આવતીકાલ સાંજ સુધીમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવાશે, ગુરૂવારે ફોર્મ ભરશે

વોર્ડ નં.15ની બે બેઠકો માટે આગામી છઠ્ઠી ઓગસ્ટના રોજ પેટા ચુંટણીનું મતદાન યોજાવાનું છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ થઇ ગઇ છે. ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પણ લેવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં પણ હાલ 8 થી 10 ઉમેદવારોએ દાવેદારી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આવતીકાલ સાંજ સુધીમાં ભાજપ દ્વારા અને ગુરૂવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે.

શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે વોર્ડ નં.15ની બે બેઠકો માટેની પેટા ચુંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ગત રવિવારે સેન્સ લેવામાં આવી હતી. જેમાં 20 દાવેદારોએ ચુંટણી લડવા માટે ઇચ્છા વ્યક્ત કરી છે. આ તમામના બાયોડેટા પ્રદેશ સમક્ષ મોકલી દેવામાં આવ્યા છે. જો પ્રદેશમાંથી સૂચના આવશે તો પેનલ બનાવવામાં આવશે.

આવતીકાલ સાંજ સુધીમાં બંને ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે અને ગુરૂવારે શુભ વિજય મુહુર્તે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.15ની બે બેઠકો માટે હાલ કોંગ્રેસમાં 8 થી 10 જેટલા દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. જેના નામો આવતીકાલે જાહેર કરવામાં આવશે. ગુરૂવારે કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોના નામ જાહેર કરી દેવાશે અને ફોર્મ પણ ભરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડ કોંગ્રેસનો ગઢ છે.

શહેરના 18 પૈકી 17 વોર્ડની તમામ 68 બેઠકો ભાજપના કબ્જામાં છે. એકમાત્ર વોર્ડ નં.15ની ચાર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. જો કે, વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇ ગેરલાયક ઠરતા પેટા ચુંટણીની નોબત આવી છે. ઉમેદવાર ભલે નક્કી નથી થયા પરંતુ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે છેલ્લા એક સપ્તાહથી પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુરૂવાર સુધીમાં બંને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ચુંટણીનો ગરમાવો જામશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.