ગઠબંધનના ગણિતમાં ભાજપ વિજેતા
બંગાળની ૪૨ બેઠકો પર ચોપાંખીયો જંગ: ભાજપ અને તૃણમુલ વચ્ચે સીધો જંગ; કોંગ્રેસ-ડાબેરીઓ હાંસિયામાં ધકેલાયા
લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતની ચૂંટણીમાં સફળતાનો દારોમદાર સફળ ગઠ્ઠબંધન પર આધાર રાખનારો છે. ત્યારે સફળ ગઠ્ઠબંધન બનાવવા દેશના મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
છેલ્લા થોડા દાયકાઓથી દેશના મોટાભાગના રાજયોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ વધ્યું છે જેથી મુખ્ય રાજકીય પક્ષોનો પણ પ્રાદેશિક પક્ષો સાથે ગઠ્ઠબંધન કરવું મજબુરી સમાન બની ગયું છે. જેથી, પ્રાદેશિક પક્ષો ટીએમસી, ટીડીપી, જનતાદળ બીજુ, જનતાદળ (યુ) સપા, બસપા, વગેરેનું કેન્દ્રના રાજકારણમાં મહત્વ વધી ગયુ છે.
હાલ દેશમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશને બાદ કરતા તમામ રાજયોમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો છે. જેથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા ભાજપ અને કોંગ્રેસે આવા પ્રાદેશિક પક્ષોનો સહારો લઈને તેમની સાથે ગઠ્ઠબંધન કરવું પડે છે. વડાપ્રધાન મોદીને ફરીથી સત્તામાં આવતા રોકવા વિપક્ષોએ મહાગઠ્ઠબંધન કરવાની જાહેરાતો કરી હતી.
પરંતુ વિપક્ષોમાં ‘એક તાણે ને તેર તુટો જેવો’ ઘાટ હોય વિપક્ષી મહાગઠ્ઠબંધનના હજુ સુધી ઠેકાણા નથી જયારે, ભાજપે અનેક પ્રાદેશિક પક્ષો સાથે ગઠ્ઠબંધન કરી લઈને ચૂંટણી પહેલા વિજય તરફ દોટ મૂકી છે. જયારે પશ્ર્ચિમ બંગાળની ૪૨ લોકસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી ૨૦ બેઠકો એકલેહાથે જીતવા ભાજપો ઘણા સમયની રાજકીય વ્યૂહ બનાવ્યો છે. જેના ભાગ‚પે ભાજપ બંગાળમાં સતત લડાયક મહેનત કરી રહ્યું છે.
જયારે, મોદીને રોકવા વિપક્ષોની આગેવાની લેનારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેર્નજીએ કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન કરવાના બદલે એકલે હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે જેથી કોંગ્રેસ બંગાળમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સીપીએમ સાથે ગઠ્ઠબંધન કરવા પ્રયાસો કર્યા હતા.
પરંતુ, સીપીએમે કોંગ્રેસને ૪૨માંથી માત્ર ૧૦ જેટલી બેઠકો આપવાની તૈયારી દર્શાવી હતી. બંને પક્ષો વચ્ચે ગઠ્ઠબંધન માટેની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં સીપીએમે પોતાના ૨૫ ઉમેદવારોની યાદી જાહેર કરી દેતા બંને વચ્ચે ગઠ્ઠબંધનની ચર્ચાઓ પડી ભાંગી હતી. બંગાળના કોંગ્રેસના વડા, સોમેન મિત્રાએ આ અંગે જણાવ્યું હતુ કે અમો સ્વમાનના ભોગે ડાબેરીઓ સાથે ગઠ્ઠબંધન કરવા નથી માંગતા જેથી અમો બંગાળમાં એકલે હાથે ચૂંટણી લડીશું.
