતું કે હવે ભાજપને સંઘના સમર્થનની આવશ્યકતા નથી. ભાજપ પોતાની રીતે ચાલી શકે તેટલું મજબુત બની ગયું છે. જો કે લોકસભાની ચુંટણીના પરિણામો પરથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે સંઘ ના ટેકા વિના ભાજપનો સંઘ કયારેય દ્વારકા પહોંચી શકે તેમ નથી.
સરકાર અને સંગઠન એમ બન્ને પર પોતાનું વર્ચસ્વ રાખવાની નરેન્દ્રભાઇ મોદીની નીતી ભાજપ માટે થોડી ખતરનાક સાબિત થઇ છે. ભાજપને સત્તાના શીખરો સુધી પહોંચાડવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ખુબ જ મોટો રોલ રહેલો છે. ચુંટણીમાં સંઘના આગેવાનોને સાઇડલાઇન કરવાનું ભાજપને મોંધુ પડયું છે. હવે મોદી સરકાર સાથી પક્ષોના ટીકાને સહારે ચાલવા મજબુર બની ગઇ છે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત કેટલાક રાજયોના સંગઠનના વડાને ભાજપ કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન આપ્યું હોવાના કારણે હવે સંગઠનમાં પણ રાષ્ટ્રીય લેવલથી લઇ મંડલ કક્ષા સુધી મોટા ફેરફાર આવી રહ્યા છે. રાષ્ટ્રીય અઘ્યક્ષ સહિતની આખી ટીમ બદલી રહી છે. અતિ આત્મ વિશ્ર્વાસના કારણે ભાજપ કેન્દ્રમાં બહુમતીથી છેટુ રહ્યું છે.
હવે ફરી સંઘ પાસે જવા સિવાયનો કોઇ છુટકો ભાજપ પાસે રહ્યો નથી. ભલે અલગ અલગ રાજયોની ચુંટણીમાં ભાજપને ધાર્યા પરિણામો મળ્યા હોય પરંતુ અયોઘ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવા છતાં લોકસભાની ચુંટણીમાં ભાજપની સ્થિતિ સાથે પક્ષો પર નિર્ભર રહેવાની મજબુરી આવી છે.
આગામી દિવસોમાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખથી માંડી મંડલ કક્ષાએ મોટા ફેરફાર કરવામાં આવશે. નવા રાષ્ટ્રીય પ્રમુખની વરણી બાદ અલગ અલગ રાજયોના નવા અઘ્યક્ષની વરણી કરવામાં આવશે ત્યાર બાદ મંડલ વોર્ડ વાઇઝ નવા હોદેદારોની નિયુકિત કરવામાં આવશે ભાજપના ટોચના તમામ કદાવર નેતઓએ કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવી લેવામાં આવ્યા છે. હવે રાષ્ટ્રીય અઘ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવશે તેના પર મીટ મંડાયેલી છે. અનુરાગ ઠાકુરને ભાજપ પક્ષની જવાબદારી સોંપે તેવું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રમાં પાંચ વર્ષ સુધી સ્થીર સરકાર ચલાવવી ભાજપ માટે સૌથી મોટો પડકાર છે. જો સાથી પક્ષો ટેકો પાછો ખેંચી લ્યે અને ઇન્ડીયા ગંઠબંધનને ટેકો આપે તો તેની સરકાર રચાય અને આ સરકારનું આયુષ્ય પણ ઓછું રહે તો દશેમાં મઘ્યસત્ર ચુંટણી આવી શકે છે. આવામાં જો ફરી પૂર્ણ બહુમત સાથે સત્તા હાંસલ કરવી હોય તો ભાજપે ના છુટકે સંઘના શરણે જવુ પડે આવામાં સંઘને વિશ્ર્વાસમાં લઇને નવા રાષ્ટ્રીય અઘ્યક્ષની નિયુકિત કરવામાં આવશે.
નવી સરકારમાં તમામ મંત્રીઓને પોર્ટ ફોલીયોની ફાળવણી કરાયા બાદ ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણુંક સહીત સંગઠન માળખાની રચનાની પ્રક્રિયા હાથ ધર લેવામાં આવશે. એક વાત નિશ્ર્ચીત છે કે ભાજપ દ્વારા સંગઠન માળખામાં મોટા ફેરયાર કરાશે.
