- પરષોતમ રૂપાલા, ચંદુ શિહોરા, ભરત સુતરિયા, રાજેશ ચુડાસમાના સ્થાને નવા ચહેરા મેદાનમાં ઉતારાશે
- વડોદરા અને સાંબરકાંઠા બેઠક પર પણ ભાજપે બીજીવાર ઉમેદવાર બદલવા પડશે
અબ કી બાર 400 કે પાર ના સુત્ર સાથે લોકસભાની ચુંટણી લડવા મેદાનમાં પડેલા સત્તાધારી પક્ષ ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હોમ સ્ટેટ પક્ષના અડિખમ ગઢ ગુજરાતમાં જ ભાજપ અસંતોષની આગમાં ભડભડ સળગી રહ્યું છે. સૌરાષ્ટ્રની પાંચ સહિત ગુજરાતની 7 બેઠકો પર ઉમેદવારો બદલવા પડે તેવી કફોડી સ્થિતિમાં ભાજપ મૂકાય ગયું છે. હજી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થવાના આડે 10 દિવસનો સમય બાકી હોય જો વિવાદ શાંત નહી પડે તો ભાજપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ બેઠક પર ગમે ત્યારે ઉમેદવારો બદલી શકે છે.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલાએ એક કાર્યક્રમમાં રાજા-રજવાડા અંગે કરેલા નિવેદન બાદ ક્ષત્રીય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. સમાધાન માટેની તમામ ફોર્મ્યુલા ફેઇલ ગઇ છે. સૌરાષ્ટ્રભરના ક્ષત્રીય સમાજમાં માત્ર એક જ માંગ ઉઠી રહી છે કે ભાજપ રૂપાલાની ટિકીટ રદ કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઠેર ઠેર પરષોતમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ દ્વારા વિરોધ કરનારાઓ સામે આકરી કલમો લગાવવામાં આવતા વિરોધ વધુઉગ્ર બની ગયો છે. દરમિયાન ગઇકાલે સુરેન્દ્રનગર ખાતે ક્ષત્રીય સમાજની એક બેઠક મળી હતી જેમાં રૂપાલાની ટીકીટ રદ કરવા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અન્યથા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગામી બુધવારે ભાજપ હાઇકમાન્ડે રૂપાલાને દિલ્હી બોલાવ્યા છે. તેઓની ટિકીટ પર જોખમ ઝવુંબી રહ્યું છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાની ટિકીટ કાંપી ચંદુભાઇ શિહોરાને ટિકીટ આપી છે જેની સામે પણ ભારે વિરોધ છે આ બેઠક પર તળપદા કોળી સમાજની વસ્તી વધુ છે. અને વર્ષોથી ભાજપ-કોંગ્રેસ દ્વારા તળપદા કોળી સમાજને ટિકીટ આપવામાં આવતી હતી. દરમિયાન ભાજપે આ વખતે મુળ કોંગ્રેસી ગોત્ર ધરાવતા અને ચુંવાળીયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઇને ટિકીટ આપી દેતા વિવાદનું વાવેતર થયું છે. તેઓની ટિકીટ કાંપવા પણ કાર્યકરો અને આગેવાનોમાંથી માંગ રહી છે.
અમરેલી બેઠક પરતો ઉમેદવાર બદલવાની માંગ મારા મારી સુધી પહોંચી જવા પામી છે. ભાજપે ત્રણ ટર્મથી સાંસદ એવા નારણભાઇ કાછડીયાની ટિકીટ કાંપી ભરતભાઇ સુતરીયાને ઉમેદવાર બનાવ્યા છે. જેની સામે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવાર બદલવાની માંગ સાથે ગઇકાલે સાંસદ નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાના સર્મથકો વચ્ચે છુટા હાથે મારા મારી થઇ હતી. જેમાં કેટલાંક કાર્યકરો ઘવાયા પણ હતા.
જુનાગઢ બેઠક પર ભાજપે રાજેશભાઇ ચુડાસમાને સતત ત્રીજી વખત લોકસભાની ટિકીટ આપી છે. વેરાવળના જાણીતા સેવાભાવી તબીબ ડો. અતુલભાઇ ચગના આપઘાત પ્રકરણમાં સાંસદ ચુડાસમાનું નામ ઉછળ્યું હતું. છતાં તેઓની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ તેઓને ફરી ટિકીટ આપી દેવાતા રઘુવંશી સમાજમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આવામાં રાજેશ ચુડાસમાની ટિકીટ પણ રદ કરવાની માંગણી ઉઠી રહી છે.
ભાવનગર બેઠક પર ભાજપે તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બામણીયાને ટિકીટ આપી છે જેની સામે ચુંવાડીયા કોળી સમાજના એક જુથે મોરચો ખોલ્યો છે આ બેઠક પર ચુંવાળીયા કોળી સમાજના અઢી લાખથી વધુ મતો હોય તેઓના ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોતમભાઇ રૂપાલા સામે ક્ષત્રીય સમાજનો રોષ સતત વધી રહ્યો છે. આવામાં ભાજપની સ્થીતી સાપે છછુદંર ગળ્યા જેવી બની જવા પામી છે. તેઓના વિરોધમાં હવે ક્ષત્રીય સમાજે પોતાના ઘરે પોસ્ટર પણ લગાવવાનું શરુ કર્યુ છે.