આ ઘટનાક્રમ વચ્ચે બંગાળના લઘુમતી મુસ્લિમોએ રાજયમાં ભાજપની વિજયકૂચને રોકવા તૃણમુલ કોંગ્રેસને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ઓલ બંગાળ લઘુમતી યુથ ફેડરેશનના મહામંત્રી મોહંમદ કામ‚ઝમનને જણાવ્યું હતુ કે મમતા સરકારના શાસનમાં થયેલા કોમી રમખાણોમાં લઘુમતિઓનો મોટાપાયે નુકશાની અને મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
આ કોમી હિંસામાં સેંકડો મુસ્લિમોના મૃત્યુ પણ થયા હતા તેમ છતાં કોમવાદી માનસિકતા ધરાવતા ભાજપને રોકવા તૃણમુલ કોંગ્રેસને ટેકો આપવાનો નિર્ણય મુસ્લિમોએ કર્યો છે. જો કોંગ્રેસ સીપીએમ વચ્ચે ગઠ્ઠબંધન થશે તો મુસ્લિમો તૃણમુલ કોંગ્રેસને આપેલા ટેકા અંગે પુન: વિચારણા કરશે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં મુસ્લિમોની વસ્તી મતદારોનાં ૩૦ ટકા જેટલી છે અને રાજયની ૧૬ થી ૧૮ બેઠકો પર મુસ્લિમા મતદારો નિર્ણાયક સાબિત થતા આવ્યા છે. દક્ષિણ બંગાળના રાયગંજ, કુચબિહાર, બાબુરધાર, માલદા ઉતર, માલદા દક્ષિણ, મુર્શિદાબાદ, ડાયઝંડ ડાર્બર, ઉબુબેરીયા, હાવરા, બીરભમ, કાંઠી, તમલુક, જોયાંગ વગેરે મુસ્લિમ બહુમતિવાળી બેઠકો છે.
તૃણમુલ હાલમાં રાજયના લઘુમતી મતો પર ભારે પ્રભાવ ધરાવે છે. પરંતુ મમતા સરકારનાં છેલ્લા ચાર વર્ષમાં કોમી હિંસાના સેંકડો બનાવો બન્યા છે. જેમાં લઘુમતીઓને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હોય લઘુમતીઓમાં તૃણમુલથી નારાજગી જોવા મળે છે. પરંતુ ભાજપને રોકવા લઘુમતી મતદારો પાસે તૃણમુલ સિવાય એકપણ મજબૂત વિકલ્પ નથી.
લઘુમતિ મુસ્લિમોએ ખૂલ્લેઆમ મમતાની તૃણમુલ કોંગ્રેસને આગામી ચૂંટણીમાં ટેકો આપવાની જાહેરાત કરતા હિન્દુ મતદારો પર તેની સીધી અસર પડે છે. અને તેઓ ભાજપ તરફ જાય તેવી સંભાવના રાજકીય નિરીક્ષકો જોઈ રહ્યા છે.બંગાળમાં હાલની સ્થિતિ જોતા ભાજપ, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરી અને કોંગ્રેસ વચ્ચે ચોપાંખીયો જંગ થવાની સંભાવનાઓ છે. આગામી ચૂંટણીમાં ભાજપને તેના નિશ્ચિત મતો મળવાની જયારે વિપક્ષોના મતો ત્રણ પાર્ટીઓ વચ્ચે વહેચાઈ જવાની સંભાવના છે. જેથી અત્યાર સુધીમાં બંગાળમાં એકપણ સીટ ન જીતનારા ભાજપ માટે શ્રેષ્ઠ તકો ઉભી થવા પામી છે.
ન હોય… ભારતમાં અધધ ૨૨૯૩ રાજકીય પક્ષોનો રાફડો
વિશ્ર્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં સૌથી વધુ મતદારો હોય તો પછી રાજકીય પક્ષોની સંખ્યા પણ શા માટે ઓછી રહેવી જોઇએ. દેશમાં ભરોસા પાર્ટી દ્વારા સબકો બડી પાર્ટી અને સાફ નીતિ પાર્ટી ૨૦૧૯ના ચૂંટણી ટાણે સંગ્રામમાં મેદાનમાં રહેલા કુલ ૨૩૦૦ રાજકીય પક્ષોમાં સામેલ છે. લોકસભભાની ચુંટણીના જાહેરનામા પૂર્વે ૯ માર્ચ સુધીના રાજયકીય પક્ષોના આંકડાઓ મુજબ દેશમાં અત્યારે કુલ ૨૨૯૩ રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે.