- મોદી મંત્રી મંડળમાં ગુજરાતનું “કદ” ઘટયું “વજન” વધ્યું
- ગુજરાતના પાંચ સાંસદો કેબિનેટ મંત્રી: “મોટા” મંત્રાલય મળશે
અમિત શાહને ગૃહમંત્રી, એસ. જય શંકરને વિદેશ મંત્રી, જે.પી.નડ્ડાને સહકાર કે શહેરી વિકાસ મંત્રી, ડો.મનસુખ માંડવિયાને આરોગ્ય મંત્રી અને સી.આર. પાટીલને કાપડ મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીની ત્રીજી ઇનીંગનો ગઇકાલથી વિધિવત આરંભ થઇ ચૂકયો છે. નવા કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતનું કદ ચોકકસ ધટયું છે. પરંતુ વજન વધુ છે. ગત ટર્મમાં ગુજરાતના સાત સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે પૈકી ચાર સાંસદો કેબિનેટ મંત્રી હતા. જયારે ત્રણ સાંસદો રાજય કક્ષાના મંત્રી હતા. ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઇએ ગુજરાતના છ સાંસદોને મંત્રી પદ આપ્યા છે. જેમાં પાંચ સાંસદોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે એક સાંસદને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. 7ર સભ્યોમાં મંત્રી મંડળમાં ગુજરાતના સૌથી વધુ પાંચ સાંસદોને કેબિનેટ મંત્રી બનાવાયા છે. ગુજરાતના રાજયસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, ઉપરાંત રાજયસભાના અન્ય એક સાંસદ એસ. જયશંકર, ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહ, પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયા, નવસારીના સાંસદ સી.આર. પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા જયારે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણીયાએ રાજય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
ભાજપના કદાવર નેતા અમિતભાઇ શાહને ફરી એક વખત ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. તેઓની પાસેથી સહકાર મંત્રીનો પોર્ટ ફોલીયો પરત લઇ લેવામાં આવે તેવું લાગી રહ્યું છે. જે.પી. નડ્ડાને સહકાર મંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે તેઓને શહેરી વિકાસ મંત્રી બનાવવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. ગુજરાતના રાજયસભાના સાંસદ એસ. જય શંકરને વિદેશ મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવશે જયારે ડો. મનસુખભાઇ માંડવીયાને આરોગ્ય મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવશે તેવું મનાય રહ્યું છે. નવસારી લોકસભા બેઠક પરથી છેલ્લા ચાર ટર્મથી તોતીંગ લીડ સાથે જીતી રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલને મોદી સરકારમાં કાપડ મંત્રીનું પદ મળે તેવું ચર્ચાય રહ્યું છે. ગુજરાતના પાંચ સીનીયર સાંસદોને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે તે તમામને હેવી વેઇટ પોર્ટ ફોલીયો મળે તેવું માનવામાં આવી રહ્યું છે. જયારે ભાવનગરના સાંસદ નીમુબેન બામણીયાને રાજય કક્ષાના મંત્રી બનાવાયા છે તેઓને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બનાવવામાં આવે તેવું મનાય રહ્યું છે.
મોદી સરકારની ગત ટર્મમાં ગુજરાતના સાત સાંસદો મંત્રી હતા આ વખતે છ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રમાં ગુજરાતનું કદ ચોકકસ ઘટયું છે પરંતુ વજત વઘ્યું છે.
મંત્રી મંડળમાં હજી 9 જગ્યાઓ ખાલી!
નરેન્દ્રભાઇ મોદીને ગઇકાલે ભારતના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. ત્રીજી ટર્મમાં સૌથી વધુ 72 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. લોકસભાની 543 બેઠકો છે કુલ બેઠકના 1પ ટકા સુધી સભ્યોને મંત્રી બનાવી શકાતા હોય છે. આવામાં કેન્દ્રીય મંત્રી મંડળમાં 81 સભ્યોનો સમાવેશ કરી શકાતુ હોય છે. વડાપ્રધાન સિવાય 80 મંત્રીઓ હોય છે. ત્રીજી ટર્મમાં 7ર સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. હજી 9 જગ્યાઓ ખાલી છે. એનસીપીએ રાજય કક્ષાનું મંત્રી પદ સ્વીકાર્યુ નથી. અન્ય સાથી પક્ષો પણ વધારે મંત્રી માંગી શકે તેવી સંભાવનાના ઘ્યાનમાં રાખી 9 જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે.
સતત ચોથી વખત જીત્યાં બાદ પાટીલને કેન્દ્રીય ‘કેબિનેટ મંત્રી’નું પદ મળ્યું
નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સી આર પાટીલને અંતે મોદીની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. 35 વર્ષની રાજકીય સફરમાં પાટીલ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે.
