- સૌરાષ્ટ્રની બાકી રહેલી ચારેય બેઠકો માટે વર્તમાન સાંસદોની ટિકિટ પર પુરેપૂરૂ જોખમ: નવા ચહેરા મેદાનમાં ઉતારાશે
લોકસભાની આગામી ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત શનિવારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની 15 બેઠકો સહિત અલગ અલગ રાજયોની 195 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા દરમિયાન આજે મોડીરાતે અથવા આવતીકાલે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવશે. જેમાં ગુજરાતની બાકી રહેલી 11 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ગત રવિવારે ભાજપ દ્વારા જાહેર કરવામા આવેલી ઉમેદવારોના નામની પ્રથમ ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા હતા જેમાં કચ્છ બેઠક માટે વિનોદભાઈ ચાવડા, બનાસકાંઠા બેઠક માટે ડો. રેખાબેન ચૌધરી, પાટણ બેઠક માટે ભરતસિંહ ડાભી, ગાંધીનગર બેઠક માટે અમિતભાઈ શાહ, અમદાવાદ પશ્ર્ચિમ બેઠક માટે દિનેશભાઈ મકવાણા, રાજકોટ બેઠક માટે પરસોતમભાઈ રૂપાલા, પોરબંદર બેઠક માટે ડો. મનસુખ માંડવીયા, જામનગર બેઠક માટે પુનમબેન માડમ, આણંદ બેઠક માટે મિતેશભાઈ પટેલ, ખેડા બેઠક માટે દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠક માટે રાજપાલસિંહ જાદવ, નવસારી બેઠક માટે સી.આર. પાટીલ, દાહોદ બેઠક માટે જશવંતસિંહ ભાભોર,ભરૂચ બેઠક માટે મનસુખભાઈ વસાવા અને બારડોલી બેઠક માટે પ્રભુભાઈ વસાવાના નામની ઘોષણા કરવામાં આવી છે.
અમદાવાદ પૂર્વ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરત, છોટાઉદેપુર અને વલસાડ બેઠક માટે ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે. આ તમામ બેઠકો માટે બીજી યાદીમાં ઉમેદવારોનાં નામ જાહેર થઈ શકે છે આજે મોડીરાતે અથવા આવતીકાલે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર થઈ શકે છે.
સૌરાષ્ટ્રની બાકી રહેલી ચારેય બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકીટ કપાવવાનું પૂરૂ જોખમ રહેલું છે. સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ટિકીટ પર કાતર ફરે તેવી પ્રબળ સંભાવના દેખાય રહી છે. જયારે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરવામાં આવે તેવી શકયતા 50 ટકા જેવી દેખાય રહી છે.
ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં ભાજપ દ્વારા 15 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરાયા હતા જેમાં પાંચ બેઠકો પર સિટીંગ સાંસદોની ટિકીટ કપાય હતી જયારે 10 બેઠકો પર સિટીંગ સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, પંચમહાલ અને અમદાવાદ પશ્ર્ચિમ બેઠક માટે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ગુજરાતની બાકીની 11 બેઠકો પૈકી ચારથી પાંચ બેઠકો પર ભાજપ નવા ચહેરાઓને લોકસભાની ચૂંટણી માટે ટિકીટ આપવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
હું લોકસભા નથી લડવાનો: કુંવરજીભાઈની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળીયાના નામની ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25મી ફેબ્રુઆરીના રોજના રાજકોટ પ્રવાસ દરમિયાન એરપોર્ટ ખાતે પીએમએ કુંવરજીભાઈ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કુંવરજીભાઈનું નામ વધુ પ્રબળ બન્યું હતુ. દરમિયાન ગઈકાલે એક કાર્યક્રમમાં રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ એ વાતની સ્પષ્ટતા કરી હતી કે મેં લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. હવે આ વાત પર પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.