ઉમેદવારોના નામો જાહેર કરી દીધા બાદ વિવાદ વંટોળ ફાટી નીકળતા ભાજપે વડોદરા અને સાંબરકાંઠા બેઠક પર ઉમેદવાર પણ બદલવાની ફરજ પડી હતી. આ બન્ને બેઠકો માટે નવા ઉમેદવારો જાહેર કરાયા બાદ પણ ભાજપમાં હજી અંદર ખાને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિ જોતા આ બે બેઠકો માટે ભાજપે ફરી ઉમેદવારો બદલવા પડે તેવી સ્થિતિમાં પક્ષ મૂકાય ગયું છે.
જે રાજયમાં ભાજપે તમામ બેઠકો જીતવા માટે રતિભાર પણ ચિંતા કરવાની આવશ્યકતાની હતી. તે ગુજરાતમાં જ હવે પક્ષે સૌથી વધુ કસરત કરવી પડશે ખુદ વડાપ્રધાને સભાઓ સંબોધવા આવવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
રાજયસભાના સાંસદ તરીકે રૂપાલાનો કાલે છેલ્લો દિવસ: બુધવારે દિલ્હી દરબારનું તેડુ
અંગત કુટુંબીજનનું નિધન થતાં આજે પરષોતમ રૂપાલાના તમામ કાર્યક્રમો તાકીદની અસરથી કરાયા રદ
રાજયસભાના સાંસદ તરીકે આજે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપા અને ડો. મનસુખભાઇ માંડવીયાની મુદત આવતીકાલે બીજી એપ્રિલના રોજ પૂર્ણ થઇ રહી છે. જો કે તેઓ હજી મંત્રી તરીકે છ મહિના ચાલુ રહી શકશે. બુધવારે રૂપાલાને દિલ્હી દરબારમાંથી તેડુ આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ગુજરાતના રાજયસભાના ચાર સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયા (ભાજપ), પરષોતમભાઇ રૂપાલા (ભાજપ), અમિબેન યાજ્ઞીક (કોંગ્રેસ), અને નારણભાઇ રાઠવા (કોંગ્રેસ)ની છ વર્ષની મુદત આવતીકાલે બીજી એપ્રિલના રોજ પૂર્ણ થઇ રહી છે. આ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવાર એવા રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, ગોવિંદભાળ ધોળકીયા, ડો. પરમાર અને મયંક નાયક બીન હરીફ ચુંટાયા છે.રાજયસભાના જે ચાર સાંસદોની મુદત આવતીકાલે પૂર્ણ થઇ રહી છે તે પૈકી ભાજપના બન્ને સાંસદ ડો. મનસુખ માંડવીયા અને પરષોતમભાઇ રૂપાલા કેન્દ્ર સરકારમાં હાલ મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે જો કે સાંસદ પદે ન હોવા છતાં તેઓ છ મહિના સુધી મંત્રી પદે રહી શકે છે.
આ બન્નેને ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ડો. મનસુખ માંડવીયાને પોરબંદર લોકસભા બેઠક પરથી જયારે પરષોતમભાઇ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે. એક કાર્યક્રમમાં પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સતત વિવાદ વકરી રહ્યો છે. તેઓની ટિકીટ રદ કરવાની માંગણી ક્ષત્રીય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આવા માહોલ વચ્ચે તેઓને આગામી બુધવારે દિલ્હી દરબારમાં હાજર થવા ફરમાન મોકલવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ તેઓની સાથે બુધવારે મહત્વ પૂર્ણ બેઠક કરશે જેમાં તેઓની ઉમેદવારીને લઇ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.
ક્ષત્રીય સમાજની પરષોતમભાઇ રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે. છતાં હજી મામલો શાંત થવાનું નામ લેતો નથી. આવામાં આગામી બુધવારે કોઇ પરિણામ લક્ષી નિર્ણય લેવામાં આવી શકે છે. ક્ષત્રીય સમાજના રોષની અસર માત્ર રાજકોટ જ નહી સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર પડી શકે તેમ હોય ભાજપની મુંઝવણમાં વધારો થઇ રહ્યો છે. આવતીકાલે રાજયસભાના સાંસદ તરીકે પરષોતમ રૂપાલાની મુદત પૂર્ણ થઇ રહી છે. જો તેઓની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકીટ રદ કરવામાં આવશે તો તેમની રાજકીય કારર્કીદી પર પૂર્ણ વિરામ મૂકાય જશે તેમને સંગઠનમાં કોઇ હોદો આપી સાચવી લેવામાં આવશે.