હાલ સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા જ હોદ્દા હતા. છેલ્લી બે ટર્મમાં તેમણે લીડનો પણ રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1998થી 2004 સુધી કાશીરામ રાણાએ કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું અને કેન્દ્રીય કાપડમંત્રી નિમાયા હતા. 2009માં નવસારી બેઠક અસ્તિત્વમાં આવી અને પહેલીવાર પાટીલને ટિકિટ મળી હતી. આ ચૂંટણીમાં પાટીલે કોંગ્રેસના ઉમેદવારને 1.25 મતોની સરસાઈથી હરાવ્યા હતા. 2014માં પાટીલે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજીત કર્યા હતા. 2019માં દેશમાં સૌથી વધુ 6.89 લાખની સરસાઇ સાથે કોંગ્રેસના ધર્મેશ પટેલને પરાજીત કર્યા હતા. 2024માં કોંગ્રેસના નૈષેધ દેસાઇને 7.73 લાખના માર્જીનથી પરાજીત કર્યા છે. સુરતથી કેન્દ્રમાં મંત્રી બનનારપાટીલ ચોથા સાંસદ છે. જોકે, હાલ મંત્રાલય ફાળવણી બાકી છે. રાજકીય ચર્ચા મુજબપાટીલને રેલવે મંત્રાલય મળી શકે છે. 2021માં દર્શના જરદોશને રેલ–ટેક્સટાઇલ રાજ્ય મંત્રી તરીકે નિમાયા હતા.
પાટીલની રાજકીય સફર 25 ડિસેમ્બર 1989માં ભાજપમાં જોડાયા, 1996-1997 ચેરમેન, જીઆઇડીસી, 1998થી 2002 ચેરમેન, જીએસીએલ, બીજેપી ટ્રેઝર, સુરત સિટી, 1998માં ભાજપ વાઇસ પ્રેસિટેન્ડ, સુરત સિટી, ચેરમેન, એરપોર્ટ એક્શન કમિટી, એડવાઇઝરી કમિટી–ચીફ મિનિસ્ટર, એડવાઇઝરી કમિટી, રેવન્યુ મિનિસ્ટ્રી, ગર્વમેન્ટ ઓફ ગુજરાત, ઇન્ચાર્જ 8 મ્યુનિ. વોર્ડ, 2005 પાલિકા ચૂંટણી, 2009 પ્રભારી, વલસાડ જિલ્લા, 2009માં નવસારીથી પહેલીવાર સાંસદ બન્યા, 2014, 2019, 2024માં ચૂંટણી જીત્યા, 2020માં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ત્યારબાદ 2024માં કેન્દ્રના કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
ડો.મનસુખ માંડવિયાને સતત બીજી વખત કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન
મોદી સરકારમાં ખાસ કરીને કોરોના વખતે કરેલી કામગીરીના ફળ મનસુખ માંડવીયાને મળ્યા છે.મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદે તક આપવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધીત્વના ભાગરુપે માંડવિયાને મંત્રીપદ અપાયુ છે જ્યારે રુપાલાની બાદબાકી કરાઈ છે.
મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં મનસુખ માંડવિયાનો સમાવેશ કરાયો છે. નરેન્દ્ર મોદીએ ફરી માંડવિયા પર ભરોસો મૂક્યો છે અને પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે, પોરબંદરના કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ હોય. પોરબંદરના પહેલા સાંસદ એવા છે જે કેન્દ્રીય મંત્રી બન્યા છે. મનસુખ માંડવિયાને ભાજપે પોરબંદરથી ટીકીટ આપી હતી. અહીં તેમની સાથે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર મનસુખ માંડવિયાની 383360 મતોથી જીત થઈ હતી. તેમને કુલ 633118 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના લલિત વસોયાને કુલ 249758 મત મળ્યા હતા.
મનસુખ માંડવિયા મૂળ ભાવનગરના છે તે એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને તેના પિતા વ્યવસાયે ખેડૂત હતા. માંડવીયા પાટીદાર સમાજના લેઉઆ સમુદાયના છે, જેને ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. મનસુખભાઈ શરૂઆતથી જ સારો અભ્યાસ કર્યો છે અને તેના પરિવારમાં સૌથી નાના છે. તેને કુલ ચાર ભાઈઓ છે, જેમાંથી તે સૌથી નાનો હોવાનું કહેવાય છે. બીજેપીના અન્ય નેતાઓની જેમ મનસુખભાઈએ પણ પ્રારંભિક જીવન એબીવીપી અને સંઘ સાથે વિતાવ્યું છે.