તેમાં મુખ્ય સાત રાષ્ટ્રીય અને ૫૯ પ્રાદેશિક પક્ષોનું સમાવેશ થાય છે જેમાં ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં જ ચુંટણીના ધમધમતા માહોલ વચ્ચે જ વધારાના ૧૪૯ પક્ષોનો તાજો ઉમેરો થયો છે. આ વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં દેશમાં ૨૧૪૩ રાજકીય પક્ષોનું અસ્તિત્વ હતું તેમાં ચુંટણી પંચમાં મઘ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મિઝરોરમ અને છત્તીસગઢમાં યોજાતાની ચુંટણીઓ પહેલા નવેમ્બરથી ડીસેમ્બરમાં વધુ ૧પ૮ પક્ષોનો ઉમેરો થયો હતો.
બહુજન આઝાદ પાર્ટી, સીતામઢી બિહાર, સામુહિક એકતા પાર્ટી, કાનપુર, ઉત્તરપ્રદેશ, રાજકીય સાહનિતિ પાર્ટી, જયપુર રાજસ્થાન, સબ સે બદી પાર્ટી દિલ્હી ભરોસા પાર્ટી, તેલંગાણા અને ન્યુજનરેશન પીપલ પાર્ટી કોઇમ્તુર, તામિલનાડુનો સમાવેશ થાય છે. નવા પક્ષોને પોતાના સ્વાયત્ત ચુંટણી ચિહન મળતા નથી. નવા રાજકીય પક્ષોને ચુંટણીમાં કુલ મતની સંખ્યામાં નિક્ષિત ટકાવારીમાં મત મેળવવા માટે જ પોતાનો સ્વાયત ચુંટણી ચિહન મળે છે. આવા નવા પક્ષોને ૮૪ જેટલા વિવિધ ચિહનોમાંથી કોઇપણ ચિહન પર ચુંટણી લડવી પડે છે. ગત લોકસભાના અને વિધાન સભાની ચુંટણીમાં જનાધાર અને બેઠકો મેળવવા માટે લધુતમ માપદંડો પ્રાપ્ત કર્યા હોય તેમને પોતાનો સ્વાયત ચુંટણી ચિહન મળે છે.
રાજકીય પક્ષો દ્વારા નાણાંકીય ભંડોળ અને ચુંટણી ખર્ચ માટેના લાભોનો ગેરફાયદો ઉઠાવવાની આશંકાના પગલે ચુંટણી પંચ ૨૦૧૬માં સીબીડીટીને દેશના ૨૫૫ માન્ય રાજકીય પક્ષો પર દેખરેખ રાખવાનું અને ર૦૦૫ થી ૨૦૧૫ ના દાયકામાં કોઇપણ ચુંટણીમાં ભાગ ન લેનાર પક્ષોના આર્થિક વ્યવહાર ચકાસીને રાજકીય પક્ષોના નામે કાળા-ધોળા થતા નથી ને ? તેની તપાસની હિમાયત કરી હતી. કેટલાક રાજકીય પક્ષો કાળા નાણામાંથી ધોળા કરવાના કારસ્તાનમાં જોડાયેલ હોવાની આશંકા ઉભી થઇ છે. ચુંટણીપંચની તપાસમાં ઘણા રાજકીય પક્ષો ઘણાં લાંબા સમયથી સક્રિય પક્ષ નિર્ષ્કીય હોવાનું બહાર આવ્યું છે.
અદાલત ચુંટણી પંચ પાસે અત્યારે નિષ્કીય રાજકીય પક્ષોને રદ કરવાની કોઇ સત્તા નથી. ચુંટણી પંચે કાયદા મંત્રાલય પાસેથી બંધારણ અનુછેદ કમલ ૩૨૪ અંતર્ગત લાંબા સમયથી નિસર્ક્રિય રહેતા રાજયપક્ષોની માન્યતા રદ કરવાની જોડાવાય મુજબ ચુંટણી પંચ રાજય પક્ષોની માન્યતા રદ કરવાની સત્તા આપવી જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.