રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓનાં ઢોલ ઢબુક્યા છે..! વોટિંગ આઠમી ડિસેમ્બર-22 પહેલા થઇ જશે એ પણ નક્કી છે. મતલબ કે હવે ગમે ત્યારે ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરશે. ક્યારે કરશૈ એ કેન્દ્ર સરકારને ખબર છે એટલે જ હાલમાં દરરોજ હજારો કરોડ રૂપિયાનાં વિકાસકામોની જાહેરાત થઇ રહી છે. આંકડા જોઇએ તો છેલ્લા દોઢેક મહિનનાં સમયગાળામાં ગુજરાતમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની સહાયથી શરૂ થનારા આશરે બે લાખ કરોડ રૂપિયાનાં વિકાસકામોની જાહેરાત થઇ ચુકી છે. આમાંથી આશરે 1.75 લાખ કરોડનાં પ્રોજેક્ટ તો એવા હતા જે મહારાષ્ટ્રમાં આવવાનાં હતા અને ગુજરાતમાં ચાલ્યા ગયા છે, કદાચ થેન્કસ ટુ કેન્દ્રમાં ભાજપનાં ગુજરાતીઓની સરકાર…!
ઓક્ટોબર-22 નાં ત્રીજા અઠવાડિયામાં મોદીજીએ રાજકોટ, જામનગર અને મોરબી જીલ્લાઓ માટે 7710 કરોડ રુપિયાનાં વિકાસકામોની જાહેરાત કરી. જેમાં રાજકોટનાં અમુલ પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ મહારાષ્ટ્રનાં તાલેગાંવ વિસ્તારમાં વેદાંતા- ફોક્સકોન કંપની 1.54 લાખ કરોડનો સેમીકંડ્કટર ઉત્પાદનનો પ્લાન્ટ શરૂ કરવાની હતી. પણ અચાન્ક સપ્ટેમ્બર-22 માં આ પ્લાન્ટ ગુજરાતનાં ધોલરામાં શિફ્ટ થઇ ગયો. બાકી હોય તો ટાટાનો એરબસ ઉત્પાદનનો 22000 કરોડનાં ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન્ટ વડોદરામાં ગોઠવાઇ ગયો. આ પ્લાન્ટ અગાઉ નાગપુર પાસે મિહાન ખાતે ઉભો થવાનો હતો, નિતીન ગડકરી સાહેબ તથા ઉદ્યોગ મંત્રી ઉદય સામંત આ પ્લાન્ટને નાગપુર પાસે સ્થાપવા માટે આકાશ-પાતાળ એક કરી ચુક્યા છે.
સપ્ટેમ્બર-22 માં કેન્દ્ર સરકારે હિમાચલ પ્રદેશ, ગુજરાત તથા આંધ્રપ્રદેશમાં બલ્ક ડ્રગ્સ પાર્ક ઉભા કરવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી એટલે હવે આશરે 3000 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં સ્થપાવાનાં બદલે આ રાજ્યોમાં જતા રહેશે. આમેય તે ગુજરાત અને હિમાચલ દવા બનાવવાનાં પીંઠા છે તેથી મહત્તમ લાભ આ બન્ને રાજ્યોને થશે. ટાટાનાં એરક્રાફ્ટ પ્રોજેક્ટથી આશરે 10000 લોકોને સીધી રોજગારી મળવાની છે. ઓદ્યોગિક વર્તુળો જણાવે છે કે મહારષ્ટ્રમાંથી ગુજરાત ગયેલા પ્રોજેક્ટસમાં કુલ એક લાખ લોકોને રોજગાર આપવાની ક્ષમતા છે. આ ઉપરાંત આડકતરા કારોબારી લાભની તકો અલગ ગણાશે.
આ અગાઉ નવરાત્રી પુરી થઇ કે તરત જ વડાપ્રધાન ગજરાત આવીને મોઢેરામાં 3900 કરોડ રુપિયાનાં વિકાસ કામોના ભૂમિપૂજન કરી ગયા છે. જેમાં મોઢેરાને સંપૂણ સૌર ઉર્જા આધારિત નગર બનાવવાનો પ્રોજેક્ટ પણ સામેલ છે.
મોરબીમાં સિરામિક પાર્ક ઉભો કરવાનો હોય કે નવા બ્રિજ ખુલ્લા મુકવાના હોય, કે નર્મદાની કેનાલ શરૂ કરવાની હોય તો પણ મોદીજી આંટો મારી રહ્યા છે. સંકેત સાફ છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ કોઇ મુખ્યમંત્રીનાં નામે નહીં પણ કેન્દ્રમાં મોદીજીની સરકાર છૈ જે અઢળક લાભ કરાવી રહી છે એવો પ્રચાર-પ્રસાર કરવાનાં ભાજપનાં પ્રયાસો છૈ.આ તો માથે ચૂંટણીઓ છે એટલે બાકી રહેલા અને કરવાનાં કામોની યાદી બનાવીને જાહેર કરાઇ રહી છે. બાકી કેન્દ્ર સરકારે ડાયમંડ માર્કેટ સુરત ખસેડવાની, દેશનાં મોટા સ્ટોક, કોમોડિટી, બુલિયન અને કરન્સીનાં એક્સચેન્જોને મુંબઇથી ગાંધીનગર ગિફ્ટ સીટીમાં લઇ જવાની પેરવી પણ આ સરકારને આભારી જ ગણી શકાય. રાજકોટમાં એઇમ્સ ઉભી કરવાથી માંડીને ચોટીલામાં હીરાસર આંતરરાષ્ટ્રિય એરપોર્ટ ઉભું કરવા માટે રાજ્ય સરકારે ટહેલ નાખી અને દિલ્હીનાં દરબારમાં ઘરની ખેતીમાંથી રીંગણ તોડવાના હોય એટલી આસાનીથી મંજુરી લઇ આવવાની ક્ષમતા ભાજપે દેખાડી છે. પરંતુ આ બધા કામો સામે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટીનાં આગમને મોંઘવારી, શિક્ષણ તથા આરોગ્ય જેવા મુદ્દાને પ્રાધાન્ય આપી દીધું છે જે સરકાર માટે નવો પડકાર બની શકે છે. આમેય તે ગુજરાતમાં અઢી દાયકાથી ભાજપનું એક હથ્થુ શાસન છૈ. પરંતુ આગામી ચૂંટણીઓ એટલા માટે મહત્વની છે કારણ કે દોઢ વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. એટલે સરકાર યેન કેન પ્રકારે પણ જનતાને વિકાસનો અહેસાસ કરાવવા માંગે છે..! એટલે જ આ વખતે હિન્સુત્વ કરતા વધારે વિકાસનાં ઢોલ વાગી રહ્યા છૈ.