જેઓ તેમને ઓળખે છે તેઓ કહે છે કે માંડવિયાએ ભાજપની યુવા પાંખ, સંઘ અને એબીવીપી સાથે કામ કર્યું છે. એવું માનવામાં આવે છે કે તેમણે તેમની રાજકીય સફર પણ અહીંથી શરૂ કરી હતી. એક સમયે માંડવિયા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. માંડવિયા માત્ર 28 વર્ષની ઉંમરે પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા અને સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. જાણકારોનું કહેવું છે કે મનસુખ માંડવિયાને પદયાત્રાઓ કાઢવાનો ઘણો શોખ છે, તેઓ રાજકારણમાં યાત્રાઓનું મહત્વ સારી રીતે સમજે છે. આ કારણોસર, તેમણે 2005માં ધારાસભ્ય તરીકે તેમની પ્રથમ 123 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢી હતી. આ પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો અને માંડવીયાએ અનેક પદયાત્રાઓ કાઢી. ગત લોકસભા ચૂંટણી દરમિયાન માંડવિયાએ 150 કિલોમીટર લાંબી યાત્રા કરી હતી.
પ્રથમવાર સાંસદ બનીને સીધા જ રાજયમંત્રીનું પદ મેળવતાં નિમુબેન બાંભણીયા
કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યસભાના મંત્રી તરીકે ભાવનગર લોકસભા બેઠક પરથી જીતેલા નિમુબેન બાંભણિયાને સ્થાન મળ્યું છે. ભૂતકાળમાં બે વખત મેયર રહી ચૂકેલા નિમુબેન બાંભણીયા અત્યંત સ્વચ્છ છબી ધરાવતા નેતા છે. તેઓ પહેલીવાર લોકસભામાં ચૂંટાઈને મંત્રીમંડળ સુધી પહોંચી ગયા છે. તે પહેલા તે બે વખત મેયર રહી ચૂક્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી તેના વર્તમાન ધારાસભ્ય ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે ભાજપે નિમુબેન બાંભણીયાને મેદાનમાં ઉતાર્યા હતા. બાંભણિયાએ લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. તેમણે 7.16 લાખથી વધુ મત મેળવ્યા અને આપ ઉમેદવારને 2.61 લાખ મતોથી હરાવ્યા.
નિમ્બુબેન તળપદા કોળી સમુદાયમાંથી આવે છે. નિમુબેન બાંભણીયાએ ભાવનગરના ઘોઘા શેરી વિસ્તારમાંથી કોર્પોરેટરની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ત્રણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. તેમને બે વખત મેયર બનવાની તક મળી. નિમુબેને ભાજપના સંગઠન માટે પણ કામ કર્યું છે. તે સુરેન્દ્રનગર ભાજપના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે તેમને લોકસભાની ટિકિટ મળી હતી. ત્યારે નિમુબેન જૂનાગઢનો હવાલો સંભાળતા હતા. નિમુબેન વ્યવસાયે શિક્ષક હતા. તે એક શાળા ચલાવે છે. તેના પતિ પણ શિક્ષક છે. શિક્ષકની છાપ તેમના જીવનમાં દેખાય છે. તેઓ ખૂબ જ આદર્શ અને સંયમિત વર્તન ધરાવે છે. જ્યારે તેઓ મેયર હતા ત્યારે તેમના પરિવારના સભ્યોને સરકારી વાહનોનો ઉપયોગ કરવાની મંજૂરી નહોતી.
નિમ્બુબેન શિક્ષિકા હોવા છતાં, તેઓ કોર્પોરેટર પદેથી મેયર બન્યા. વર્ષ 2024 તેના માટે એક નવી સફર લઈને આવ્યું. પહેલા તે સાંસદ બન્યા. આ પછી તેમને કેન્દ્ર સરકારમાં સીધા મંત્રી બનવાની તક મળી. નિમુબેન ડિસેમ્બર 2015 થી જૂન 2018 અને 2009 થી 2010 એમ બે વખત ભાવનગરના મેયર પણ હતા. લોકો આજે પણ તેમના કાર્યકાળને યાદ કરે છે. તેઓ ગુજરાતના એકમાત્ર મહિલા સાંસદ છે જેમને મંત્રી બનવાની તક મળી છે. સુરતના સાંસદ દર્શના જરદોશ અગાઉની સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી હતા. ગુજરાતમાંથી કુલ ચાર મહિલાઓ સાંસદ બની છે. જેમાંથી ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે. નિમુબેન, શોભના બારૈયા પ્રથમ સાંસદ બન્યા છે, જ્યારે પૂનમ માડમ ત્રીજી વખત જામનગરમાંથી જીત્યા છે.
મોદીએ ચાર્જ સંભાળ્યો, સાંજે કેબિનેટ: મંત્રીઓને ખાતાની ફાળવણી
અમિત શાહ અને રાજનાથ સિંહના ખાતામાં કોઈ ફેરફાર કરવામાં ન આવે તેવી શકયતા: કેબિનેટમાં સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ થશે ચર્ચા
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેમની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાંથી 11 સાથી પક્ષોના છે. હવે કેબિનેટની પ્રથમ બેઠક આજે સોમવારે સાંજે 5 વાગ્યે પીએમ આવાસ પર યોજાશે અને ત્યારબાદ રાત્રિભોજન થશે.
મિટિંગમાં મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી શકે છે. સરકારના પ્રથમ 100 દિવસના રોડ મેપ પર પણ ચર્ચા કરવામાં આવશે. માનવામાં આવે છે કે અમિત શાહ અને રાજનાથ સિંહના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવશે નહીં. અગાઉની જેમ શાહ ગૃહમંત્રી અને રાજનાથ સંરક્ષણ મંત્રી રહેશે.
સૌની નજર મહાગઠબંધનમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના સાંસદોને આપવામાં આવનારા મંત્રાલયો પર રહેશે. આ સિવાય કેબિનેટમાં સામેલ પૂર્વ મુખ્યમંત્રીઓને પણ મહત્વના વિભાગો મળવાની આશા છે. કેબિનેટમાં એવા 32 સાંસદો છે જે પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે, જેમાં પૂર્વ સાંસદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટર, કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામી અને રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીનો સમાવેશ થાય છે.
23 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હીમાં પીએમ મોદીએ મંત્રીઓને આગામી 5 વર્ષનો રોડમેપ અને 100 દિવસનો એક્શન પ્લાન બનાવવા કહ્યું હતું. અધિકારીઓને આચાર સંહિતા દરમિયાન આના પર હોમવર્ક કરતા રહેવાની સૂચના અપાઈ હતી. 5 એપ્રિલે રાજસ્થાનના ચુરુમાં એક ચૂંટણી રેલીમાં મોદીએ પોતે કહ્યું હતું કે, અમે 10 વર્ષમાં જે કામ કર્યું તે એક ટ્રેલર હતું, સંપૂર્ણ ચિત્ર આવવાનું બાકી છે. 100 દિવસમાં સરકાર વન નેશન–વન ઇલેક્શન, યુનિફોર્મ સિવિલ કોડ, મુસ્લિમ આરક્ષણ, પૂજા સ્થાનોના કાયદામાં ફેરફાર, દિલ્હી માસ્ટર પ્લાન, વક્ફ બોર્ડ, મહિલા આરક્ષણ, 70 વર્ષની વયના લોકો માટે મફત સારવાર, પેપર લીક નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાયદો, સીએએનો સંપૂર્ણ અમલ, યુનિયન બજેટ, નવી શિક્ષણ નીતિ, વસ્તી ગણતરી, લખપતિ દીદીની સંખ્યા 3 કરોડ સુધી લઈ જવી, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, ખેડૂતો માટે તેલના બીજ અને કઠોળ પર ધ્યાન, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવી રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર ફોકસ કરવુ, સ્કેલ, અવકાશ, ઝડપ, કૌશલ્યના એજન્ડા પર કામ કરવું સહિતના મુદા સમાવવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા જ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નવી સરકારના આગામી 100 દિવસની યોજના પર કામ કરી રહ્યા છે. 100 દિવસના કાર્યસૂચિમાં કૃષિ, નાણાં, સંરક્ષણ અને ટૂંક સમયમાં પૂર્ણ થનારા પ્રોજેક્ટ્સમાં જરૂરી સુધારાનો પણ સમાવેશ થાય છે. સરકારના ટોચના એજન્ડામાં સમાવિષ્ટ સુધારાઓમાં સેનામાં થિયેટર કમાન્ડની રચના પણ સામેલ છે.